• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Anand NDDB Will Market "Sudhan" Brand Organic Fertilizers, Promote Various Initiatives Related To Manure Management In The Country.

NDDBની સહાયક કંપની મૃદા લી. લોન્ચ:આણંદ એનડીડીબી "સુધન"બ્રાન્ડ ઓર્ગેનિક ખાતરનું માર્કેટિંગ કરશે, દેશમાં ખાતરના મેનેજમેન્ટ સંબંધિત વિવિધ પહેલને આગળ વધારશે

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રૂપાલાના હસ્તે ખાતરના મેનેજમેન્ટ માટે સહાયક કંપની મૃદા લી. લોન્ચ કરાઈ
  • આ કંપનીની પ્રગતિ ધીમે ધીમે રાસાયણિક ખાતરના સ્થાને જૈવિક ખાતરના ઉપયોગ તરફ દોરી જશે: પુરુસોત્તમ રૂપાલા

આણંદ સ્થિત એનડીડીબી દ્વારા ખાતરના મેનેજમેન્ટ માટે એનડીડીબીની સહાયક કંપની એનડીડીબી મૃદા લી. લોન્ચ કરવામાં આવી છે. મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી ઉદ્યોગ બાબતના કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાના હસ્તે લોન્ચ કરવામાં આવી હતી. આ કંપની સમગ્ર દેશમાં ખાતરના મેનેજમેન્ટ સંબંધિત વિવિધ પહેલને આગળ વધારવા માટે લોન્ચ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારના પ્રોત્સાહન અને મંજૂરીની સાથે એનડીડીબીએ પોતાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની એનડીડીબી મૃદા લીમીટેડની સ્થાપના કરી છે. જે 1લી જુલાઇ,2022ના રોજ કંપનીઝ એક્ટ, 2013 હેઠળ સંસ્થાપિત થયેલી અનલિસ્ટેડ પબ્લિક લિમિટેડ કંપની છે. જે રૂ.9.50 કરોડની પેઇડઅપ કેપિટલ ધરાવે છે.

પશુપાલકોને વધારાની આવક પ્રાપ્ત થવાના નવા માર્ગો ખુલશે
આ પ્રસંગે કેન્દ્રીય પશુપાલન મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, એનડીડીબી મૃદા લી.ને પગલે રાંધવા માટેના ઇંધણનું સ્થાન બાયોગેસ લઇ લેવાથી ખેડૂતોને નાણાની બચત તો થશે જ. પરંતુ તેની સાથે સાથે સ્લરી, છાણના વેચાણમાંથી પશુપાલકોને વધારાની આવક પ્રાપ્ત થવાના નવા માર્ગો પણ ખુલી જશે. અત્યાર સુધીમાં ગાયના છાણનો સારી રીતે ઉપયોગ કરવા માટે છુટાછવાયા અને વ્યક્તિગત પ્રયાસો જ થયાં છે. જોકે, આ નવી કંપની હવે ગાયના છાણમાંથી બનાવવામાં આવતા ખેતરના મેનેજમેન્ટના પ્રયાસોને માળખાગત રીતે પ્રોત્સાહન પુરૂ પાડશે. ગાયના છાણમાંથી બનાવવામાં આવેલા ખાતરના ઉપયોગને પ્રોત્સાહન પ્રાપ્ત થવાથી તે ધીમે ધીમે રાસાયણિક ખાતરના સ્થાને જૈવિક ખાતરના ઉપયોગ તરફ દોરી જશે અને તેના પરિણામ સ્વરૂપ આયાત પરની ભારતની નિર્ભરતા ઘટતી જશે.

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે
આ ઉપરાંત ડો. એલ. મુરૂગને જણાવ્યું હતું કે, આ પહેલી એવી કંપની છે, જે ગાયના છાણના મેનેજમેન્ટની એક મૂલ્યશ્રૃંખલાની રચના કરી છાણનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવા પર કેન્દ્રીત છે, જે પશુપાલકોની આજીવિકાને વધારવામાં ખૂબ મોટું યોગદાન આપવાની સાથે સાથે સ્વચ્છ ભારત મિશનમાં પણ યોગદાન આપશે અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપશે.

