ચરોતરમાં 16 લાખથી વધુ પાલતું પશુઓ છે. જેમાં ગાયો-ભેંસોની સંખ્યા વધારે છે. હાલ ગ્રામ્ય વિસ્તારના 75 ટકા તળાવો તળિયા ઝાટક થઇ ગયા છે. પાણી પુરવઠા વિભાગ માનવ જાત માટે પીવાના પાણીની માંડમાંડ વ્યવસ્થા કરે છે. ત્યારે તેમની પાસે પશુધન માટે પાણીની અપેક્ષા રાખવી મૃગજળનું સમણું જોવા જેવી છે.
આણંદ કામધેનું યુનિ.ના વેટરનરી વિભાગના ડૉ. પિનેશ પરીખના જણાવ્યા મૂજબ એક પશુ દિવસમાં 30 લિટર પાણી પીવે છે. તે હિસાબે ગણીએ તો ચરોતરમાં 16 લાખ પશુને 4.80 કરોડ લિટર પાણી જોઇએ પણ લાવવું ક્યાંથી? આ અંગે નામ ન આપવાની શરતે પાણી પૂરવઠાનાં અધિકારીએ કબૂલાત કરી હતી કે, પશુઓ માટે કેનાલમાંથી ટીંપુ પાણી પણ તળાવોમાં ફાળવવાની અમને સત્તા નથી.
ચરોતરમાં 800થી વધુ ગામોમાં 2130 તળાવોમાંથી હાલમાં 1800થી વધુ તળાવો તળિયા ઝાટક છે. જેથી પશુઓને પીવાનું પાણી આપવા પશુપાલકોને આખી રાત 40થી 50 ફૂટ ઊંડા ઉતરી ગયેલાં કૂવા ઉલેચવા પડે છે. નજીકના ગામોમાં પાણીની અપેક્ષાએ 8થી 10 કિમી વાહનો લઈ રઝળપાટ કરવો પડે છે. તેમાં પણ ખંભાત, તારાપુર, માતર, કપડવંજ, કઠલાલ અને ઠાસરા સહિતના તાલુકામાં પીવાના પાણીની સમસ્યા વધુ ઘેરી બનતી જાય છે. ગામના તળાવો સૂકાઈ ગયા હોવાથી સ્વાભાવિક જ તળ ઉંડા ઉતરતાં મોટાભાગના હેન્ડપંપ બંધ થઇ ગયા છે.
તારાપુરના ઈન્દ્રણજ અને આસપાસના લોકોને 10 કિમી દૂર છેક કનેવાલ તળાવમાં પાણી ભરવા જવું પડે છે. ખંભાત, તારાપુર અને માતરમાં કનેવાલ તથા પરિએજ તળાવમાંથી લોકો માટે પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. તે પણ છેવાડાના ગામો સુધી પહોંચતું નથી. ત્યારે લોકોને પોતાના બાળકો અને પરિવાર માટે પાણી મેળવવા વલખા મારવા પડે છે, ત્યારે પશુઓના પાણીની વાત જ કયાં કરવી...!
ચરોતરમાં 9 નદી પૈકી હાલ માત્ર 2માં જળ, 7 નિર્જળ
ચરોતરમાંથી મુખ્ય નવ નદીઓ પસાર થઈ રહીં છે. જેમાં માહી, સાબરમતી, મેશો, ખારી, લૂની, વારાસી, શિહર, વાત્રક અને શેઢી. આ નવ પૈકી હાલ માત્ર સાબરમતી અને મહીસાગર નદીમાં પાણી છે બાકીની સાત નદીઓ સુકાઈ ગઈ છે. જે બે નદીમાં પાણી છે તેમાં પણ ચરોતરને માત્ર મહીસાગરનો લાભ મળે છે. જ્યારે સાબરમતીનું પાણી ચરોતરને ફાળવાતું નથી માત્ર અમદાવાદને મળે છે.
અમારા બાળકો માટે પણ પાણી નથી ત્યારે પશુઓની વાત જ ક્યાં કરવી!
ખંભાતના છેવાડાના વડગામ, વૈણેજ નવાગામ સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની અછતને કારણે પશુપાલકો દયનીય સ્થિતિમાં મુકાયાં છે. વૈણેજ ગામમાં બાળકો અને પરિવાર માટે પણ પીવાનું પાણી પૂરતું નથી મળતું ત્યારે ઢોરની તો વાત જ ક્યાં કરવી! આકરાં તાપમાં 8થી 10 કિમી દૂર આમ તેમ રઝળપાટ કરીને પરિવાર અને માલઢોર માટે પાણી શોધવા જવું પડે છે.
પશુઓને તો ક્યારેક અશુદ્ધ પાણી પીવડાવવું પડે છે, સરકાર જો અમારાં વિસ્તારમાં હવાડો બનાવે તો તરસ્યાં ઢોરને પાણી મળી રહે અને પશુપાલકોને રાહત થાય તેમ છે. અન્યથા તરસથી તડપતાં પશુઓને જોઈને પશિપાલકોના હૈયા બળી રહ્યાં છે. > બચુભાઈ ભરવાડ, પશુપાલક, વડગામ
પશુઓ માટે પાણી લેવા ટ્રેકટર, બાઇક કે સાઈકલ પર નીકળી ભટકવું પડે છે
તારાપુર નજીકના રામપુરા અને ગોલાણા વિસ્તારના પશુપાલકોને પણ પશુઓ માટે પાણી લેવા રઝળપાટ કરવો પડે છે. વાહનોમાં વાસણો લઇને કનેવાલ કે નજીકના ગામમાં તળાવ હોય ત્યાં જવાનો વખત આવે છે. સવારથી બેડા કે વાસણો લઇને પરિવાર અને પશુ માટે પાણીની શોધમાં જવું પડે છે. ક્યાયથી પાણી ન મળે તો નાછૂટકે રામપુરાના તળાવનું ક્ષારયુક્ત પાણી પીવું પડે છે.
હાલમાં ભરવાડ સમાજના પરિવારો પાસે પશુઓ વધુ હોવાથી ટ્રેકટર, બાઇક કે સાઈકલ લઇને પાણી શોધવા માટે નીકળવું પડે છે. પાણી માટે પરસેવો પાડવાના કપરા દિવસો દૂર થાય તે માટે તંત્ર વ્યવસ્થા કરે તેવી આશ છે. > નરેન્દ્રભાઇ દાનુભાઇ જાદવ, વલ્લી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.