વિધાનસભા ચૂંટણીને લઈ નિર્ણય:આણંદ ઝોનલ અધિકારીઓને મેજીસ્ટ્રેટના પાવર અપાયાં

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. જેને ધ્યાને લઈ આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવી દ્વારા જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગો માટે ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી તથા રીઝર્વ ઝોનલ અધિકારી, રીઝર્વ મદદનીશ ઝોનલ અધિકારી, સેકટર મેજીસ્ટ્રેટની ફરજો બજાવવા વિવિધ ખાતાઓના વિવિધ સંવર્ગના અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે.

ચૂંટણી સંચાલનની પ્રક્રિયામાં નિષ્પક્ષ અને ન્યાયી કામગીરી થાય હેતુથી ચૂંટણીલક્ષી નિમણૂંક પામેલા અધિકારીઓને ભારતીય ફોજદારી કાર્યરીતિ અધિનિયમ -1973 ની કલમ-44, 103, 104, 129 અને 144 ના અધિકારો આપવા આવશ્યક હોઇ આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ ડી. એસ. ગઢવીએ ચૂંટણી ઝોનલ અધિકારી, મદદનીશ ઝોનલ અધિકારી તથા રીઝર્વ ઝોનલ અધિકારી, રીઝર્વ મદદનીશ ઝોનલ અધિકારી, સેકટર મેજીસ્ટ્રેટને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગાળા માટે ફોજદારી અધિનિયમ-1973 ની કલમ-21 નીચે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નીમીને તેઓને સોંપવામાં આવેલ ચૂંટણીના કાર્યના અનુસંધાને તેમના અધિકાર માટે આ અધિનિયમની કલમ- 44, 103, 104, 129, અને 144 હેઠળના અધિકારો - સત્તાઓ ભોગવવા અંગેનો હુકમ જારી કર્યો છે.

આ હુકમ હવે પછી ઝોનલ અધિકારી ,મદદનીશ ઝોનલ અધિકારી તથા રીઝર્વ ઝોનલ અધિકારી,રીઝર્વ મદદનીશ ઝોનલ અધિકારી,સેકટર મેજીસ્ટ્રેટની નિમણુંકોમાં ફેરબદલી કે સુધારો થાય તો તે બદલીથી આવનાર અધિકારી,કર્મચારીઓને પણ આપોઆપ લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...