અનોખો સેવાયજ્ઞ:આણંદના નીતિનભાઈ છેલ્લા 20 વર્ષથી પછાત વિસ્તારોમાં જઈ બાળકોને આપે છે નિઃશુલ્ક શિક્ષણ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરુકુલ પરંપરા મુજબ પ્રાકૃતિક વાતાવરણમાં ઓપન સ્કુલ ચલાવે છે

શિક્ષણ માનવીય સભ્યતા , વિકાસ અને ચારિત્ર્ય નિર્માણનો પાયો છે. જડતા માંથી શ્રેષ્ઠતમ સંવેદનશીલતાનું પરિવર્તન કરતી પ્રક્રિયા જ શિક્ષણ છે.જોકે હાલ શિક્ષણ ખુદ એક મોટો વ્યાપાર બની ગયો છે.વિદ્યા દાનની સઘળી ઉક્તિઓ માત્ર વેદવિચાર બની શૈક્ષણિક સંકુલોની ભીંતો અને પુસ્તકોમાં શોભી રહી છે.સામાજિક ચિંતન કરનારા અને નિસ્બત રાખનાર ચરિત્રો હવે આંગળીના વેઢે ગણી શકાય તેવા જ રહ્યા છે.આવા સમયમાં આણંદના એક શિક્ષિત યુવાને છેલ્લા 20 વર્ષથી ગરીબ પછાત વર્ગના બાળકોને વિદ્યાદાનની ભેખ ધરી છે.

નાગરિકોમાં પ્રવર્તી રહેલ અશિક્ષિતતા ,અભણતા દેશની પ્રગતિમાં સૌથી મોટો અવરોધ છે.ખાસ કરીને ગરીબ અને મજૂર વર્ગના બાળકોમાં શિક્ષણનો અભાવ સમાજમાં બેરોજગારી, જડતા અને ગુનાખોરીનું નિમિત્ત બને છે.જોકે નિયમિત રીતે બાળકને શિક્ષિત કરી, તેના મનોભાવો જાણી બાળકમાં ઘડાતાં વિચારો, માન્યતાઓ અને ગ્રંથિઓથી પરિચિત રહી જરૂર પડ્યે યોગ્ય માર્ગદર્શનથી તેને ખોટાં વિચારો અને માન્યતાઓથી બચાવી શકાય છે. કારણ કે બાળકમાં શ્રેષ્ઠતમ ચારિત્ર્ય નિર્માણના પાયામાં તેનાં વિચારો તથા માન્યતાઓ મુખ્ય હોય છે. જે તેના આખાયે જીવનનો આધાર છે.ગરીબ અને પછાત વર્ગના બાળકોની ચિંતા કરતા નિવૃત શિક્ષક પિતા આત્મારામ પ્રજાપતિએ શિક્ષિત પુત્ર પાસે આવું ચિંતન રજૂ કરતા શિક્ષત પુત્ર નીતિનભાઈ પ્રજાપતિએ આંજ્ઞાકિત ભાવે આણંદ અને તેની આસપાસના ગરીબ અને પછાત વર્ગના બાળકોને ગુરુકુળ પરંપરા મુજબ વિદ્યાદાન આપવાની શરૂઆત વર્ષ 2002 થી કરી હતી જેને આજે 20 વર્ષ વીતી ચુક્યા છે.

મૂળ ગાંધીનગરના વાગોસણાના વતની અને હાલ આણંદ નજીક ચિખોદરા ખાતે રહેતા નિતીનકુમાર આત્મારામ પ્રજાપતિ ખરેખર શિક્ષણકર્મને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યા છે.અંગ્રેજી વિષય સાથે બી.એ.થયેલ નીતિનકુમાર પ્રજાપતિએ અભ્યાસ કર્યા બાદ ડીપ્લોમાં ટીઈએફએલનો(ટોફેલ) કોર્ષ કર્યો છે. અને હાલ આણંદ ખાતે ગ્લોબલ લેંગ્વેજ સેન્ટર અંગ્રેજી ટ્રેનીંગ સેન્ટર ધરાવે છે.

આજના યુગના શિક્ષણ સામેની એક મોટી ફરિયાદ એ છે કે તે માત્ર અને માત્ર યાદશક્તિની પરીક્ષા કરે છે, જીવન જીવવા માટેનું વાસ્તવિક પ્રશિક્ષણ આપી શકતું નથી પછાત ગ્રામ્ય વિસ્તાર અને ઝુપડપટ્ટીમાં રહેતા ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી બાળકો માટે તેઓ વિવિધ વિસ્તારોમાં પ્રાકૃતિક વાતાવરણમાં ઓપન સ્કુલ ચલાવે છે.અંગ્રેજીની સાથે સાથે હિન્દી, ગુજરાતી અને સંસ્કૃત ભાષાઓ શીખવે છે. મહિનાના દર રવિવારે એક-એક કલાક માટે શહેરના અલગ-અલગ ચાર વિસ્તારમાં તેઓ બાળકોને શિક્ષણ થકી શિક્ષણ યજ્ઞમાં જોડે છે. શિક્ષકે પ્રજ્ઞાચક્ષુ છાત્રો માટે ફ્લેશ કાર્ડ પણ બનાવ્યા છે.

