કર્મચારીઓનો આક્ષેપ:આણંદની સુવિખ્યાત મીલસેંટ ઘરઘંટી કંપનીમાં કર્મચારીઓનો શોષણનો આક્ષેપ, શ્રમ અધિકારીએ નોટિસ આપી

આણંદ15 દિવસ પહેલા
  • કર્મચારીઓએ લેબર કચેરીએ પહોંચી શોષણના મુદ્દે રજૂઆત કરી
  • સરકારી નિયમ મુજબની પીએફ, મેડીકલ સહિતની કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી

આણંદની સુવિખ્યાત ઘરઘંટી નિર્માતા કંપનીમાં કર્મચારી શોષણનો મુદ્દે ઘમાસાણ રચાયું છે. કંપનીના કેટલાક કર્મચારીઓએ લેબર કચેરીએ પહોંચી અધિકારીને કંપની દ્વારા શોષણના મુદ્દે રજૂઆતો કરી હતી. જે બાદ લેબર અધિકારી દ્વારા કર્મચારીઓના રજૂઆત મુદ્દે કંપનીએ તપાસ કરવા પહોંચતા સમગ્ર જીઆઇડીસીમાં ચકચાર મચી હતી.

વિદ્યાનગર સ્થિત મીલસેંટ ઘરઘંટીના 8થી 10 વર્ષ ઉપરાંતથી કામ કરતા કેટલાક કર્મચારીઓને કાયમી નહીં કરાતા તેમજ મળવા પાત્ર લાભો અને અપૂરતા પગારને બાયો ચઢાવી છે. આ બાબતે કર્મચારીઓ દ્વારા લેબર કમિશ્નરને રજૂઆતો કરાઈ હતી. જે બાબતે લેબર કમિશનર કચેરીના શ્રમ અધિકારી દ્વારા કંપનીની સામેની ફરિયાદ મુદ્દે સ્થળ તપાસ કરવામાં આવી હતી. જ્યાં હાજર અસંતોષી કર્મચારીઓના અને કંપની મેનેજમેન્ટ ના નિવેદનો લેવામાં આવ્યા છે.

બળજબરી રીતે ઓવરટાઈમ કરાવવામાં આવે છે.

આ બાબતે કર્મચારી ધ્રુવલ પટેલે જણાવાયું હતું કે, તેઓને રૂ.180 બેઝિક તેમજ રૂ.70 હાજરીના થઈ 255 રૂપિયા રોજ આપવામાં આવે છે. પગાર કવરમાં રોકડમાં આપવામાં આવે છે. બોનસ 3 હજારથી સાડાત્રણ હજાર જેટલું આપવામાં આવે છે. આ ઉપરાંત બળજબરી રીતે ઓવરટાઈમ કરાવવામાં આવે છે. તેમજ સરકારી નિયમ મુજબની પીએફ, મેફિકલ સહિતની કોઈ પણ પ્રકારની સુવિધા આપવામાં આવતી નથી.

એક મિનિટનો સમય પણ મોડા પડીએ તો પણ પગાર કાપ કરવામાં આવે છે

કર્મચારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, અમારે નોકરીનો સમય સવારે 8.30થી 5.00 કલાકનો છે, પરંતુ જો હાજર થવામાં અડધા મિનિટથી લઈ એક મિનિટનો સમય પણ મોડા પડીએ તો પણ પગાર કાપ કરે છે. વળી આવું બે કે ત્રણ વાર થયા તો હાજરી બોનસની રકમ કપાઈ જાય એટલે બેઝિક પગાર મુજબ 3600ની આસપાસનો પગાર જ મળે. આ રકમમાં ઘર કેવી રીતે ચલાવીએ અને બીજા ખર્ચ કેવી રીતે કાઢીએ ?

કંપનીને નોટિસ આપવામાં આવી

આ અંગે શ્રમ અધિકારીએ જણાવ્યું હતું કે, કર્મચારીઓના રજૂઆતના પગલે આ તપાસ આરંભાઈ હતી અને કંપનીને નોટિસ આપવામાંછે. આ તપાસમાં લેવામાં આવેલા નિવેદનો બાદ કંપનીને નોટિસ આપવા આવી છે. અને ફરિયાદમાં સત્યતા જણાશે તો લેબર કોર્ટમાં ફરિયાદ પણ કરવામાં આવશે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મહત્વનું છે કે, કંપની દ્વારા આ હોબાળાને લઈ મીડિયામાં કંપની સ્થળની સીધી ઓળખ છતી ન થાય તે માટે કંપનીની ઓળખવાળા નામ દર્શીત બોર્ડ પણ દૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...