તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:આણંદ પોલીસે ચીખોદરા ચોકડી પાસેથી રૂ. 13.42 લાખના દારૂ સાથે કુલ રૂ. 23 લાખ 45 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

આણંદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂ ભરેલા ટેમ્પા સાથે બે બુટલેગર ઝડપાયા, મુખ્ય આરોપી વોન્ટેડ

રાજ્યમાં વિદેશી દારૂની તસ્કરી એક મોટો ગેરકાયદેસર વ્યવસાય બની ગયો છે. આણંદની ચીખોદરા ચોકડી પાસે ઓવરબ્રીજની મધ્યમાંથી એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે રૂ.13 લાખ 42 હજાર 800નો વિદેશી દારુ ભરેલા આઈસર ટેમ્પોને ઝડપી પાડી વિદેશી દારુ અને આઈસર ટેમ્પો, મોબાઈલ ફોન સહિત રૂ.23 લાખ 45 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કરી આઈસર ટેમ્પોના ચાલક અને ક્લીનરની ધરપકડ કરી આણંદ ગ્રામ્ય પોલીસ મથકે દારુબંધી ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, આણંદ એલસીબી પોલીસે મળેલી બાતમીના આધારે ચીખોદરા ચોકડી પાસે વોચ ગોઠવી હતી અને મોડી રાતના 11-15 વાગ્યાના સુમારે બાતમી મુજબનો આઈસર ટેમ્પો આવતા પોલીસે ટેમ્પોને રોકવાનો પ્રયાસ કરતા ટેમ્પો ચાલકે ટેમ્પો પુરપાટ ઝડપે હંકારી મુક્યો હતો. જેથી પોલીસે ટેમ્પોનો પીછો કરી બ્રીજના મધ્યભાગે સરકારી વાહનની આડસ કરી આઈસર ટેમ્પોને આંતર્યો હતો.

ટેમ્પોની પાછળના ભાગે તપાસ કરતા ટેમ્પોમાં ડાંગરના ફોતરા ભરેલા હતા.પોલીસે ડાંગરના ફોતરા ભરેલી ગુણો હટાવીને તપાસ કરતા વિદેશી દારુની પેટીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પોમાંથી વિદેશી દારુની અલગ અલગ માર્કાની દારુની પેટીઓ નંગ 300 જેની કિંમત રૂ.13 લાખ 42 હજાર 800 કબ્જે કરી હતી.

પોલીસે ટેમ્પોના ચાલક ગુલાબારામ ભલ્લારામજી મોજારામજી ગોદારા (રહે. ગાંધવકલા ગોદારોકી ઢાણી ગુડામાલની તા. ધોરીમન્ના જી. બાડમેર રાજસ્થાન) અને ક્લીનર ભવરલાલ બુધારામ ગોદારા (રહે. ગામદાતા ચીખડોકી ઢાણી તા. સોચોર જી. ઝાલોર રાજસ્થાન)ની અટકાયત કરી પુછપરછ કરતા આ વિદેશી દારુ ભરેલી આ આઈસર ટેમ્પો તેઓને હરીયાળાના ઝાંઝર હાઈવે પરથી કમલેશ ચૌધરીએ આપી હતી અને તેણે વડોદરા અમદાવાદ થઈ રાજકોટ લઈ જવાનું જણાવ્યું હતું.

ગાડી રાજકોટ પહોંચ્યા બાદ કમલેશ ચૌધરીનો મોબાઈલ ફોન પર સંપર્ક કરવા અને તે કહે તે મુજબ આગળ જવાનું હોવાનું જણાવ્યું હતું. જેથી આ બનાવ અંગે પોલીસે વિદેશી દારુનો જથ્થો, આઈસર ટેમ્પો અને ડાંગરના ફોતરા ભરેલી ગુણો, મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 23 લાખ 45 હજાર 600નો મુદ્દામાલ કબ્જે કરી આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...