શિક્ષણ પ્રત્યે બાળકોની રૂચિ વધારવા માટે ભાર વિનાનું ભણતર અને ગમ્મત સાથે જ્ઞાન ની અનોખી સર્જનાત્મકતા ધરાવતા નીતિનકુમારે શિક્ષણ પધ્ધતિમાં નવતર પ્રયોગો હાથ ધર્યા છે. બાળકો સહજ રીતે હિન્દી, ગુજરાતી, અંગ્રેજી તથા સંસ્કૃત ભાષાનું અક્ષરજ્ઞાન મેળવી શકે તે માટે 351 પેજમાં હાથથી 1008 આકૃતિઓ તૈયાર કરી છે. સાથે સાથે પ્રજ્ઞાચક્ષુ બાળકો વિવિધ ભાષાઓ શીખી શકે તે માટે બ્રેઈલ લીપીની મદદથી ફલેશ કાર્ડસ અને ડ્રોઈંગ બનાવ્યા છે અને તેના માધ્યમથી મંદબુધ્ધિના બાળકોને સરળતાથી અક્ષરજ્ઞાન મળી રહે છે.આવનાર સમયમાં અલગ-અલગ ભાષાઓ શીખી શકાય તેની ઉપર પણ તેઓ કામ કરશે તેમ નીતિનભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

નીતિનભાઈ પ્રજાપતિ સવારના બે કલાક પાતોડપુરા અને ચિખોદરા ખાતે, બપોર બાદ ગણેશ બ્રીજ પાસે અને ગામડી ખાતે સાંજના સમય દરમિયાન બાળકોને ભણાવી રહ્યા છે.જોકે તેમણે જણાવ્યું કે હાલ ચોમાસા દરમિયાન તેઓ દર શનિવારે ભણાવે છે, જ્યારે ઉનાળા દરમિયાન શનિ અને રવિવારે બે દિવસ ભણાવે છે. હાલમાં તેમની પાસે ધોરણ 1 થી 7 સુધીના 325 જેટલા ભૂલકાઓ ભણવા માટે આવે છે. આ ભૂલકાઓ ખેત મજૂર અને છૂટક મજૂરી કરતા લોકોના બાળકો ભણવા માટે આવે છે.

મહત્વનું છે કે નીતિનભાઈ આ શિક્ષણયજ્ઞ દરમ્યાન સાથે બ્લેકબોર્ડ, અલ્પાહાર બધું જ પોતાની સાયકલ પર લઈને જાય છે. મહત્વનું છે હાલ સુધી તે સામાન્ય સાઇકલ ઉપર જતા હતા પણ હવે ઉંમર થતા તેઓએ મિત્રના સહયોગથી બેટરી પણ ફિટ કરી છે જેથી હવે સાઇકલ પેન્ડલથી પણ ચાલે છે અને બેટરીથી પણ ચાલે છે.તેઓએ જણાવ્યું હતું કે આ સાયકલને એક વખત ચાર્જ કર્યા પછી 25 કિલોમીટર સુધી ચાલે છે. ચાર્જિંગનો ખર્ચ માત્ર રૂપિયા ચાર થી પાંચ જ આવે છે.

નોંધનીય છે કે તેઓ શિક્ષણસેવી સાથે સમાજસેવી પણ છે.સાચા અર્થમાં સમાજ અને માનવતાનું ચિંતન કરતા નીતિનભાઈ પ્રજાપતિ જિલ્લાની અનેક નાની-મોટી સંસ્થાઓમાં તેમની અનુકૂળતા મુજબ સેવા આપતા રહ્યા છે અને આર્યુવેદિક કેમ્પનું પણ આયોજન કરે છે. તેમની ઉચ્ચ સેવાની કદર કરી ઘણી બધી સંસ્થાઓએ પ્રમાણપત્રો અને પુરસ્કારથી સમ્માનિત કર્યા છે.તેઓને પત્નિ પણ શિક્ષક છે અને એક દીકરી છે જે ડિપ્લોમાનો અભ્યાસ કરે છે.શિક્ષિત અને સભ્ય માનવસમાજના નિર્માણની સંકલ્પના માટે અવિરત ગરીબ અને પછાતવર્ગના બાળકોના શિક્ષણ યજ્ઞકાર્યમાં પ્રવૃત નીતિનભાઈ માતા,પિતા અને સમાજની સેવા એજ માનવતા અને ભગવાનની પૂજા ગણે છે.

અન્ય સમાચારો પણ છે...