સોજિત્રા તાલુકાના મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાના મેનેજર અને પટ્ટાવાળાએ ભેગા મળીને ખાતેદારોની એફડી અને ક્રોપ લોન મળી રૂપિયા 50 લાખથી વધુની રકમ ચાઉં કરી હતી. આ અંગેનું કૌભાંડ પાંચ દિવસ અગાઉ ઉજાગર થતાં જ સોજિત્રા પોલીસે આ મામલે બંને વિરૂદ્ધ બનાવટી દસ્તાવેજ, ઉચાપત અને ગુનાહિત ષડયંત્ર સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી લીધી છે. સોજિત્રા તાલુકાના મલાતજ ગામે ટાવર ખડકી વિસ્તારના મૂળ રહેવાસી 56 વર્ષીય સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી હાલમાં લંડન ખાતે પોતાના પરીવાર સાથે રહે છે.
તેમના પત્ની સ્મિતાબેનની માનસિક હાલત સારી રહેતી નથી. અને તેઓને સંતાનમાં કોઈ બાળક નથી. મલાતજ ગામે આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં પતિ-પત્નીના નામે જોઈન્ટ એકાઉન્ટ હતું. પત્નીની તબિયત સારી રહેતી ન હોય તેઓએ તેમના એકાઉન્ટ અલગ કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેને પગલે મલાતજ શાખામાં પોતાનુ નવું બેંક એકાઉન્ટ ખોલાવ્યું હતું. ગત 1 ઓક્ટોબરે તેઓ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાની મલાતજ શાખામાં ગયા હતા સમગ્ર હકીકત તેમણે બેંક મેનેજરને જણાવી હતી.
બેંક મેનેજર પ્રવિણ છબીલ ઠક્કરે તેમની પાસે એફડીનું ફોર્મ ભરાવ્યું હતું અને તાબડતોડ તેમને બેંકના પટ્ટાવાળા ભરત રબારી મારફતે ચેક આપીને, પાંચ ચેક તેમની સહીવાળા લીધા હતા. અને તેમને રૂપિયા 50 લાખની એફડી થઈ જશે તેવો ભરોસો અપાવ્યો હતો.થોડા દિવસ પછી સંજયભાઈ પોતાના એફડીના પ્રમાણપત્ર લેવા માટે બેંકમાં ગયા ત્યારે બેંક મેનેજર અને પટાવાળા ગલ્લાં તલ્લાં કરવા લાગ્યા હતા. જોકે, અવાર-નવાર ઉઘરાણી કરતાં આખરે 10મી ઓક્ટોબરના રોજ પટ્ટાવાળો ભરત તેમના ઘરે આવીને એફડીના પ્રમાણપત્રો આપી ગયો હતો. જોકે, પ્રમાણપત્રો હાથથી લખેલા અને ચેકચાકવાળા હતા.
દરમિયાન, અવાર-નવાર તેમણે ઉઘરાણી કરતાં તેઓ બ્હાનાં બતાવતા હતા. આખરે, સમગ્ર કૌભાંડમાં કંઈક અજુગતું લાગતાં તેમણે સેન્ટ્રલ બેંકની ડેમોલ શાખામાં પોતાના એકાઉન્ટની તપાસ કરાવી હતી. જેમાં તેમના નામની કોઈ એફડી ન હોવાનું ખૂલ્યું હતું. નોંધનીય બાબત તો એ છે કે, બંને જણાંએ એકબીજાના મેળાપીપળામાં રહીને અનેક ખાતેદારોની લોન પણ પચાવી પાડી હતી. હાલમાં સોજિત્રા પોલીસે મેનેજર અને પટ્ટાવાળા વિરૂદ્ધ ઉચાપતનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પોતાની પાસે ચેકબુક ન હોવાનું કહેતાં જ તૈયારીમાં ચેકબુક પણ આપી દીધી
નવું એકાઉન્ટ ખોલાવી, એફડી કરાવવા ગયેલાં સંજયભાઈને બંને શખસોએ રૂપિયા 10 લાખની એક એફડી એવી 5 એફડી માટે રૂપિયા 50 લાખના પાંચ ચેક લીધા હતા. નોંધનીય બાબત તો એ છે કે, એફડી માટે બેંકમાં ભરવામાં આવતું ફોર્મ ભરીને સંજયભાઈ ત્રિવેદીની સહી કરાવ્યા બાદ બંને જણાંએ પાંચ ચેક માંગ્યા ત્યારે સંજયભાઈએ તેમની પાસે ચેક ન હોવાનું જણાવ્યું હતું. એ સમયે પ્રવિણ ઠક્કરના આદેશથી ભરત રબારીએ તૈયારીમાં નવી ચેકબુક મંગાવી તેમાં એકાઉન્ટ નંબરના સિક્કા મારી સંજયભાઈને ચેકબુક આપી હતી.
2 વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતો
બેંક મેનેજર પ્રવિણ છબીલ ઠક્કર મૂળ કરમસદનો રહેવાસી છે અને છેલ્લાં બે વર્ષથી મલાતજ શાખામાં ફરજ બજાવતો હતો. હાલમાં બેંક સત્તાધીશો દ્વારા જૂના ખાતાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય બાબત તો એ છે કે, આગામી એક વર્ષમાં જ મેનેજર તેના પદેથી નિવૃત્ત થવાનો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.