એનડીડીબી મૃદા લી.ની કામગીરી શું રહેશે ?
એનડીડીબી મૃદા લી.ના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે, એનડીડીબી મૃદા લી. ખાતરની મૂલ્યશ્રૃંખલા સ્થાપશે, બાયોગેસ આધારિત સીએનજીનું ઉત્પાદન તથા ડેરી પ્લાનટ્સ માટે બાયોગેસ - આધારિત ઊર્જાનું ઉત્પાદન પણ કરશે. આ નવી કંપની વિવિધ ઉદ્યોગોમાં અલગ અલગ ઉપયોગો માટેની સામગ્રી તરીકે તથા પરંપરાગત લાકડાં, માટી, પેઇન્ટ વગેરેની અવેજી તરીકે ગાયના છાણનો કાર્યક્ષમ રીતે ઉપયોગ કરવાની તકો વિશે પણ જાણકારી મેળવશે.

આ કંપની ગાયના છાણનું કાર્યક્ષમ રીતે મેનેજમેન્ટ કરવા માટે પરવડે તેવી ટેકનોલોજી પર રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ પણ હાથ ધરશે તથા તે ઢોરોના છાણ પર આધારિત ઉત્પાદનોના વેચાણ મારફતે ગ્રામ્ય સ્તરે આવક રળનારા મોડલ સ્થાપિત કરવા પર કેન્દ્રીત રહેશે. આ કંપની ગોબર - ગેસની સ્લરી પર આધારિત ખાતરોનું ઉત્પાદન કરનારી એજન્સીઓને માર્કેટીંગ અને વેચાણનું સમર્થન પુરૂ પાડશે તથા પશુપાલકો માટે વધારાની આવકનો પ્રવાહ શરૂ કરવા માટે પ્રોજેક્ટ્સમાંથી કાર્બન રેવન્યુ પેદા કરવાની એક મિકેનિઝન સ્થાપિત કરશે.

LPGના વપરાશના 50 ટકાને સમકક્ષ બાયોગેસ પેદા કરવાની ક્ષમતા
​​​​​​​
પશુપાલનના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ડો. સંજીવકુમાર બાલ્યાને જણાવ્યું હતું કે, ગાયના છાણનું મેનેજમેન્ટ કરવાની વિવિધ પહેલ દેશના એલપીજીના વર્તમાન વપરાશના 50 ટકાને સમકક્ષ બાયોગેસ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે અને તે દેશની એનપીકેની જરૂરિયાતના 44 ટકા જેટલી બાયો સ્લરી ઉત્પાદિત કરવા માટે પણ સક્ષમ છે. આથી વિશેષ ગાયના છાણનું કાર્યક્ષમ રીતે મેનેજમેન્ટ થવાથી તે લોકોની સુખાકારી અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપે છે. દૂધાળા પશુઓમાંથી ફક્ત દૂધ દોહવા ઉપરાંત દૂધાળા પશુઓના આર્થિક જીવનચક્રની ઉત્પાદકતા પણ વધારશે. જેના પગલે રખડતાં ઢોરોની સમસ્યાને ઉકેલવામાં અને જીએચજી ઉત્સર્જનને ઘટાડવામાં મદદ મળી રહેશે.
ડેરી પ્લાન્ટની ઉર્જાની જરૂરિયાતને પહોંચી વળવા છાણનો ઉપયોગ
કેન્દ્ર સરકારના ડીએએચડીના સચિવ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે, એનડીડીબીએ ડેરી પ્લાન્ટની ઊર્જાની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ગાયના છાણનો ઉપયોગ થઇ શકે તેવા પ્રજોક્ટ્સ પણ હાથ ધર્યા છે. આ પ્રકારના સૌ પ્રથમ પ્રોજેક્ટનો શિલાન્યાસ વડાપ્રધાન દ્વારા વારાણસીમાં કરવામાં આવ્યો હતો. ગાયના છાણ પર આધારિત જૈવિક ખાતરને એક સર્વસામાન્ય ઓળખ પુરી પાડવા માટે એનડીડીબીએ સુધન નામના એક ડ્રેડમાર્કની નોંધણી પણ કરાવી છે.

આ પ્રસંગે પશુપાલનના રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી ડો. સંજીવકુમાર બાલ્યાન અને ડો. એલ. મુરૂગન, કેન્દ્ર સરકારના ડીએએચડીના સચિવ અતુલ ચતુર્વેદી, એનડીડીબીના ચેરમેન મિનેશ શાહ, કેન્દ્ર સરકારના ડીએએચડીના અધિક સચિવ (સીડીડી) વર્ષા જોશી અને મૃદા લિમિટેડના નવનિયુક્ત મેનેજીંગ ડિરેક્ટર સંદીપ ભારતી હાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...