નવતર વિરોધ:આણંદના વેટરનરી ડોકટર્સનો ભથ્થાની માગણી સંદર્ભે વિરોધ, વિદ્યાર્થીઓએ લોહીથી પત્ર લખી મુખ્યમંત્રીને મોકલ્યા

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટાઈપેન્ડ રૂ. 4200થી વધારી 18,000 કરવાની માગ

આણંદમાં પોતાના ભથ્થા વધારાની માગણીને લઇ હડતાલ પર ઉતરેલા વેટરનરી ડોક્ટર્સ દ્વારા બુધવારના રોજ સાંકેતિક રીતે લોહીથી પત્રો લખવામાં આવ્યાં હતાં. આ પત્રો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નાણામંત્રી કનુભાઈ દેસાઇ અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલને લખ્યાં હતાં.

સ્ટાઈપેન્ડમાં વધારો કરવાની માગ
રાજ્યમાં વેટરનરી ઇન્ટર્ન તબીબોને સ્ટાઈપેન્ડ તરીકે ફક્ત રૂ. 4200 આપવામાં આવે છે, જ્યારે અન્ય સમૃદ્ધ રાજ્યોમાં 20 હજારથી 25 હજાર સ્ટાઈપેન્ડ તરીકે આપવામાં આવે છે. ગુજરાતમાં આપવામાં આવતું સ્ટાઈપેન્ડ મનરેગામાં સૂચિત મજૂરોને આપવામાં આવતી મજૂરી કરતા પણ ખૂબ ઓછું છે. આ સ્ટાઈપેન્ડ રૂ. 4200થી વધારીને રૂ. 18 હજાર કરવાની માંગ વેટરનરી વિદ્યાર્થીઓ દ્વારા વખતોવખત કરવામાં આવ્યા બાદ પણ કોઈ ઠોસ પગલાં ન લેવાતા રાજ્યની કામધેનુ યુનિવર્સીટીની ચારેય કોલેજનાં વિદ્યાર્થીઓ અનિશ્ચિતકાલિન હડતાલ પર ઉતર્યાં છે.

વેટરનરી તબીબોની હડતાળનો આજે ત્રીજો દિવસ હતો
મહત્વનું છે કે આ હડતાલના ત્રીજા દિવસે વિદ્યાર્થીઓ દ્વારા ધરણાં પ્રદર્શન ઉપરાંત શૈક્ષણિક અને ક્લિનિકલ કાર્યનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે બુધવારના રોજ વિદ્યાર્થીઓ દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા લોહીથી સાંકેતિક રીતે પત્રો લખાયાં હતાં. આ પત્રોમાં તેમની માંગ, તેમની પીડા રાજ્ય સરકાર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરાયો હતો. લોહીથી ચિહ્ન આ પત્રો મુખ્યમંત્રી, પશુપાલન મંત્રી અને નાણામંત્રીને મોકલવામાં આવ્યાં હતાં.

હાલ ગુજરાત રાજ્યમાં લમ્પી સ્કીન ડીસીઝ ઝડપથી ફેલાઈ રહ્યો છે. રાજ્યનું પશુધન ખતરા પર છે ત્યારે વેટરનરી ઇન્ટર્ન તબીબો નજીવા સ્ટાઈપેન્ડ સાથે રસીકરણ કાર્યક્રમમાં દિવસ રાત જોડાયેલાં છે. આવી ગંભીર પરિસ્થિતિઓ હોવા છતાં સરકાર આ હડતાલ અને માંગ તરફ ધ્યાન આપી રહી નથી. સરકાર દ્વારા તેમની માંગણી લેખિતમાં નહીં સંતોષવામાં આવે તો રાજ્યનાં ચારેય કોલેજનાં 1600થી વધુ જુનિયર વેટરનરી તબીબો અનિશ્ચિતકાલિન હડતાલ શરૂ રાખશે. આ ઉપરાંત સિનિયર વેટરનરી તબીબો કે જે હાલ ફરજ બજાવી રહ્યાં છે, તેઓ પણ આ હડતાળમાં જોડાશે અને તેનાથી રાજ્યનાં બહુમૂલ્ય પશુધનને થતાં નુકસાન માટે સરકાર જવાબદાર રહેશે.

અન્ય સમાચારો પણ છે...