હડતાળની ચીમકી:આણંદના સરકારી કર્મચારીઓ જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા રસ્તાઓ પર ઉતર્યા

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30મી સુધીમાં ઉકેલ લાવવામાં નહીં આવે તો અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી

આણંદમાં સરકારી કર્મચારીઓ દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગ સાથે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગણેશ ચોકડી સુધી પહોંચ્યા બાદ પ્રતિનિધિ મંડળ કલેક્ટર કચેરી પહોંચ્યું હતું અને આવેદનપત્ર આપી પડતર પ્રશ્નના ઝડપી નિકાલ માટે માંગણી કરી હતી. જો 30મી સુધી ઉકેલ નહીં આવે તો જલદ કાર્યક્રમના ભાગરૂપે અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું એલાન કર્યું હતું. આ અંગે રાષ્ટ્રીય ઓલ્ડ પેન્શન પુનઃ સ્થાપન સંયુક્ત મોરચો અને જુની પેન્શન યોજના પુનઃ શરૂ કરવા તથા આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા રેલી યોજવામાં આવી હતી.

વિશાળ રેલી યોજી
આણંદમાં જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાના મુદ્દે સરકારી કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચઢાવી છે. કર્મચારીઓએ શનિવારના રોજ વ્યાયામશાળાથી ગણેશ ચોકડી સુધી વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી બાદ કલેક્ટરને રજુઆત કરવામાં આવી હતી. જેમાં માંગણી કરી હતી કે, કેન્દ્ર સરકાર દ્વારા 1લી જાન્યુઆરી, 2005થી ઓલ્ડ પેન્શન સ્કીમ બંધ કરી નેશનલ પેન્શન સ્કીમ કર્મચારી માટે લાગુ કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા 1લી એપ્રિલ, 05થી એનપીએસ લાગુ કરવામાં આવી છે. આ તારીખ બાદ ભરતી કરાયેલા કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતું આજીવન પેન્શન બંધ કરવામાં આવ્યું છે.

કર્મચારીઓમાં રોષની લાગણી
મહત્વનું છે કે, કર્મચારીઓના પગારની દસ ટકા રકમ સામે સરકાર દ્વારા દસ ટકા હિસ્સો મળી કુલ રકમ એનપીએસમાં જમા થાય છે. જે રકમ શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિ બાદ જમા રહેલી રકમનું કોઇ પણ બેંકમાં ડિપોઝીટ કરવામાં આવે છે. જે રકમનું વ્યાજ નહીંવત હોવાથી ઘડપણમાં જીવન નિર્વાહ કરવો કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. આ પડતર પ્રશ્ને હકારાત્મક નિરાકરણ આવે તે માટે વારંવાર રજુઆત કરવા છતાં કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા તમામ કર્મચારી આલમમાં અસંતોષ અને રોષની લાગણી જન્મી છે.
જે અંગે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા બેઠક યોજી જુની પેન્શન યોજના, ફિક્સ પગાર નાબુદી, સાતમા પગારના ભથ્થા સહિત કુલ 15 જેટલી માગણી સંદર્ભે લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે 3જી સપ્ટેમ્બરના રોજ રેલી યોજવામાં આવી હતી.

પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી
સરકારી કર્મચારીઓના પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો 11મી સપ્ટેમ્બરના રોજ રાજ્ય ઝોન કક્ષાએ રેલી અને કલેક્ટરને આવેદનપત્ર અપાશે. આ ઉપરાંત 17મીના રોજ માસ સીએલ, 22મીના રોજ કર્મચારીઓ દ્વારા પેનડાઉન અને 30મીના રોજ અચોક્કસ મુદતની હડતાલનું એલાન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...