આણંદ જિલ્લામાં કુલ 11434 સખી મંડળો નોંધાયેલા છે. આ સખી મંડળો પૈકી આણંદ તાલુકા કલસ્ટર સખી સંઘને આણંદ જિલ્લા પંચાયતની 56 જેટલી શાખાઓ અને જિલ્લાની તમામ તાલુકા પંચાયત સંલગ્ન ઓફિસોને સ્ટેશનરી પૂરો પાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.આ સખી મંડળના માધ્યમથી તેઓ નેશનલ રૂલર લાઈવલી હુડ મિશનનો આભાર માને છે કે, તેમણે આર્થિક મદદ કરી અને સરકારની આ યોજના દ્વારા તેમને પોતાનામાં રહેલી શક્તિનો અહેસાસ થયો હોવાનું તેઓ જણાવે છે.
સ્ટેશનરીનો કોન્ટ્રાક્ટ ધરાવતા તરુણાબેન કનુભાઈ પ્રજાપતિએ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, હું ધોરણ 10 પાસ છું. મારી સાસરીમાં અમારું મૂળ કામ માટલા બનાવીને વેચવાનું છે. આ ઉપરાંત ઘરે ત્રણ ભેંસ છે, જેથી પશુપાલન સાથે ખેતીનું કામ પણ કરીએ છીએ.જોકે આ બધું જ કામ મારા પતિ કરી શકે છે જેથી મેં વિચાર્યું કે હું પણ કંઈક કામ કરું..! એટલે તેમણે સખી મંડળ બનાવ્યું અને તેનું નામ વિરલ સખી મંડળ આપ્યું અને તેનું રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે.આ ઉપરાંત સમગ્ર જિલ્લા પંચાયતની બ્રાન્ચમાંથી જે કોઈ ઝેરોક્ષ કાઢવાની થાય તે પણ તેમણે બે ઝેરોક્ષ મશીન રાખ્યા છે તેના દ્વારા કાઢી આપે છે.વળી આ કામમાં તરુણાબેન સાથે મનિષાબેન ચાવડા, ઉર્વશીબેન પઢીયાર અને રંજનબેન પરમાર પણ કામ કરે છે અને તેઓ ચારેય પરસ્પર સહકારથી સ્ટેશનરી ઝેરોક્ષ અને અમૂલ આઈસ્ક્રીમનું વેચાણ પણ કરે છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે સવારે 9-30 કલાકે જિલ્લા પંચાયત કમ્પાઉન્ડમાં આવેલી અમારી આ દુકાનને ચાલુ કરીએ છીએ, જે સાંજે 6-30 કલાક સુધી કાર્યરત રહે છે. આ ઉપરાંત તેમણે 120 બહેનોને તેમની જોડે જોડ્યા છે અને 12 સખી મંડળ ચલાવે છે.તેમણે પોતાના સખી મંડળના કામનો વિસ્તાર કરતા ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક દ્વારા પણ 1લાખ રૂપિયાની લોન લીધી છે. ગત વર્ષ દરમિયાન તેમણે સત્તર લાખ રૂપિયા ઉપરાંતનું વેચાણ કર્યું હતું, જે આ વર્ષે પણ 14 લાખએ પહોંચ્યું છે.તરુણાબહેને ગામ વઘાસી ખાતે સીએસસી સેન્ટર પણ શરૂ કર્યું છે.આ કોમન સર્વિસ સેન્ટર તેમણે એનઆરએલએમના માધ્યમથી જ મેળવ્યું છે. આ ઉપરાંત તેમણે બેન્કિંગની એક્ઝામ પાસ કરી છે. બેંક કોરસપોન્ડન્ટ નો કોડ પણ એનઆરએલએમના માધ્યમથી મેળવ્યો છે.
તારુણાબેન પ્રજાપતિએ વધુમાં જણાવ્યું હતું કે, અમે પહેલાં ઘરની બહાર પણ નીકળી શકતા નહોતા અને કોની જોડે કેવી રીતે વાત કરવી તે જાણતા જ નહોતા પરંતુ સરકારના આ સખી મંડળના પ્રોજેક્ટ દ્વારા અને આણંદ તાલુકા ક્લસ્ટર સખી સંઘમાં જોડાયા બાદ નેશનલ રૂરલ લાઈવ મિશન અંતર્ગત સખી મંડળોને રિવોલ્વિંગ ફંડની જે સહાય આપવામાં આવે છે. ઉપરાંત યુવતીઓને સ્કીલ માટે તાલીમ આપવામાં આવે છે અને સખી મંડળોને પ્રોત્સાહિત કરવા માટે એનઆરએલએમના માધ્યમથી જે કામ કરવામાં આવે છે તેના કારણે આજે અમે પોતાના પગભર બન્યા છીએ અને હું અને મારી સાથે કામ કરતા બધા જ બહેનો દર મહિને આ સ્ટેશનરી ઝેરોક્ષ આઈસ્ક્રીમનું વેચાણ કરીને 5 હજાર કરતાં પણ વધુ રૂપિયા કમાઈએ છીએ. આ ઉપરાંત જિલ્લા પંચાયત પરિસરમાં વેન્ડિંગ મશીન પણ મૂકીને નવી શરૂઆત કરી છે જેના દ્વારા અમારે નવી આવક શરૂ થઈ છે. આ વેન્ડિંગ મશીન દ્વારા દરરોજની ચારસો રૂપિયાની આવક થાય છે.
