આણંદ- વિદ્યાનગર રોડ ઉપર આવેલ બિગ બજાર સામે ક્રિષ્ના ગેલેરીયા કોમ્પલેક્ષમાં આવેલ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમટેડની ઓફિસમાં એસીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. આગ આખા રૂમમાં પ્રસરી જતા કર્મચારીઓએ આણંદ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર બ્રિગેડના લાશકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લઈ બુઝાવી નાખી હતી. સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.
પ્રાપ્ત માહિતી મુજબ આણંદ શહેરમાં આવેલા બિગ બજાર સામે ક્રિષ્ના ગેલેરીયા કોમ્પલેક્ષ આણંદ વિદ્યાનગર રોડ 201 માં આવેલ કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડની ઓફિસ આવેલી છે. આ ઓફિસમાં ગુરુવારે શોર્ટ સર્કિટને કારણે એસીમાં આગ ભભૂકી ઊઠી હતી. આગ જોત જોતામાં આખા રૂમમાં પ્રસરી ગઈ હતી. હબકી ગયેલ કર્મચારીઓએ આ ઘટનાની જાણ આણંદ ફાયર બ્રિગેડને કરતાં આણંદ ફાયર બ્રિગેડના ફાયર ઓફિસર ધર્મેશ ગોરની સૂચનાથી ફાયર ફાઈટર સાથે અવિનાશ પરમાર, નરેન્દ્ર તથા જય પટેલ તુરંત ઘટના સ્થળે પહોંચી જઈને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાંખી હતી. આઞની ઘટનામાં કોઈપણ જાતની જાનહાનિ થયેલ નથી. આ ઘટનાને લઈને આણંદ શહેર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
અત્રે ઉલલેખનીય છે કે ગત તા.4 માર્ચ 2023ના રાત્રીના સાડા દશેક વાગ્યાના સમયે આણંદ - વિદ્યાનગર રોડ ઉપર આવેલ ગોલ્ડ સિનેમાના ભોયરામાં ભીષણ આગ લાગી હતી. આઞના કારણે ગોલ્ડ સિનેમાના બેઝમેન્ટમાં આવેલ ગોડાઉન ભાડે રાખીને ફૂલોનો સ્ટોક કરી ફૂલોનો વેપાર કરતાં 40 વર્ષીય સુરોજીત મૈત્રી બળીને ભડથું થઈ જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે સિનેમામાં ફસાયેલા 15 લોકોને આબાદ રીતે બચાવી લેવામાં આવ્યાં હતાં. ગરમી ના કારણે આગ ની ઘટનાઓ માં વધારો થતો જોવા મળી રહ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.