આણંદની કૃષિ યુનિવર્સિટી, બં.અ.કૃષિ મહાવિદ્યાલયના એગ્રોનોમી વિભાગ દ્વારા પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાંચ દિવસીય તાલીમનું કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક ડો.વી.જે.પટેલે ઉપસ્થિત તમામને પ્રાકૃતિક કૃષિ માટે યોજાયેલ તાલીમનો ઉદ્દેશ સમજાવ્યો અને પ્રાકૃતિક ખેતીને સંલગ્ન દરેક જાણકારી આપી માહિતગાર કર્યા હતા. આ તાલીમ કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ આયામ જેવા કે પોષણ વ્યવસ્થા, જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત, પાકસંરક્ષણ, નીમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, દશપર્ણિઅર્ક, આચ્છાદન, મિશ્રપાકોની પસંદગી તથા દેશી ગાયનું મહત્વ વગેરે વિષયો ઉપર નિષ્ણાતો દ્વારા વિસ્તૃત સમજ પૂરી પાડવામાં આવી હતી. તેમજ ખેડૂતોનો પ્રાકૃતિક કૃષિ તરફનો અભિગમ વધે અને રસાયણમુક્ત અનાજ, શાકભાજી, ફળ વગેરેનું ઉત્પાદન કરી વધારે વળતર મેળવી શકે તે માટે માર્ગદર્શન પૂરૂ પાડવામા આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓને પ્રાકૃતિક કૃષિ કરવા માટે વધુ પ્રોત્સાહન મળે એવા હેતુથી તેઓને આણંદની આજુબાજુ પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતોની અને એગ્રોનોમી વિભાગ દ્વારા કરવામાં આવેલા પ્રાકૃતિક કૃષિના સંશોધનાત્મક પ્રયોગોની રૂબરૂ મુલાકાત કરાવવામાં આવી હતી. તેમજ કાર્યક્રમના અંતમા ડૉ. વી.જે.પટેલના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રાકૃતિક કૃષિમાં રસ ધરાવતા 46 ખેડૂતોએ ભાગ લીધો હતો, જેમાંથી 11 મહિલા તાલીમાર્થીઓ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.