તરુણાબેનના સાથી મનિષાબેન કમલેશભાઈ ચાવડા ઉર્વશીબેન મહેશભાઈ પઢિયાર અને રંજનબેન ઈશ્વરભાઈ પરમારએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લા પંચાયત અને તાલુકાઓને જે સ્ટેશનરી કરવામાં આવે છે અને જિલ્લા પંચાયતની 56 જેટલી શાખાઓમાં ઝેરોક્ષ કાઢવા માટે બધા અહીંયા આવે છે. આ ઉપરાંત બાજુમાં આવેલી પ્રાથમિક શાળાના ભૂલકાઓ કે આજુબાજુની બીજી ઓફિસમાંથી પણ સ્ટેશનરી લેવા આવે છે, જેથી અમોને બિઝનેસ કેવી રીતે કરવો તેનું જ્ઞાનમાં ઉમેરો થયો છે.
મહત્વનું છે કે આણંદ તાલુકા ક્લસ્ટર સખી સંઘને જે જિલ્લા પંચાયત આણંદનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તેમાં તેઓ એક કેન્ટીન પણ ચલાવે છે. આ કેન્ટીનમાં ભોજનની વ્યવસ્થા છે. દાળ, ભાત, શાક, રોટલી બનાવે છે, ચા-કોફી બનાવે છે, ઠંડા પીણા છે, આઈસ્ક્રીમની વ્યવસ્થા છે, થેપલા અને તૈયાર નાસ્તાઓ પણ આ કેન્ટીન દ્વારા પૂરા પાડવામાં આવે છે, એટલે સમગ્ર જિલ્લા પંચાયતમાં મીટીંગ હોય ટ્રેનિંગ હોય કે મુલાકાત લેતા દરેક જનો આ કેન્ટીનનો લાભ લે છે અને તેઓ માત્ર 60 રૂપિયામાં જ દાળ-ભાત શાક રોટલી કઠોળ કચુંબર પ્રેમથી લોકોને જમાડે છે.
આ કેન્ટીનનું કામકાજ સંભાળતા 41વર્ષીય અને ધોરણ આઠનો અભ્યાસ કરેલ સરોજબેન મહિપતસિંહ રાઉલજીએ કે, જેઓ મૂળ સારસાના છે તેમણે જણાવ્યું હતું કે, હું અને મારી સાથે સદાનાપુરા રેલવે સ્ટેશન ખાતેથી આવતા ઉષાબેન અશોકભાઈ પટેલ, કોકીલાબેન અને તેમની દીકરી ભૂમિ કે જે ગ્રેજ્યુએશનનો અભ્યાસ કરે છે. ઉપરાંત પોતાની માતાને કેન્ટીનમાં મદદ કરવા કોલેજ પતે પછી પહોંચી જાય છે. આમ આ ચારેય લોકો મળીને દરરોજ સવારથી સાંજ સુધી સ્વાદિષ્ટ ભોજનની સાથે ચા નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડે છે અને સાંજ પડે દરરોજ લગભગ ત્રણ હજાર જેટલી આવક મેળવે છે.વળી આજુબાજુની ઓફિસ વાળા અને અહીંથી પસાર થતા ઘણા લોકો અમારા ભોજનનો અને ચા નાસ્તાનો સ્વાદ મેળવે છે. આ કેન્ટીનમાં કામ કરતા ઉષાબેન અને કોકીલાબેન બંને રૂપિયા 5હજાર કરતાં વધારે આ કેન્ટીનના માધ્યમથી મેળવે છે અને પગભર બન્યા છે.
મિશન મંગલમ યોજનાના ડિસ્ટ્રિક્ટ લાઈવ હુડ મેનેજર બીનાબેન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સમગ્ર જિલ્લામાં મિશન મંગલમ યોજના હેઠળ 55 લોકોનો સ્ટાફ કાર્યરત છે જે માત્ર ને માત્ર બહેનો માટે જ કામ કરે છે. બહેનો પગભર બને, બહેનો સખી મંડળો બનાવે અને બહેનો પોતાના ઘરકામમાંથી બહાર આવીને સરકારની આ યોજનામાં જોડાઈ અને પોતાનું યોગદાન આપે તે માટે તેઓ આણંદ જિલ્લામાં વર્ષ 2012થી કામ કરી રહ્યા છે અને તેમને એ વાતનું ગૌરવ છે કે આણંદ જિલ્લામાં 11હજાર કરતાં વધારે સખી મંડળો અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.