• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand's Health Policy Holder Sued The Insurance Company In Court Seeking Compensation, The Court Ordered The Insurance Company To Pay Rs. Ordered To Pay 51 Thousand Including Interest

વીમા દાવાની રકમ કાપવી પડી ભારે:આણંદના હેલ્થ પોલિસી ધારકે વીમા કંપનીને કોર્ટમાં ખેંચી જઈ વળતર માંગ્યું, કોર્ટે વીમા કંપનીને રૂ. 51 હજાર વ્યાજ સહિત ચૂકવવા હુકમ કર્યો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 1.11 લાખના દાવામાંથી વીમા કંપનીએ માત્ર 24 હજાર જ ચૂકવતાં વીમાધારક અકળાઈ ઉઠ્યા
  • ​​​​​​​માનસિક ત્રાસ બદલ રૂ. 2 હજાર તથા અરજી ખર્ચના રૂ. 1 હજાર ચૂકવવા પણ હુકમ કરાયો
  • ​​​​​​​​​​​​​​વીમા દાવાની રકમ કાપી લેવી એ અનૈતિક વેપાર નીતિ : ગ્રાહક તકરાર કોર્ટ

વિદ્યાનગરના એક વીમાધારકને આંખની સારવારના ખર્ચના રૂ. 1.11 લાખના દાવામાંથી વીમા કંપનીએ માત્ર 24 હજાર જ ચૂકવતાં વીમાધારક અકળાઈ ઉઠ્યા હતા. પોતે પૂરું વીમા પ્રીમિયમ નિયમિત ભરતા હોવા છતાં ક્લેઈમની ચૂકવણી વખતે વીમા કંપનીએ મોટી રકમની કપાત કરતાં મામલો ગ્રાહક કોર્ટે પહોંચ્યો હતો. જેમાં તમામ આધાર-પુરાવા સહિતની બાબતો ધ્યાને લઇને કોર્ટે અરજદારને રૂા. 51 હજાર વ્યાજ સહિત ચૂકવવા વીમા કંપનીને હુકમ કર્યો હતો. હેલ્થ પોલિસી વેચતી વીમા કંપનીઓ દ્વારા વીમાધારકો પાસે પોલિસીનું પૂરું પ્રીમિયમ લેવા છતાં માંદગી કે ઓપરેશન બાદ પોલિસીના જુદા-જુદા નિયમો બતાવી વીમા ક્લેઈમની પૂરી રકમ ચૂકવવામાં આવતી નથી. જેને પગલે એક વીમાધારકને પોતાના હકની રકમ લેવા કોર્ટના દ્વાર ખટખટાવવા પડ્યા હતા.

સૂત્રો અનુસાર વિદ્યાનગરમાં રહેતા શોભનાબેન સિદ્ધાર્થભાઇ અમીન વર્ષ 2000થી ધી યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિ.ની મેડિક્લેઇમ પોલીસી ધરાવતા હતા. તેમણે તેમની અને તેમના પતિની રૂ. 3 લાખની ઇન્ડિવિઝ્યુઅલ હેલ્થ પોલિસી લીધી હતી. દરમિયાન શોભનાબેનને જમણી આંખના કેટરેક્ટની સારવાર આણંદની ખાનગી હોસ્પિટલમાં લેવાની જરૂર પડી હતી. જેમાં રૂ. 1 લાખ 11 હજાર 808નો ખર્ચ થયો હતો. જેના માટે પોલિસી ધારકે ક્લેઇમ મેળવવા જરૂરી સારવાર ખર્ચના તમામ બીલ સહિત દસ્તાવેજી પુરાવા આપી વીમા કંપનીમાં દાવો કર્યો હતો. પરંતુ વીમાકંપનીએ માત્ર રૂ. 24 હજાર મંજૂર કરીને બાકીનો ક્લેઇમ પોલીસીના કેટલાક નિયમો અને બંધનોનું કારણ દર્શાવીને નામંજૂર કર્યો હતો. આથી શોભનાબેને આણંદની ગ્રાહક તકરાર કોર્ટમાં ફરિયાદ કરી હતી.

દરમિયાન ગ્રાહક કોર્ટમાં વીમા કંપની તરફથી જવાબ રજૂ કરાયો હતો કે, ફરિયાદીની જમણી આંખના મોતિયાની સારવાર અંગે ક્લેઇમ મળતા તમામ બિલ સ્ક્રૂટીનાઇઝ કરીને મળવાપાત્ર રૂ. 24 હજાર પોલિસીની શરતોના ક્લોઝ 3.33 અન્વયે મંજૂર કરીને ફરિયાદીના બેંક ખાતામાં જમા કરાવેલા છે. જો કે ગ્રાહક કોર્ટે ધ્યાને લીધું હતું કે, વીમા પોલિસીના ક્લોઝ મુજબ કસ્ટમરી અને રીઝનેબલ ચાર્જ ફરિયાદીને કઇ રીતે લાગુ પડે છે તે અંગે કોઇ ખુલાસો કે પુરાવો સામાવાળાએ ૨જૂ કર્યો નથી. ઉપરાંત યુનિફોકલ કે મલ્ટીફોકલ લેન્સ અંગેની માહિતી આપી નથી કે સમજાવી પણ નથી. વધુમાં ક્લોઝ અંતર્ગત કેટરેક્ટની સારવાર માટે ઓપરેશનમાં થયેલા કુલ ખર્ચ અથવા સમ ઇન્શ્યોર્ડના 25 ટકા બેમાંથી જે ઓછું હોય તે રકમ મળવાપાત્ર થાય.

આથી ફરિયાદીના સમ ઇન્શ્યોર્ડ રૂ. 3 લાખના 25 ટકા રૂ. 75 હજાર થાય. જ્યારે સા૨વા૨ ખર્ચ રૂ. 1.11 લાખ થયો છે. તેથી સમ ઇન્શ્યોર્ડની મળવાપાત્ર રકમ રૂ. 75 હજારમાંથી અગાઉ જમા આપેલા રૂ. 24 હજાર બાદ કરીને રૂ. 51 હજાર મેળવવા ફરિયાદી હક્કદાર હોવાનું કોર્ટે જણાવ્યું હતું. વધુમાં કોર્ટે ધ્યાને લીધું હતું કે, ઓપરેશન અંગે કોઇ નિશ્ચિત ઉચ્ચક રકમ હોઇ શકે નહી અને તેથી વીમા દાવાની રકમ કાપી લેવાના કૃત્યને કોર્ટ દ્વારા અનૈતિક વેપાર નીતિ ઠરાવવામાં આવી હતી અને મૂળ ફરિયાદીની અપીલ મંજૂર કરવામાં આવી હતી.

આ કેસમાં ગ્રાહક કોર્ટે વીમાકંપનીને ફરિયાદી શોભનાબેન અમીનને રૂ. 51 હજાર હુકમ તારીખથી બે માસમાં વસૂલ આપવા અને અરજી તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ ચૂકવવા તેમજ માનસિક ત્રાસ બદલ રૂ. 2 હજાર તથા અરજી ખર્ચના રૂ. 1 હજાર પણ ચૂકવવા હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...