તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand Residents, Not Hoping To Get Rid Of The Torment Of Stray Cattle, The Police Sat In The Water To Protect The Cattle Catch Party

બેદરકાર તંત્ર:આણંદવાસીઓ, રખડતા ઢોરના ત્રાસથી મુક્તિની આશા ના રાખતા ઢોર પકડ પાર્ટીને પ્રોટેક્શન આપવામાં પોલીસ પાણીમાં બેસી ગઈ

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
મિલનભાઈ ત્રિવેદી, ઢોર-ડબ્બાં અધિકારી, આણંદ નગર પાલિકા - Divya Bhaskar
મિલનભાઈ ત્રિવેદી, ઢોર-ડબ્બાં અધિકારી, આણંદ નગર પાલિકા
  • વાન આવી પણ મદદ ન મળી, વેક્સિનેશન અને કોર્ટમાં જવાનું હોય આજે આવી શકાશે નહીં તેમ કહી પોલીસ છટકી ગઈ

આણંદ શહેરમાં રસ્તે રઝળતાં પશુઓને પકડી પાંજરે પુરવાની કામગીરી છેલ્લાં ચાર દિવસથી ચાલી રહી છે ત્યારે મંગળવારે બપોરે ટાઉન હોલ પાસે ઢોર પકડવાની કામગીરી દરમિયાન પાલિકા કર્મીઓની કામગીરીને આડે ઢોર માલિકો આવ્યા હતા. તેમના દ્વારા ઢોર ડબ્બાની આગળ પોતાના વાહનો દોડાવીને પશુઓને સફળતાપૂર્વક ભગાડી દેવાતા હતા. જેને પગલે પાલિકા ટીમ દ્વારા કામગીરી કરી શકાઈ ન હોતી.દરમિયાન, આ અંગેની જાણ ટીમ દ્વારા આણંદ શહેર પોલીસને કરાઈ હતી. પરંતુ સવારે દસ વાગ્યે કરાયેલી જાણ બાદ આખરે બે કલાક બાદ પોલીસ વાન આવી હતી.

જેમાં માત્ર એક કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ વાઘેલા અને ડ્રાઈવર હતા. જોકે, તેમણે ટાઉનહોલ પાસે ભેગા થયેલા લોકોને ભગાડવા, નીચે ઉતારવાને બદલે માત્ર વાનમાં બેસીને જ ઢોર-ડબ્બાં અધિકારી સાથે વાત કરી કહ્યુ હતુ કે, હાલ અમારે કોર્ટમાં જવાનું હોવાથી સાથે આવી નહીં શકીએ. આ અંગે વાત કરતાં ઢોર ડબ્બા અધિકારી મિલન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જ્યારથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે ત્યારથી ઢોરમાલિકો પોતાના વાહનો લઈને અમારી આગળ દોડે છે. પ્રતિદિન 40થી 45 ચાલકો આ કૃત્ય કરે છે. જેને પગલે પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું.

છેલ્લાં બે-ત્રણ દિવસથી પોલીસકર્મીઓ આવતા હતા. પરંતુ મંગળવારે સવારે પોલીસ પ્રોટેક્શનની માંગ કરી હતી પરંતુ આવ્યા જ નહોતા. બાદમાં બપોરે પોણા બાર કલાકે વાન લઈને બે કર્મીઓ આવ્યા હતા દસ મિનિટની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓને વેક્સીનેશન અને કોર્ટમાં જવાનું છે. જેને પગલે આવી શકાશે નહીં. આમ, કહી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.

ચીફ ઓફિસરનો આદેશ છે પણ પ્રોટેક્શન નથી મળતું, હું લાચાર છું....
છેલ્લાં કેટલાંય સમયથી આણંદમાં પશુઓ દ્વારા થતા હુમલા વધી રહ્યા છે. જેને પગલે ચીફ ઓફિસર દ્વારા પ્રતિદિન કેટલાં પશુઓ પકડ્યા તે બાબતે પૂછપરછ કરવામાં આવે છે. સતત અમને કહેવામાં આવે છે કે રસ્તે-રઝળતા પશુઓ પકડો અને તેને પાંજરે પૂરો. એક તરફ કામનું દબાણ છે અને બીજી તરફ ધમકીઓ મળે છે. અમે લોકોએ શહેરમાં રસ્તાઓ પર રખડતા ઢોરોને પકડવાની ઝુંબેશ હાથ ધરી છે. આ કામગીરી માટે મને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. હું જ્યારે પણ ઢોરને પકડવા માટે જતો હોવ છું ત્યારે કેટલાંક ઢોર માલિકો તરફથી મને અવાર-નવાર ધમકીઓ મળે છે. તેઓ પાલિકાના સમય બાદ એટલે કે 6.10 પછી કોણ તમારૂં, રહેંશી નાંખીશ, એવી ગર્ભિત ધમકીઓ આપતા હોય છે. જેને પગલે આ અંગેની કેટલીય ફરિયાદો પણ કરી છે, પણ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. - મિલનભાઈ ત્રિવેદી, ઢોર-ડબ્બાં અધિકારી, આણંદ નગર પાલિકા

પશુ રખેવાળોની મોડસ ઓપરેન્ડીથી પાલિકા કર્મીઓ ત્રાહિમામ, રાહદારીઓ પર તોળાતો ભય
રખડતા પશુઓને પકડવાની પાલિકાની ઝુંબેશને દરેક શહેરીજનોએ આવકારી છે ત્યારે બીજી તરફ કેટલાંક પશુપાલકો દ્વારા પાલિકાની ટીમ જ્યાં નીકળી હોય તે વિસ્તારમાં અગાઉથી પહોંચી જતા હોય છે. ઢોર ડબ્બાંની આગળ તેઓ પોતાનું વાહન હંકારીને પશુઓને દોડાવતા હોય છે, જેથી પશુ પાલિકાની ટીમ પકડી શકે નહીં. પશુપાલકો અને પાલિકાની ટીમ વચ્ચેની સંતાકુકડીની રમતથી પશુઓ આડેધડ દોડદોડ કરતાં હોય છે, પરંતુ તેનાથી રાહદારીઓનો જીવ જોખમમાં મુકાય છે. ત્યારે આવા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાય તેવી માંગ પણ ઉઠી છે.

ચાર દિવસમાં કુલ નવ ગાય પકડવામાં આવી
આણંદ શહેરના શિખોડ તલાવડી વિસ્તારમાં ગત શુક્રવારે પશુએ વૃદ્ધને શિંગડે ચઢાવ્યા હતા. જેમાં તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ બાદ પાલિકાએ કડક હાથે રસ્તે રઝળતા પશુને પકડવાનું શરૂ કર્યું હતું. જેમાં ચાર દિવસમાં કુલ નવ પશુને પકડીને તેના રખેવાળ પાસેથી રૂપિયા એક હજારનો દંડ વસૂલ્યો હતો. દરમિયાન, મંગળવારે પણ પાલિકાકર્મીઓ દ્વારા ત્રણ પશુને પાંજરે પુર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...