ઘર બેઠા મતદાન:આણંદના 247 વરિષ્ઠ અને 67 દિવ્યાંગોએ ઘરે બેઠાં મતદાનનો વિકલ્પ પસંદ કર્યો

આણંદ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદ જિલ્લાની 7 બેઠકો ઉપર આગામી 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. સમગ્ર ગુજરાતની સાથે આણંદ જિલ્લામાં પણ લોકશાહીના આ પર્વમાં વધુને વધુ મતદાન થાય અને મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા આ વખતની ચૂંટણીમાં સૌ પ્રથમવાર 80 વર્ષથી વધુ વય ધરાવતાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં કુલ 314 મતદારોએ પસંદગી કરી છે.

આણંદ જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકે તે માટેની વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લામાં સમાવિષ્ટ 80 વર્ષથી વધુ વય ધરાવતાં 31,484 વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે ફલેગ થયેલ હોય તેવા 10,807 દિવ્યાંગજનો મળી કુલ 42,291 મતદારો પૈકી ઘરે બેસી મતદાન કરવા ઈચ્છતાં 18,315 વરિષ્ઠ નાગરિકો અને 7,819 દિવ્યાંગ મતદારોને ઘરે રહીને મતદાન કરવા માટે જરૂરી માહિતી ભરવા માટેના કોરા ફોર્મ-12 ડી વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાંથી 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગજનો દ્વારા ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ-12 ડી માં જરૂરી વિગતો ભરીને તે જમા કરાવવામાં આવ્યાં હતાં.

મહત્વનું છે કે મતદારો દ્વારા જમા કરાવવામાં આવેલા આ ફોર્મ-12 ડી ને ધ્યાને લઈ આગામી દિવસોમાં સબંધિત મતદાર વિભાગમાંથી મતદાન પ્રક્રિયા સાથે જોડાયેલા પોલીંગ ઓફિસર સહિતની અધિકારી-કર્મચારીઓની ટીમ મતદારોના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપીને તેમને ઘરે બેઠા બેઠા જ મતદાન કરાવશે.

આણંદ જિલ્લાના વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગ મતદારો ઘરે રહીને જ મતદાન કરી શકે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઉભી કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાની માહિતી આપતાં આણંદ જિલ્લાના પોસ્ટલ બેલેટના નોડલ અધિકારી અને જિલ્લા આયોજન અધિકારી જે. સી. રાવલે જણાવ્યું હતુ કે, આ વિશેષ વ્યવસ્થાના ભાગરૂપે આણંદ જિલ્લાના વિવિધ મતદાર વિભાગમાં રહેતા જે વરિષ્ઠ નાગરિક અને દિવ્યાંગ મતદારોએ ઘરે રહીને જ મતદાન કરવાનો વિકલ્પ પસંદ કરી ફોર્મ-12 ડી ભરીને જમા કરાવેલ છે, તેવા મતદારોના ઘરે તેમને મતદાન કરાવવા જતા પહેલા તેમને એસ.એમ.એસ. દ્વારા, મોબાઈલ દ્વારા અને બી.એલ.ઓ. મારફત અગાઉથી જાણ કરવામાં આવશે. એટલું જ નહી પરંતુ સબંધિત મતદારના ઘરે મતદાન અર્થે જતા પહેલા તે મતદાર બેઠક ઉપરના તમામ ઉમેદવારોને પણ આ બાબતની જાણ કરવામાં આવશે. ત્યારબાદ સબંધિત મતદાર વિભાગની મતદાન ટુકડી મતદારના ઘરે જઈને સબંધિત મતદારને પોસ્ટલ બેલેટ આપશે. પોસ્ટલ બેલેટની સાથે બે કવર પણ મતદારને આપવામાં આવશે. ત્યારબાદ મતદાર દ્વારા ઘરે બેઠા જ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તે પોસ્ટલ બેલેટને કવરમાં મૂકવામાં આવશે. આ કવરને ઉપસ્થિત સૌની હાજરીમાં સીલબંધ કરવામાં આવશે ત્યારબાદ આ સીલબંધ કવરને અને ડેકલેરેશનને બીજા કવરમાં મૂકી તેને પણ સીલબંધ કરી મતદારની મતદાનની ગોપનીયતા જળવાય તે બાબતની સવિશેષ કાળજી રાખવામાં આવશે.

નોંધનીય છે કે, આણંદ જિલ્લાના 7 મતદાર વિભાગો પૈકી ખંભાત મતદાર વિભાગના 30 વરિષ્ઠ નાગરિકો અને 16 દિવ્યાંગ મતદારો, બોરસદ મતદાર વિભાગના 23 વરિષ્ઠ નાગરિકો અને 5 દિવ્યાંગ મતદારો, આંકલાવ મતદાર વિભાગના 38 વરિષ્ઠ નાગરિકો અને 10 દિવ્યાંગ મતદારો,ઉમરેઠ મતદાર વિભાગના 27 વરિષ્ઠ નાગરિકો અને 3 દિવ્યાંગ મતદારો,આણંદ મતદાર વિભાગના 9 વરિષ્ઠ નાગરિકો અને 4 દિવ્યાંગ મતદારો,પેટલાદ મતદાર વિભાગના 40 વરિષ્ઠ નાગરિકો અને 4 દિવ્યાંગ મતદારો તેમજ સોજીત્રા મતદાર વિભાગના 80 વરિષ્ઠ નાગરિકો અને 25 દિવ્યાંગ મતદારો મળી સમગ્ર આણંદ જિલ્લાના સાતેય મતદાર વિભાગોમાં કુલ મળી 80 વર્ષથી વધુ વય ધરાવતાં 247 વરિષ્ઠ નાગરિકો અને 67 દિવ્યાંગ મતદારો આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકે ગયા વગર ઘરે બેઠાં બેઠાં જ મતદાન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...