ઓનલાઈન છેતરપિંડી:આણંદના વેપારીએ કમાણીની લાલચમાં 14 લાખ રૂપિયા ગુમાવ્યા, અજાણ્યા શખ્સે છેતરપિંડી આચરી

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોનામાં રોકાણ કરવા લીંક મોકલી એપ્સમાં અલગ અલગ ટ્રાન્જેકશનથી નાણા પડાવી છેતરપિંડી આચરી
  • સાયબર છેતરપિંડીની અન્ય એક ઘટનામાં સોજિત્રાના ડેન્ટલ ડોક્ટર યેશા દેવેશભાઇ શાહ પણ ઠગાયા

આણંદમાં સાઈબર ક્રાઈમ ગુનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે.આંતરે દિવસે ઓનલાઈન છેતરપીંડીની ફરિયાદો વધતી રહે છે.આણંદ શહેરના 60 વર્ષીય વેપારીને મોબાઇલ એપ્સ થકી સોનામાં રોકાણ કરી મોટી રકમ કમાવવાની લાલચ આપ્યા બાદ સાયબર ગઠિયાએ રૂ.11.85 લાખ પડાવી લીધાં હતાં. આ અંગે વેપારીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના નારાયણ કોમ્પ્લેક્સમાં રહેતાં યોગેશ ડાહ્યાભાઈ પારેખ (ઉ.વ.60)ના મોબાઇલ પર અજાણ્યા શખ્સે સોશિયલ મીડિયા થકી લીંક મોકલી હતી. આ લીંક તૌરસ નામની કંપનીમાં રજીસ્ટ્રેશન કરાવી માર્કેટમાં જેમ જેમ સોનાના ભાવ વધે તેમ તેમ કરેલા રોકાણમાં પ્રોફિટ વધતું હોવાની લોભ લાલચ આપી હતી. આ વાતમાં આવેલા યોગેશભાઈએ એપ્સમાં અલગ અલગ ટ્રાન્જેકશનથી પેટીએમ દ્વારા રૂ.2.20 લાખ તથા પીયુષકુમાર નામના કોટક બેંક એકાઉન્ટમાં રૂ.11,85,266 મળી કુલ રૂ.14,25,266 ટ્રાન્સફર કર્યાં હતાં. જોકે, બાદમાં આ સમગ્ર મામલો છેતરપિંડીનો હોવાનો ખ્યાલ આવતાં યોગેશભાઈ ચોકી ગયાં હતાં. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઓએલએક્સ પર એરપોડ વેચવા જતાં ડોક્ટરે 71 હજાર ગુમાવ્યાં

સાઈબર છેતરપિંડી ની અન્ય એક ઘટનામાં સોજિત્રાના જૈન મંદિર પાસે રહેતા અને ડેન્ટલ ડોક્ટર તરીકે વ્યવસાય કરતાં યેશા દેવેશભાઇ શાહ વિદ્યાનગર અગ્રવાલ ડેન્ટલમાં કામ કરે છે. તેઓએ ઓએલએક્સ પર પોતાનું એરપોડ વેચાણ અર્થે મુક્યું હતું. જે ખરીદવા મોબાઇલ નં.9394913534 ના ધારકે તૈયારી બતાવી હતી. આ ગઠિયાએ ડોક્ટરને વિશ્વાસમાં લઇ જુદા જુદા બહાને ક્યુઆરકોડ મોકલી તેઓની પાસે સ્કેન કરાવી કુલ રૂ.71,500 ઉપાડી લઇ વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી. આ અંગે યેશા શાહે સાયબર પોલીસ મથકે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રૂ.300ની ત્રાહિતે કરેલી ખરીદી પર બેંકે 35 હજાર વસુલતા ATMજ નથી વાપરતા
યોગેશભાઈ પારેખે જણાવ્યું હતું કે, વર્ષ 2004માં ખાનગી બેંક દ્વારા તેમને રૂપિયા 25 હજારનું લિમિટવાળું ક્રેિડટ કાર્ડ આપ્યું હતું. જોકે, તેનો તેઓ વપરાશ જ કરતા નહોતા. આમ છતાં પણ તેમના કાર્ડનો કોઈ ત્રાિહતે ઉપયોગ કરી રૂપિયા 300ની ખરીદી કરી હતી. જે પૈસા તેમણે ભર્યા નહોતા. જેને પગલે દોઢ-બે વર્ષ બાદ બેંક દ્વારા તેમની પાસેથી રૂપિયા 35 હજારનો ચાર્જ વસુલવાની કવાયત હાથ ધરાઈ હતી.

દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકીને પીવે તે હકીકતને સાર્થક કરતા હોય તેમ એ દિવસથી આજ દિન સુધી તેમણે તથા તેમના ઘરમાંના કોઈ પણ વ્યક્તિને એટીએમ કાર્ડ વાપરવા પર જ પ્રતિબંધ મૂકી દીધો હતો. એટલે ક્રેડિટ કાર્ડ તો શું એટીએમ કાર્ડ પણ તેઓ વાપરતા નથી.

અન્ય સમાચારો પણ છે...