આણંદનો પ્રજ્ઞાચક્ષુ યુવક રાજ્ય કક્ષાની સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાની ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા જાહેર થતા આણંદમાં ખુશીની લહેર વ્યાપી છે. પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં પોતાની હિંમત અને હોંશિયારીથી આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર યુવકને ચોતરફથી અભિનંદનની વર્ષા થઈ રહી છે. સ્પેશિયલ નાગરિકો માટે કામ કરતી સંસ્થા સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગર દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ધ્વજ ધ્યાનીને ને સન્માનિત કરવામાં આવ્યો હતો.
રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા અને ગુજરાત રાજ્ય રમત-ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાયેલ સ્પેશિયસ ખેલ મહાકુંભમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ જિલ્લામાં ચેસ ટુર્નામેન્ટમાં પ્રથમ આવેલ ધ્વજ ધ્યાનીએ રાજ્ય કક્ષાની ચેસ ટુર્નામેન્ટમાં આણંદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જેમા જુનિયર વિભાગમાં બોયઝમાં તેણે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી આણંદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
મહત્વનું છે કે, ધોરણ 12માં સી.વી.એમ કોમન સ્ટ્રીમમાં અભ્યાસ કરતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી ધ્વજ ધ્યાનીએ પ્રાપ્ત કરેલ સિદ્ધિ બદલ તેને અભિનંદન પાઠવવા ચાંગા ગામના પ્રજ્ઞાચક્ષુ પૂર્વ સરપંચ અને સેતુ ટ્રસ્ટ વલ્લભ વિદ્યાનગરના જનરલ સેક્રેટરી સુધાબેન પટેલ, ખજાનચી ચિરાગભાઈ પટેલ,ટીચર અને ટ્રસ્ટી રાધાબેન પટેલ વિધાનગર નગરપાલિકાના કાઉન્સિલર અને સેતુ ટ્રસ્ટના ટ્રસ્ટી રાખીબેન શાહ ઘ્વારા તેના ઘરે જઈને અભિનંદન પાઠવી તેને સન્માનિત કર્યો અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી. ધ્વજે જણાવ્યું કે, "પુરુષાર્થ વિના પ્રારબ્ધ પણ પાંગળુ" છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.