સામાન્ય સભા તોફાની બની:આણંદ પાલિકાના શાસકોના વાંકે ચીફ ઓફિસર ધક્કે ચડ્યા, સામાન્ય સભા મિનિટોમાં આટોપી લેવાતા વિપક્ષો આક્રમક બન્યા

આણંદ23 દિવસ પહેલા
  • પાલિકામાં ભરતી, શહેરમાં સફાઇ સહિતના મહત્વના ઠરાવો બાબતે કોઇ પણ ચર્ચા વગર જ મંજુર કરી દેવામાં આવ્યાં

આણંદ નગરપાલિકાની મંગળવારના રોજ મળેલી સામાન્ય સભામાં દર વખતની જેમ મિનિટોમાં પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ આ વખતે વિપક્ષે છાને ખુણે રોષ ઠાલવવાને બદલે ચીફ ઓફિસરને જ ઘેરો ઘાલ્યો હતો અને રીતસર ધક્કે ચડાવ્યાં હતાં. જેના કારણે સ્થિતિ તંગ બની ગઈ હતી. જોકે, શાસકના નગરસેવકોએ દરમિયાનગીરી કરી વિપક્ષના ટોળા વચ્ચેથી ચીફ ઓફિસરને બહાર કાઢ્યાં હતાં.

વિપક્ષી સભ્યો વેલમાં ઘસી ગયા
આણંદ નગરપાલિકાની સામાન્ય સભા મંગળવારના રોજ પ્રમુખ રૂપલબહેન પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી. આ સભા શરૂ થવા સાથે વિપક્ષો પોતાની રજૂઆત કરવા ઉભા થયાં હતાં. પરંતુ શાસકોએ ફરી એક વખત મંજૂર...મંજૂરના નારા સાથે સભા આટોપી લીધી હતી. જેના કારણે વિપક્ષ સભ્યો ભારે રોષે ભરાયાં હતાં અને સીધા સ્ટેજ પર ચડી ગયાં અને ચીફ ઓફિસરને ધક્કે ચડાવ્યાં હતાં. વિપક્ષ સભ્યોએ પોતાના પ્રશ્નો સાંભળવા ચીફ ઓફિસર પર દબાણ કર્યું હતું અને તેમને ત્યાં જ બેસવા ફરજ પાડવા કોશિશ કરી હતી. જોકે, ચીફ ઓફિસરે સભા પુર્ણ થઇ હોવાથી તેમનો કોઇ રોલ રહેતો નથી. તેમ જણાવતા વિપક્ષ સભ્યો વધુ ઉશ્કેરાયાં હતાં. ચીફ ઓફિસરને ધક્કે ચડાવવા કોશિશ કરી હતી. આખરે શાસકના નગરસેવકોએ દરમિયાનગીરી કરી ચીફ ઓફિસર એસ.કે. ગરવાલને ટોળામાંથી બહાર કાઢ્યાં હતાં. રાબેતા મુજબ આ સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નોને લઇ કોઇ જ ચર્ચા કરવામાં આવી નહતી. આ ઉપરાંત મહત્વના કામો ક્યાં છે ? તે અંગે પણ ચર્ચાનો છેદ ઉડ્યો હતો. જોકે, આ બાબતે વિપક્ષો સામે પગલાં ભરવા કે કેમ ? તે અંગે વકિલની સલાહ મુજબ પગલાં ભરવામાં આવશે.

આણંદ પાલિકામાં 385 કર્મચારીની ભરતી કરાશે
આણંદ નગરપાલિકાના જુદા જુદા વિભાગોમાં ટેક્નિકલ, કલેરીકલ, આરોગ્યલક્ષી જગ્યાઓ ખાલી પડી છે. જેમાં છેલ્લા 20 વર્ષથી ભરતી કરવામાં આવી નથી. આ જગ્યા ભરવા 2020માં 641નું મહેકમ મંજુર થયું હતું. જોકે, 20 ટકા કાપ બાદની 128 જગ્યા બાદ જતાં 513 જગ્યા ભરવાપાત્ર રહે છે. તે પૈકી 128 ભરાયેલી હોવાથી 385 જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત સફાઇ કામદારોની 50 ટકા મુજબની 37 જગ્યા ભરવા અંગેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...