તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ સમસ્યામાંથી છુટકારો ક્યારે?:આણંદપાલિકાની ઢોરપકડ ટીમ પર સતત બીજા દિવસે હુમલો, પકડેલી ગાયોને ટોળું છોડાવી ગયું

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ 80 ફુટના રોડ ઉપર આવેલ સાંઇબાબા મંદિર જવાના રોડ ઉપર પાલિકાની ટીમો પર રખડતી ગાયો પકડવા જતી વખતે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને રખડતી ગાયો છોડાવી ગયા હતા. જેના પગલે પોલીસ દોડી આવી હતી. - Divya Bhaskar
આણંદ 80 ફુટના રોડ ઉપર આવેલ સાંઇબાબા મંદિર જવાના રોડ ઉપર પાલિકાની ટીમો પર રખડતી ગાયો પકડવા જતી વખતે અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો અને રખડતી ગાયો છોડાવી ગયા હતા. જેના પગલે પોલીસ દોડી આવી હતી.
  • મિલીભગતઃ હુમલાખોરો સામે ફરિયાદ નોંધવાને બદલે મામલો સમેટી લીધો

આણંદમાં ગત 1 જુલાઇના રોજ રખડતી ગાયે વૃધ્ધને શિંગડે ચડાવી મારી નાખ્યા બાદ શહેરમાં હરાયા ઢોરનો મામલો શિરદર્દ બની રહ્યો છે. આ ઘટના બાદ પાલિકાના ઢોરપકડ પાર્ટીએ સક્રિય થઇને કામગીરી શરૂ કરી છે પરંતુ કેટલાક તત્વો પાલિકાની ટીમ પર હુમલા કરે છે જે માટે પોલીસ પાસે પ્રોટેક્શન માગ્યું હોવાછતાં આપવામાં આવતું નથી.

ગઇકાલે શુક્રવારે પાલિકાની ઢોરપકડ ટીમના ઇન્ચાર્જ મિલન ત્રિવેદી પર હુમલો થયા બાદ આજે શનિવારે પણ તેઓ સવારના સમયે 80 ફૂટ રોડ પર કામગીરી કરી રહ્યા હતા ત્યારે ધસી આવેલા ટોળાએ મિલન ત્રિવેદીને માર મારવાની સાથે પકડેલા ઢોર છોડાવી ગયા હતા. બનાવ બાદ પહોંચેલી પોલીસે સમગ્ર મામલો સમેટી લીધો હતો. એટલું જ નહીં પરંતુ સમગ્ર પ્રકરણમાં કોઇ પોલીસ ફરિયાદ થઇ નહતી.પ્રાપ્ત માહિતી મુજબ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે જ્યારે પાલિકાની ટીમ રખડતા પશુ પકડવા જાય ત્યારે રક્ષણ આપવા માટે પોલીસને લેખિતમાં માગણી કરી હતી.

શરૂઆતમાં બે દિવસ રક્ષણ આપવામાં આવતાં સાત જેટલી ગાયો પકડીને ગણેશ ચોકડી ડબ્બામાં પુરી દેવાઇ હતી. પરંતુ એક અઠવાડિયાથી કોર્ટમાં જવાનું ,રથયાત્રા ના બહાન બતાવીને પોલીસ દ્વારા પ્રોટેકશન આપવામાં આવતું નથી. જેના લીધી રખડતી ગાયો પકડવા જતી ટીમો પર વારંવાર હુમલાના બનાવ બને છે. શનિવારે 80 ફુટ રોડ બેંકવેટ હોલ પાસે રખડતી ગાયો પકડવા ગયેલી ટીમના અધિકારી મિલન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અમે રખડતી ગાયો પકડતાની સાથે 100 ઉપરાંત અસામાજીક તત્વો દોડી આવ્યા હતા.

તેઓએ રખડતી ગાયો છોડાવવા માટે ઝઘડો કરી મને માર માર્યો હતો. આ બાબતે પોલીસને જાણ કરાતા પોલીસની ટીમ દોડી આવી હતી પરંતુ ટોળાના લોકો પકડેલી ગાયોને છોડાવીને લઇ ગયા હતા. મામલો બિચકે નહીં તે માટે મિલન ત્રિવેદીને પોલીસ સ્ટેશન લઇ જવાયા હતા પરંતુ સમગ્ર મામલાને સમેટી લેવાયો હતો અને સાંજ સુધી ફરિયાદ નોંધાઇ નહતી. અત્રે ઉલ્લેખનીય છે કે શુક્રવારે પણ મિલન ત્રિવેદીની ટીમ પર હુમલો થયો હતો.

પોલીસ ફરિયાદ નોધાવવા સુચનાઆે અપાઇ હતી
આણંદમાં રખડતી ગાયો પકડતી ટીમો પર અસમાજીક તત્વોઅે હુલમો કર્યો હોવાનો મને જાણ થઈ હતી. જો કે, મિલન ભાઈ ત્રિવેદીઅે પોલીસને વારંવાર ફોન કરવા છતાં પોલીસ ઘટના પતી ગયાં બાદ આવી હતી. આખરે હુમલો કરનાર અસમાજીક તત્વો સામે પોલીસ ફરિયાદ કરવા મિલનભાઈને સુચના આપી હતી. જો કે, પોલીસ ફરિયાદ નોધવા છતાં કોઈ કાર્યવાહી હાથ ધરવામાં ન આવે તો પાલિકા દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. - ગૌરાંગ પટેલ, ચીફ ઓફિસર, આણંદ પાલિકા

અન્ય સમાચારો પણ છે...