વ્યાજના ચક્કરમાં અનેક લોકો ફસાતા હોય છે અને એ પછી કોઈ આરો ન રહેતાં તેઓ દ્વારા અંતિમ પગલું ભરવામાં આવતું હોય છે. વધુમાં વ્યાજના ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાટ તથા ભયના માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજૂઆત કરવા આવી શકતા નથી. જેથી આવા લોકો પોતાની રજૂઆત નિર્ભંયપણે કરી શકે તથા આવા લોકોના ત્રાસથી બચી શકાય તે હેતુસર લોકદરબાર યોજાયો હતો.
રાજ્ય સરકારના આદેશને પગલે આણંદ શહેરની ડીએન હાઈસ્કૂલમાં મંગળવારે બપોરે 12 કલાકે આ લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આણંદ ટાઉન, વિદ્યાનગર, આણંદ ગ્રામ્ય, વાસદ પોલીસ સ્ટેશન વિસ્તારના 500થી વધુ નાગરિકો હાજર રહ્યા હતા. જ્યાં તેઓએ વ્યાજખોરી બાબતે રજૂઆત કરી હતી.
પોલીસ દ્વારા તેમને રંજાડનારા વ્યાજખોરો વિરૂદ્ધ ડર્યા વિના ફરિયાદ કરવા અપીલ કરી હતી. જેને પગલે કેટલાંકે ગામડી, અજરપુરા, વાસદ, અડાસ જેવા ગામડાઓનો ઉલ્લેખ કરીને ત્યાં 20થી 25 ટકા વ્યાજ વસૂલવામાં આવતું હોવાની ફરિયાદો વ્યાજખોરાના નામ વિના કરી હતી.
જિલ્લા પોલીસ વડા પ્રવિણકુમાર મીણાએ આ અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકોમાં બેંક દ્વારા લોન મળી શકે તેની પણ જાગ્રૃતિ હોતી નથી. અને તેના લીધે હવે આગામી 13મીના રોજ ટાઉન હોલમાં બેંકનો મેળાવડો રાખવામાં આવશે. જેમાં લોકોને હાજર રહેવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવે છે. તેમાં લોન માટે શું ડોક્યુમેન્ટસ જોઈશે અને કેટલા સુધીની લોન મળી રહેશે તેની માહિતી આપવામાં આવશે. ં
વ્યાજના ચક્કરની સાથો-સાથ ટ્રાફિકની સમસ્યાઓની પણ ચર્ચા કરવામાં આવી હતી
જિલ્લા પોલીસ વડા દ્વારા લોકોને માત્ર વ્યાજની જ નહીં, પરંતુ અન્ય સમસ્યાઓ બાબતે પણ વાત કરતાં મોટાભાગના લોકોએ આણંદ શહેરના મુખ્ય રસ્તાઓ પર ઉપરાંત ગામડાઓમાં ટ્રાફિકની સમસ્યા, ગાંધી માર્ગ પર પાર્ક થતાં આડેધડ વાહનો, ચોરીની સમસ્યાઓ પર પણ વાત કરી હતી. મિલકત સંબંધી થતા ગુનાઓ પર પોલીસનો અંકુશ જરૂરી હોવાની ચિંતા શહેરીજનોએ વ્યક્ત કરી હતી. જે બાબતે પોલીસ દ્વારા સમગ્ર સમસ્યાઓને નિવેડો લાવવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.