ગૌરવગાથા:આણંદના શિક્ષકની ફિલ્મ ગૌમુખ NSFFIમાં નોમિનેટ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમૂલની સ્થાપના કયા સંજોગોમાં થઈ તેનું ફિલ્માંકન આ શોર્ટ ફિલ્મમાં કરાયું છે

મધ્યપ્રદેશના ભોપાલમાં આગામી 22થી 26મી ઓગસ્ટના રોજ યોજાનારા 11માં નેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટીવલમાં આણંદના શિક્ષક અને ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સીઈએસ પરફોમિંગ એન્ડ ફાઈન આર્ટ્સ એકેડેમીના ડ્રામા ડિપાર્ટમેન્ટના હેડની શોર્ટ ફિલ્મ ‘ગૌમુખ’ની પસંદગી કરાઈ છે. અમૂલની સ્થાપના અને કૃષિને કેન્દ્રમાં રાખીને બનાવાયેલી આ ફિલ્મમાં કઈ રીતે મશીનરી લગાવાઈ, કેટલી તકલીફો પડી હતી તેનું ફિલ્માંકન કરાયું છે.

આ અંગે વાત કરતાં શિક્ષક અને ફિલ્મના ડિરેક્ટર કુમારભાઈ ભોઈએ જણાવ્યું હતું કે, સમગ્ર ફિલ્મ ઈનહાઉસ તૈયાર કરાઈ છે. મારી સાથે હેલેન પિન્ટોએ પણ સહાયક તરીકે ભૂમિકા ભજવી છે. લગભગ 11 મિનિટની આ શોર્ટ ફિલ્મનું ડી.એન. ઉપરાંત, અમૂલ અને ડો. વર્ગીસ કુરીયનના ઘરે શુટીંગ કરાયું છે. સામાન્ય રીતે ફિલ્મ બનાવતા અગાઉ થીમ આપવામાં આવતી હોય છે.

જેમાં આ વર્ષે સ્વતંત્ર પહેલાં અને સ્વતંત્ર બાદ સાયન્સ એન્ડ ટેક્નોલોજિ વિષય પર ફિલ્મ બનાવવાનું સૂચન કરાયું હતું. જેને પગલે સ્વતંત્ર ભારતમાં સહકારી ચળવળની સફળતાનું ચિત્રણ કરીને આધુનિક બાળકોને જ્ઞાન આપવાનો આ એક પ્રયાસ કરાયો છે. આધુનિક ભારતનો પાયો નાંખનાર ડેરી ઉદ્યોગના ઉદભવ સાથે કૃષિ અર્થતંત્ર મજબૂત બન્યું હતું તે ફિલ્મમાં દર્શાવાયુ છે.

વૈશ્વિક સ્તરે સાથે મળીને કામ કરવા અને વિકાસ કરવાના વિચારોને સતત પ્રેરણા આપે તેવા વિચારો ગૌમુખમાં પ્રસ્તુત કરાયા છે. અમૂલ આણંદમાં આવેલી સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખૂબ જ ઉત્તમ ઉદાહરણ છે. ફિલ્મમાં ડૉ. કુરિયનનું પાત્ર અરિંદમ બેનર્જી, ત્રિભુવનદાસનું પાત્ર દેવાંગ સુથારે ભજવ્યું છે.

શિક્ષકની ફિલ્મ બીજી વખત નોમિનેટ થઈ
નેશનલ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલ ભારતમાં વિજ્ઞાન ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે વિજ્ઞાન પ્રસાર અને ભારત સરકારની પહેલ છે. અન્ય ઘણાં વિકસિત દેશોની સરખામણીમાં ભારતમાં વિજ્ઞાન ફિલ્મ નિર્માણ એ વિકસિત ક્ષેત્ર નથી. આ ફેસ્ટિવલનો હેતું દેશમાં ગુણવત્તાયુક્ત વિજ્ઞાન ફિલ્મ નિર્માણની જરૂરિયાત તરફ ધ્યાન દોરવાનો છે. ત્યારે કુમાર ભોઈની બીજી વખત ફિલ્મ પસંદ થઈ છે. અગાઉ નશા મુક્તિની થીમ પર બનાવાયેલી ફિલ્મ ‘કલ સે..’ સમગ્ર ફિલ્મોમાં ટોપ 10માં સ્ક્રીનીંગ માટે નામાંકિત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...