ઓનલાઈન વેચાણ માટેની એપ પર કાર વેચવા મૂકેલા તબીબને ગઠિયાને ભેટો થયો હતો. જેમાં ગઠિયાએ તબીબને વિશ્વાસમાં લઈ ગુગલ યુપીઆઈડીની વિગત મેળવી બારોબાર તેમના ખાતામાંથી રૂપિયા 63 હજાર ઉપાડી લીધા હતા. જીટોડિયામાં રહેતા તબીબ વિપુલકુમાર કનુભાઈ પટેલે પોતાની કાર ઓએલએક્સ પર વેચવા માટે મૂકી હતી. દરમિયાન, અજાણ્યા ઈસમે તેમની કાર ખરીદવાની ઈચ્છા બતાવી હતી. જેને પગલે એડવાન્સમાં રૂપિયા 21 હજાર આપવાનું કહી તેણે વિપુલકુમાર પાસેથી તેમના ગુગલનો યુપીઆઈડી નંબર મેળવી લીધો હતો.
અને તેમના ખાતામાંથી બારોબાર તબક્કાવાર રૂપિયા 63 હજાર ઉપાડી લીધા હતા. પોતાના બેંક ખાતામાંથી પૈસા ડેબિટ થતાં જ તેમણે તુરંત આણંદ સાઈબર સેલનો સંપર્ક કર્યો હતો. ટીમ દ્વારા બેંક સ્ટેટમેન્ટ અને ટ્રાન્ઝેક્શનની વિગત મેળવી કંપનીમાં જરૂરી પત્રવ્યવહાર કરી સ્ટોપ પેમેન્ટ કરાવી દીધું હતું. જેને પગલે તબીબ પૂરેપૂરા પૈસા પરત મેળવી શક્યા હતા. આમ, તબીબની સતર્કતા અને સાઈબર સેલની મહેનતને પગલે સાઈબર ક્રાઈમ અટકાવી શકાયો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.