આણંદ જિલ્લામાં એક તરફ ચૂંટણીનો માહોલ જામી ગયો છે ત્યારે જિલ્લામાં મોટાભાગના સરકારી કર્મચારીઓને ચૂંટણી કામગીરીમાં સામેલ કરી દેવાતા જિલ્લા અને તાલુકા કક્ષાએ કચેરીઓમાં થતા સરકારી કામો ઉપર પણ બ્રેક લાગી ગઇ છે. આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરીમાં આવેલ ઇ-ધરાની કચેરીના કામો ખોરંભે પડી ગયા છે અને કર્મચારીઓ માત્ર ચૂંટણીના કામ અંગેની વાત કરો બીજા કોઈ કામો હાલ થશે નહીં, ચૂંટણી બાદ અરજદારોના કામો હાથ ઉપર લેવાશે તેવા ઉદ્ધત જવાબો આપી રહ્યા છે.
આણંદ ગ્રામ્ય મામલતદાર કચેરી સંલગ્નની ઇ-ધરા કચેરીમાં મોટાભાગનો સ્ટાફ અને કર્મચારી વર્ગ ચૂંટણી કામગીરીમાં વ્યસ્ત બની ગયો છે અને કચેરીમાં માત્ર બે જ કર્મચારીઓ કામગીરી સંભાળી રહ્યા છે અને આવતા અરજદારોને જે કોઈ અરજી હોય તે તમામ આ ટોપલીમાં મુકો બધા કામો ચૂંટણી બાદ થશે તેવા જવાબો આપી રહ્યા છે. ત્યારે આ કચેરીમાં અરજદારોના મિલકત સંબંધી કામો જેવા કે, હયાતી વારસાઈ, બોજો, ક્ષતિ સુધારણા, બેંક બોજા દાખલ અને કમીના દાખલા સહિતના કામોની આરજીઓનું ભરાવો થઈ ગયો છે.
ઇ-ધરાના મોટાભાગના કર્મચારીઓ ચૂંટણી વ્યસ્ત બનતા ઇ-ધરાની લગતી કામગીરી હાલ અભરાઈએ ચઢી ગઈ છે. બીજી તરફ ઘણા અગત્યના કામોમાં ડોક્યુમેનટ આપેલ હોવા છતાં સરકારી બાબુઓ ચૂંટણીનો હવાલો આપી હાથ અધ્ધર કરી રહ્યા છે અને હાજર અન્ય બે કર્મચારીઓ પણ નવરા ધૂપ બની કામગીરી કે જવાબો આપવાનું ટાળી રહ્યા છે.જેના કારણે હાલ ચૂંટણીના માહોલમાં કચેરીનો માહોલ કોરોના મહામારી જેવો લાગી રહ્યો છે. સામાન્ય નાગરિકોના કામો પણ અભરાઈએ ચઢી ગયા છે અને અેમના સમય અને નાણાંનો પણ વેડફાટ થઈ રહ્યો છે. હવે ચૂંટણી પતે તો સારું.
ચૂંટણીના કારણે ધક્કા ખાવાનો વારો આવ્યો
આણંદ ઈ-ધરા કચેરીમાં હયતી વારસાઈ માટે અરજી કરવા આવ્યો હતો. અરજી સાથે અેફિડેવિટ સહિતના દસ્તાવેજો જોઈન્ટ કર્યા હતા. ફરજ પરના કર્મીઅોઅે કહ્યું, અરજી ટોપલામાં મૂકી દો, હાલમાં ચૂંટણીનું કામ ચાલુ છે. જેથી અરજી રિસિવ કરી હોવાનું કોઈ લખાણ આપતાં નથી. તો વળી બોજો પાડવા માટે અમે ધક્કા ખઈ રહ્યાં છે. - બી.આર. પરમાર, સૈયદપુરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.