• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand To Hold 192 Gram Panchayat Elections On Completion Of Term, Administration Begins Preparations, General Elections Likely In December

ગ્રામ પંચાયતની ચૂંટણીના પડઘમ વાગ્યાં:આણંદમાં 192 ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાશે, વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી, ડિસેમ્બરમાં સામાન્ય ચૂંટણીની શક્યતા

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11મી ઓક્ટોબરના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી અને વાંધા સૂચનો મંગાવવામાં આવ્યાં
  • સરપંચ અને સભ્ય બનવા ઉત્સુક દાવેદારો દ્વારા અત્યારથી જ ખાટલા પરિષદ પણ શરૂ થઈ

ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીના ભણકારા ગાજયા છે. રાજ્ય સરકાર ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ 1500 જેટલી નવી પંચાયતો મૂળ પંચાયતોના વિભાજન પ્રક્રિયા થકી નિર્માણ કરી રહી છે. વળી આજ સમયે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોને લઇને પણ ઘટસ્ફોટ કરતા કહ્યું છે કે, 100 થી વધુ ધારાસભ્યો બદલાઈ શકે છે. જેને લઈ પ્રત્યેક ધારાસભ્ય અને સાંસદ પોતાના મત વિસ્તારમાં ચૂંટણી લક્ષી તમામ કામગીરીમાં જોતરાઈ ગયા છે. ત્યારે આણંદ જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ કોંગ્રેસનું જોર વધારે છે માટે આવનારી ગ્રામપંચાયતની ચૂંટણીમાં ભાજપ યેનકેન પ્રકારે મતો પોતાની તરફ કરવા એડીચોટીનું જોર લગાવશે.

મહત્વનું છે કે, ગ્રામપંચાયતની ચૂંટણી રાજકીય પક્ષના ચિન્હ ઉપર નથી લડાતી, પરંતુ સરપંચ કઈ પાર્ટી સાથે સંકળાયેલો છે તે આધારે રાજકીય પક્ષો પોતાના પક્ષ તરફી મતદાનના દાવા કરતા હોય છે. આણંદ જિલ્લાની 352 ગ્રામ પંચાયતમાંથી 192 ગ્રામ પંચાયતની મુદ્દત ડિસેમ્બરમાં પૂર્ણ થઇ રહી છે. જેની સામાન્ય ચૂંટણીની ગમે ત્યારે જાહેરાત થઇ શકે છે. જેથી સરપંચ અને સભ્ય બનવા ઉત્સુક દાવેદારો દ્વારા અત્યારથી જ ખાટલા પરિષદ પણ શરૂ થઈ ગઈ છે.

આણંદ જિલ્લામાં આગામી ડિસેમ્બરમાં 192 ગ્રામ પંચાયતોની ટર્મ પુરી થતી હોવાથી સામાન્ય ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે, આ પંચાયતોની ડિસેમ્બરમાં પાંચ વર્ષની મુદ્દત પૂર્ણ થઈ રહી હોવાથી જનતા સરપંચો અને સભ્યોના કામના લેખાજોખા આધારે નવી ટર્મમાં મતદાન કરશે. જોકે, હાલ નવરાત્રિના માહોલ વચ્ચે સરપંચો અને પંચાયતના સભ્યો દ્વારા મતદારોને રિઝવવા ચૂંટણીની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી તરફ નવા દાવેદારોએ પણ જુના સભ્યો અને સરપંચોની નિંદાખુથલી અને ખર્ચાખાયકીની વાતો મૂકી મતદારોને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધુ છે.

નવરાત્રી પૂર્ણ થતાં દિવાળી બાદ ગ્રામપંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની શક્યતા રાજકીય સમીક્ષકો અને અગેવાનો લગાવી રહ્યા છે. વળી રાજકીય પક્ષો ગ્રામ્ય સ્તરે પોતાના મજબૂત કાર્યકરોને દિશા નિર્દેશ પણ ચાલુ કરી દીધો છે.

મહત્વનું છે કે, જિલ્લા વહીવટી તંત્રની યાદી મુજબ જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં 42 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. જ્યારે સૌથી ઓછા સોજિત્રાની 5 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીને આખરી ઓપ અપાઇ રહ્યો છે. 11મી ઓક્ટોબરના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે અને વાંધા સૂચનો મંગાવવામાં આવ્યાં છે. બાદમાં આખરી મતદાર યાદી 21મી ઓક્ટોબરના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ મતદારયાદી આધારે ચૂંટણી યોજાશે.

તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો કરતા હાલ સરપંચનો વટ વધ્યો

પંચાયતીરાજ વ્યવસ્થાને વધુ મજબૂત કરવા કેન્દ્ર સરકારે ગ્રામ્ય કક્ષાએ પંચાયતને સીધી જ વસ્તી આધારિત ગ્રાંટની યોજના કરી છે. તાલુકા અને જિલ્લા પંચાયતના સભ્યો કરતા વધુ વટ હાલ સરપંચનો થઈ રહ્યો છે. માટે આ વર્ષે અનેક મોટા આગેવાનો સરપંચની ચૂંટણીમાં દાવેદારી અને ઉમેદવારી કરશે અને તે લોકોને સમજાવવા બન્ને પક્ષો માટે પડકારરૂપ બની રહેશે તેમ જાણવા મળી રહ્યુ છે. મહત્વનું છે કે આ બાદ વિધાનસભા ચૂંટણી પણ માથે હોઈ પ્રત્યેક ધારાસભ્ય અને રાજકીય પક્ષો પોતાના સમર્થકને ગામનો સરપંચ બનાવવા યોગ્ય તમામ મદદ કરશે.

કયા તાલુકાના કેટલા ગામોમાં ચૂંટણી

તાલુકો કુલ ગામ ચૂંટણી

આણંદ 44 26

ઉમરેઠ 39 27

બોરસદ 65 42

આંકલાવ 32 13

પેટલાદ 56 23

સોજિત્રા 21 05

ખંભાત 56 36

તારાપુર 39 20

કુલ 352 192

આણંદ તાલુકાના 26 ગામોમાં ચૂંટણી
આણંદ તાલુકાના ગામડી, બેડવા, ચિખોદરા, આંકલાવડી, હાડગુડ, ગોપાલપુરા, જીટોડિયા, ઝાંખરિયા, જોળ, લાંભવેલ, ખેરડા, કાસોર, નાપાડવાંટા, રાહતલાવ, રામનગર, રાસનોલ, સામરખા, સંદેશર, સારસા, સુંદણ, વડોદ, વહેરાખાડી, વાંસખીલિયા અને કુંજરાવ સહિતના ગામોમાં ચૂંટણી યોજાશે.

જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં 42 અને સૌથી ઓછી સોજીત્રામાં 5 ગ્રામ પંચાયતોની ચૂંટણી
આણંદ જિલ્લામાં 192 પંચાયતોની મુદત પૂર્ણ થઇ રહી છે. જેમાં આણંદ તાલુકામાં 26, ઉમરેઠમાં 27 , બોરસદમાં 42 , આંકલાવમાં 13 , પેટલાદમાં 23, સોજીત્રામાં 5, ખંભાતમાં 36 અને તારાપુર તાલુકામાં 20 ગામોમાં ચૂંટણી યોજાશે. આમ, જિલ્લામાં સૌથી વધુ બોરસદમાં 42 અને સૌથી ઓછી સોજીત્રામાં 5 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થશે.

અન્ય સમાચારો પણ છે...