સારોલના કોતરોમાં દીપડાના આંટાફેરા:બે નીલગાયનું મારણ કર્યુ, ગ્રામજનોએ જાણ કરતા વનવિભાગે પાંજરા ગોઠવ્યા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોરસદ તાલુકાના સારોલ ગામના મહી નદી કોતરોમાં દીપડાએ દેખા દેતા પંથકવાસીઓ ભયભીત થઇ ગયા છે. દીપડાએ બે નીલગાયનું મારણ કર્યુ હતું. સ્થાનિક ગ઼ામજનોએ રાત્રે ગામની સીમ વિસ્તારમાં દીપડો આંટા-ફેરા મારતો વિડીયો ઉતાર્યો હતો. જે પુરવાના ભાગરૂપે વન વિભાગને મોકલી આપતા વન વિભાગે ટીમો બનાવી દીપડાને પકડવા પાંજરા ગોઠવ્યા છે. શિયાળાની રાત્રે ખેતરમાં ખેતી પાક માટે પાણી વાળતી વખતે ખેડુતોની હાલત કફોડી થઇ ગઇ છે.

સારોલ ગામમાં અંદાજીત 4 હજાર ઉપરાંત પરિવારજનો વસવાટ કરે છે.ત્યારે કેટલાક દિવસોથી મહી નદી તટના કિનારે દીપડાએ દેખા દીધી છે. ગ્રામજનો હિંમત કરી હાકોટા કરી દીપડાને ભગાવે છે છતાં ફરી પાછો આ વિસ્તારમાં આવી ચડે છે. આ અંગે ભાવેશભાઇ જાદવ સહિત અન્ય રહીશોએ જણાવેલ કે મહી નદીના કોતરોમાં પ્રાણીઓને ખોરાક નહીં મળતાં શિકારની શોધમાં સીમ વિસ્તારમાં આવી ચડે છે.

આ હિંસક પ્રાણીએ બે નીલગાયનું મારણ કરી સીમ વિસ્તારમાં લઇ આવતા ગ્રામજનોએ હાકલા કરી તેને ભગાડી દીધો હતો. ગ્રામજનો રાત્રીએ ભેગા થઈને સાધનો સાથે રખેવાળી કરવી પડે છે. છેલ્લા ધણા દિવસોથી દીપડો આવે છે અને પશુઓનો શિકાર કરીને ભાગી જાય છે.

દીપડો પકડી લેવા માટે ટીમો કાર્યરત કરાઇ છે
બોરસદના સારોલ ગામની મહીસાગર નદીના કોતરોના ભાઠા વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની ગ્રામજનોએ ફરિયાદ કરતા વિવિધ ટીમો બનાવી હિંસક પ્રાણીને પકડી લેવા માટે કામગીરી શરૂ કરાઇ છે. > ભરત ડાભી, ફોરેસ્ટ અધિકારી, વન વિભાગ, બોરસદ

અન્ય સમાચારો પણ છે...