એક્ટિવા અને રિક્ષાનો કચ્ચરણઘાણ વળી ગયો:આણંદ પાલિકા પાસે જ વર્ષો જૂનો તોતિંગ લીંમડો ધરાશાયી થયો, ભાજપના સ્થાપક પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને નુકશાન

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઇ વ્યક્તિ દબાઇ હોવાની શંકા જતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી
  • કોઇ જાનહાનિ થઇ નથી, બે વાહનોને ભારે નુકશાન થયુ

આણંદ નગરપાલિકા પાસે આવેલો વરસો જૂનો તોતિંગ લીમડો ગુરૂવારના રોજ જમીનદોસ્ત થયો હતો. આ તોતિંગ ઝાડ પડતાં જ તેના નીચે એક્ટિવા અને રિક્ષા દબાઇ જતાં કચ્ચરણઘાણ વળી ગયો હતો. જોકે, શરૂઆતમાં કોઇ વ્યક્તિ દબાઇ હોવાની શંકા જતાં ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ કશુ ન મળતાં સૌએ હાશકારો લીધો હતો.

ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી
આણંદ નગરપાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી કેટલી પોકળ છે, તે ગુરૂવારે પાલિકા સામે જ આવેલા વરસો જૂના તોતિંગ લીમડા ઝાડે કરેલી અવદશા પરથી ખ્યાલ આવી શકે છે. આ લીમડાનું ઘેઘુર ઝાડ અચાનક જ જમીનદોસ્ત થઇ ગયું હતું. જેના કારણે તેના નીચે એક રીક્ષા અને એક્ટિવા દબાઇ ગયું હતું. આ ઘટનાના પગલે બન્ને તરફનો રસ્તો બંધ થઇ ગયો હતો. બીજી તરફ પાલિકા દ્વારા જ ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને પડી ગયેલા વૃક્ષને કાપી હટાવવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, શરૂઆતમાં ઝાડ નીચે કોઇ વ્યક્તિ દબાયું હોવાની શંકા ઉપજતાં કામ ઝડપી કરવામાં આવ્યું હતું. પરંતુ થોડા સમય બાદ એવું કશુ મળી આવ્યું નહતું. આથી, ફાયર બ્રિગેડ અને નગરપાલિકાએ રાહતનો શ્વાસ લીધો હતો.

સફાઇ કર્મચારી આ ઝાડ નીચે જ આમરણાંત ઉપવાસ પર ઉતર્યા હતા
આણંદ નગરપાલિકાના સફાઇ કામદારો તેમને કાયમી કરવા સહિતની માગણીને લઇ હડતાલ પર ઉતર્યાં હતાં અને તેઓ પાલિકા સામે આવેલા આ વરસો જુના તોતિંગ લીમડાના ઝાડ નીચે જ આમરાંત ઉપવાસ પર બેઠાં હતાં. જોકે, મંગળવારે જ સમાધાન થતાં હડતાલ સમેટાઇ થઇ હતી. અન્યથા આ હડતાલ ચાલુ હોત તો મોટી જાનહાની થવાનો ભય ઉભો થયો હતો.

જોખમી વૃક્ષો હટાવવાની કામગીરીમાં પાલિકાની આળસ
આણંદ શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરીમાં જર્જરિત મકાનો તોડી પાડવા ઉપરાંત જોખમી લાગતા વૃક્ષો હટાવવાની કામગીરીના પણ આદેશ કલેક્ટર આપતાં હોય છે. પરંતુ પાલિકાના નિભંરતંત્ર દ્વારા પિ-મોન્સુનના નામે માત્ર કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવે છે. જર્જરિત મકાનમાં નોટીસ આપી છટકી જાય છે, જ્યારે જોખમી વૃક્ષો બાબતે કોઇ જ પ્રકારો સર્વે કરવામાં આવતો નથી. આ ઉપરાંત પાણીના નિકાલમાં આવતા દબાણો હટાવવાની કામગીરી થતી નથી.

પાલિકા બહાર રહેલું પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને નુકશાન થયું
આણંદ નગરપાલિકા પાસે જ ધરાશાયી થટેલા તોતિંગ લીમડાના ઝાડના કારણે પાલિકા બહાર આવેલું અને લીમડાના ઝાડ નીચે આવેલ પંડીત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ભારે નુકસાન પહોંચ્યું છે.આ ઘટનાથી પાલિકા પરિસરમાં પણ ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...