આણંદ સ્થિત અમુલ ડેરીએ વર્ષમાં બીજી વખત દુધના ખરીદ ભાવમાં વધારો કરતા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સભાસદ પશુપાલકો માટે લાભદાયક સ્થિતિ નિર્માણ થઈ છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ખેડૂત પશુપાલકોના વ્યાપારિક હિતોને ધ્યાને લઇ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળો ચાલતો હોય પશુદાણ અને ઘાસચારાની અછત હોવાથી ખૂબ મોંઘો થયો હોય અમૂલ ડેરી દ્વારા આ નિર્ણય જાહેર કરાયો છે.
દૂધના ભાવમાં કિલો ફેટ અને લિટરે કરાયેલો વધારો
વિગત | ભેંસનું દૂધ | 6 ફેટ | 7 ફેટ |
જૂના ભાવ | 730 | 45 | 52.61 |
નવો ભાવ | 740 | 45.71 | 53.33 |
વધારો | 10 | 0.62 | 0.72 |
ગાયના છ અને સાત ફેટના દૂધમાં કિલો ફેટ અને પ્રતિ લિટરે કરાયેલો ભાવ વધારો
વિગત | ગાયનું દૂધ | 6 ફેટ | 7 ફેટ |
જૂના ભાવ | 331.8 | 31 | 33.03 |
નવો ભાવ | 336.4 | 31.76 | 33.49 |
વધારો | 4.61 | 0.43 | 0.46 |
દેશ અને દુનિયા નવા રોજગાર માટે મોટી સમસ્યાઓ ઉભી થઇ છે.જ્યારે ભારતમાં પશુપાલન પ્રતિવર્ષ વધતો અને વિકસતો વ્યવસાય છે જે ગ્રામ્ય અર્થતંત્રને ધબકતું રાખે છે. ચરોતરમાં પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલ અઢી થી ત્રણ લાખ પશુપાલક પરિવાર આણંદ અમૂલ ડેરી સાથે જોડાયેલા છે. જેમની આજીવીકા એકમાત્ર દૂધનો વ્યવસાય છે. આથી, તેમને ટકાવી રાખવા ખૂબ જ મહત્વનું છે.
ખાસ કરીને ઉનાળાની ઋતુ દરમિયાન ઘાસચારો સહિત પશુ ખોરાકની અછત સર્જાતા તેમનો ભાવ વધે છે. પરંતુ વળતરમાં ખાસ કોઇ વધારો થતો નથી. આથી, તેઓ પશુપાલન વ્યવસાય છોડી દે તેવો ભય ઉભો થાય છે. આથી, અમૂલ ડેરી દ્વારા આ વરસે સતત બીજી વખત દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે નિર્ણય અંતર્ગત ખેડૂતોને અગાઉ ફેટ દીઠ રૂ.730 મળતાં હતાં. જે વધીને રૂ.740 કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂ.331.80 હતો. જે નવો ભાવ વધીને 336.40 કરાયો છે. જે બીજા સંઘોની તુલનામાં સૌથી વધુ ભાવ છે. આ નવો ભાવ 11 જૂન થી અમલમાં આવશે.
મહત્વનું છે કે, પશુપાલન આર્થિક સમૃદ્ધિ અને સ્થિર આવકનો સૌથી મોટો સ્ત્રોત બની રહ્યું છે.અમૂલ ડેરીએ ગુજરાત પેટર્ન મુજબ મહારાષ્ટ્ર, બિહાર, કલકત્તા સહિતના રાજ્યમાં વેપાર વિસ્તાર્યો છે. હાલ અમૂલ ડેરીને દૈનિક 41 લાખ લીટર દૂધની આવક છે. આ ભાવધારાથી આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના અઢી લાખ ખેડૂતોને દૈનિક સવા કરોડ અને વાર્ષિક 450 કરોડની આવક વધશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.