ગુજરાતમાં દારૂની હેરાફેરી વધી રહી છે. ત્યારે આણંદ પોલીસ દ્વારા જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા સખ્ત પગલાં લેવામાં આવી રહ્યા છે. આણંદ સ્થાનિક ગુના શોધક શાખા અને વાસદ પોલીસે પ્રોહિબિશન ડ્રાઇવ ગોઠવી સપાટો બોલાવ્યો હતો. બન્નેએ દારૂ ભરેલી બે ટ્રક પકડી પાડી તેમાં ભરેલો 36.30 લાખનો વિદેશી દારૂ જપ્ત કરી બૂટલેગર સામે ગુનો નોંધ્યો હતો.
બે શખ્સની અટક કરી પુછપરછ હાથ ધરી
આણંદની LCBની ટીમે બાતમી આધારે 11મીની મોડી રાત્રે વાસદ ટોલનાકા પર વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન વડોદરા તરફથી ટ્રક નં. એમએચ 04, એચએસ 2082, આવતા તેને શંકા આધારે રોકી હતી. ટ્રકને સાઇડ પર લઇ તેમાં સવાર બે શખ્સની અટક કરી પુછપરછ કરતાં તે નીતીન ઉર્ફે નવ્નત દિલીપ શિવાજી અને શંભુદેવ ઉર્ફે વિનોદ જાકપ્પા રંગુ જગઘણે (રહે. સાંગોલા, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું.
ભુસાની થેલીની આડમાં દારૂ સંડાડ્યો હતો
મહત્વનું છે કે, આ બન્ને પાસેથી પોલીસે મોબાઇલ જપ્ત કરી લીધાં હતાં અને ટ્રકમાં શું ભરેલું છે ? તે અંગે પુછપરછ કરતાં ભુસાની બેગો ભરી હોવાનું જણાવ્યું હતું. તેના બિલ્ટ્રી માંગતા ડ્રાઇવરે બિલ્ટ્રી અને ઇ-વે બીલ રજુ કર્યાં હતાં. જેમાં ગાંધીધામની કંપનીનું સરનામું હતું. જોકે, બાતમી પાક્કી હોવાથી તોડપત્રી ખસેડી અંદર જોતા કેસરી રંગની પ્લાસ્ટીકની થેલીમાં ભુસુ ભરેલું હતું. જે ખસેડીને જોતા અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આથી, ટ્રકને તાત્કાલિક વાસદ પોલીસ મથકે લઇ ગયાં હતાં. જ્યાં ગણતરી કરતાં ભુસાની કુલ 155 થેલીની આડમાં વિદેશી દારૂ અને બિયરની બોટલ 22,368 કિંમત રૂ.22,60,800 મળી આવી હતી. આથી, પોલીસે દારૂ, ટ્રક રૂ.10 લાખ, મોબાઇલ, રોકડ, દોરડા મળી કુલ રૂ.32,64,350નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ચાલકની પુછપરછ કરતાં આ માલ સુમિત જલીન્દર સદગુરૂનગર (રહે.થાને)એ ભરી આપ્યો હોવાનું કબુલતા પોલીસે નીતીન ઉર્ફે નવનત દિલીપ શિવાજી બીસે, શંભુદેવ ઉર્ફે વિનોદ જાકપ્પા રંગુ જગઘણે અને સુમિત જલીન્દર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાસદ પોલીસે 13.70 લાખનો દારૂ ભરેલી ટ્રક પકડી પાડી
આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ દારૂ ભરેલી ટ્રક પકડી તેના પહેલા વાસદ પોલીસે મંગળવારની રાત્રે રૂ.13.70 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડી પાડી હતી. વાસદ પોલીસ બાતમી આધારે ટોલનાકા પર વોચ પર ઉભી હતી. તે સમયે ટ્રક નં. એમએચ 46 બીબી 4742 આવતા તેને રોકી તલાસી લીધી હતી. જેમાં જાડા લાકડાના પ્લાયવુડની શીટો ભરેલી હતી અને જે શીટની નીચે ગુપ્ત ખાનુ બનાવીને તેમાં છુપાવેલો વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. આથી, તેને પોલીસ મથકે લાવી તેના ચાલકની પુછપરછ કરતાં તે વેદપાલ ઇન્દ્રશર્મા લાલચંદ પંડીત (રહે. શુગરમીલ, કૈથલ, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં લાકડાના પ્લાયવુડની શીટની આડમાં ટ્રકના ગુપ્તખાનામાં સંતાડેલા પુઠાના બોક્સ ખોલી જોતા તેમાં જુદા જુદા બ્રાન્ડની 4656 બોટલ કિંમત રૂ.13.70 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આથી, પોલીસે દારૂ, ટ્રક, મોબાઇલ,રોકડ સહિત કુલ રૂ.27,38,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને વધુ પુછપરછમાં વેદપાલ પંડીત ઉપરાંત રાજકુમાર અને એક મોબાઇલ નંબર ધારકનું નામ ખુલતા પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.