પોલીસની સરાહનીય કામગીરી:આણંદ પોલીસે મહિલા બુટલેગર દારૂનો ધંધો છોડાવી આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરી આપ્યું, આજે કલેક્ટરે ઉદ્ઘાટન કર્યું

આણંદએક મહિનો પહેલા
  • ભગવાન દરેકને બીજી તક આપે તે સ્વીકારી નવી પહેલ કરવી જોઈએ: ડીએસપી

આણંદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા બુટલેગરના પુનઃવસન ક્ષેત્રે વ્યવસાય અર્થે આઈસ્ક્રીમ પાર્લર આપવાની પ્રેરક પહેલ કરવામાં આવી છે. આણંદ પોલીસ વિદેશી દારૂના ધંધા સાથે સંકળાયેલી મહિલાને ગુનાહિત વ્યવસાયમાંથી છોડાવી તેને સમાજમાં સમ્માનિત વ્યવસાય સાથે જોડી આ મહિલાને આત્મનિર્ભર અને સ્વમાનભેર જીવનનિર્વાહનો માર્ગ આપવાના આ કાર્યને સામાન્ય જનસમાજમાં પણ પ્રશંસા પામી રહ્યો છે. આ પાર્લરનું ઉદ્દઘાટન કલેકટર મનોજ દક્ષિણીના હાથે કરાયું હતું. આ પ્રસંગે ડીએસપી અજિત રાજયાણ, ડીવાયએસપી ડી.આર.પટેલ, ભાજપ ઉપપ્રમુખ યોગેશ પટેલ (બાપજી),પાલિકા સભ્ય કાંતિભાઈ ચાવડા સહિત અગ્રણી સામાજિક રાજકીય આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આજના સમયે દારૂની બદી જે રીતે ફૂલીફાલી રહી છે તે જોતા આ ગુનાહિત પ્રવૃતિએ સમાજના મોટા વર્ગને આ ધંધા સાથે જોડી દીધા છે.કોઈ મોજ શોખ થી કેટલાક મજબૂરીથી આ ગેરકાયદેસર ધંધાના વાહક બની રહ્યા છે. ગુનાહિત માનસિકતા ન ધરાવતી કેટલીક મહિલાઓ પણ બેરોજગાર પતિની સ્થતિને તો ક્યાંક વિધવા બનતા અન્ય કોઈ રોજગારનો આશરો ન રહેતા સહેલાઈથી ઘરે બેઠા ચાલતા આ ધંધામાં જોડાઈને ગુનેગાર બની જતી હોય છે. પોલીસના હાથે ઝડપાતી આવી મહિલાઓનું કાઉન્સિલગ થાય ત્યારે ન કલ્પી હોય તેવી કૌટુંબિક પરિસ્થિતિ સામે આવતી હોય છે.

આણંદ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી કાઉન્સિલિંગ કરાયેલ 5 મહિલા બુટલેગરો પૈકી એક મહિલા બુટલેગર દ્વારા દારૂના વ્યવસાયને તિલાંજલિ આપી સરકારની વ્યવસાયિક પુનઃવસન યોજનામાં જોડાવાની તૈયારી દાખવતા મહિલા બુટલેગર દક્ષાબેન ચૌહાણને ડીએસપી કચેરી બહાર જ "હેવમોર આઈસ્ક્રીમ પાર્લર"શરૂ કરાવી આપવામાં આવ્યું છે.

આ પ્રસંગે પાર્લર સંચાલિકા દક્ષાબેન ચૌહાણે જણાવ્યું હતું કે, તેઓ દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા. ખૂબ બદનામી મળી રહી હતી. સંતાનોના ભવિષ્યની ચિંતા સતાવી રહી હતી. જેથી ડીએસપી સાહેબને મળીને કોઈક મદદ કરવા જણાવ્યું હતું. જેથી તેઓએ આ ઉજળો વ્યવસાય મને અપાવ્યો છે. આ વ્યવસાય સાથે જોડાઈને હું ગર્વ અને ખુશી અનુભવું છું. હવે મારા બે સંતાનોને સારું ભવિષ્ય મળી રહેશે અને મને અને મારા પરિવારને સમાજમા સમ્માન સાથે જીવન જીવવાની તક મળી છે.

વધુમાં તેઓએ આ વ્યવસાય સાથે જોડાયેલ અન્ય મહિલા બુટલેગરને બદનામી ના માર્ગેથી પરત ફરવા આહવાન કરતા જણાવ્યું કે આ ગેરકાયદેસર ધંધામાં પરિવાર વિખેરાઈ જશે અને સંતાનો ખરાબ લતે ચઢી જશે તેથી આ સમયે જ પરત ફરો અને પોલીસને સહકાર કરો.

આ અંગે ડીવાયએસપી ડી.આર. પટેલે જણાવ્યું હતું કે, પતિની માંદગી, બેરોજગારી સંતાનોનો ખર્ચ માટે વિવિધ ઉજળા વ્યવસાય કરી ચુકેલ આ મહિલાના મહિલા એક સમયે અન્યના ઘરે જમવાનું બનાવવા પણ જતી હતી. પતિને માંદગી અને વ્યવસાયિક નુકશાન થતા દેવું સાત લાખને આંબી ગયું હતું.

આ પરિસ્થિતિ હતાશ અને નિરાશ દક્ષાબેને વિદ્યાડેરી રોડ ઉપર દારૂનો વ્યવસાય કરવાનું શરૂ કર્યો હતો ધંધો અને બદનામી વધતા તે પોલીસની નજરે ચઢી ગયો હતો. 31 વર્ષીય દક્ષાબેન ચૌહાણ છેલ્લા સાતેક વર્ષથી દારૂના સંકળાયેલ રહ્યા હતા. આ દરમિયાન તેમના ઉપર 5 જેટલા કેસ પણ થયા હતા અને તેણીને જેલ પણ થઈ હતી.જે દરમ્યાન તેમનું કાઉન્સિલીંગ થતા તેઓએ જિલ્લા વડાને સામેથી કોઈક ઉજળો રોજગાર મેળવી આપવા વિનંતી કરી હતી.

આ પ્રસંગે ડીએસપી અજિત રાજયાણે દક્ષાબેન ચૌહાણના ઉજળા ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કરતા કર્યો હતો તેમજ આ કાર્યથી મહિલાઓનું પુનઃવસન થાય તેઓનું ઘર સશક્ત બને તે માટે શુભકામનાઓ પાઠવી હતી.આ ઉપરાંત અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ આ પ્રકારે મહિલા બુટલેગરોના પુનઃવસનનું કાર્ય પણ કરવામાં આવશે તેમ તેઓએ ઉમેર્યું હતું.ભગવાન દરેકને બીજી તક આપે જ છે જે દક્ષાબેન ચૌહાણની જેમ અન્ય બુટલેગર મહિલાનોએ યોગ્ય સમયે સ્વીકારી લેવી જોઈએ. આ તબક્કે તેઓએ દક્ષાબેન ચૌહાણને વ્યાપાર કરાવી મદદરૂપ થવા અને પ્રોત્સાહિત કરવા અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...