વિરોધ પ્રદર્શન:આણંદ નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા, પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓ આંદોલનના મૂડમાં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લાના નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓ પડતર માગણી સંદર્ભે શુક્રવારના રોજ માસ સીએલ પર ઉતર્યાં હતાં. આમ છતાં સરકાર દ્વારા માગણીનો ઉકેલ નહીં આવે તો વધુ જલદ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.

આણંદ જિલ્લામાં નેશનલ હેલ્થ મિશનના કરાર આધારિત કર્મચારીઓ દ્વારા પડતર માગણી સંદર્ભે છેલ્લા એક વર્ષથી રજુઆત કરવામાં આવી રહી છે. આમ છતાં તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. વરસોથી કામ કરતા અને સમાન ક્વોલીફિકેશન અને સમાન લાયકાત ધરાવતા નેશનલ હેલ્થ મિશનના જુના અને અનુભવી સ્ટાફને યોગ્ય પગાર આપવામાં આવતો નથી. સરકારી નિયમ મુજબ ઇપીએફની કપાત થતી નથી. એક વર્ષ સુધી ફાઇલ એમને એમ જ પડી રહી છે. કર્મચારીઓ કામ બંધ કરવાની ચીમકી આપે તેમના માટે તાત્કાલિક પગાર વધારો થઇ જતો હોય છે. આ અગાઉ ઋષિકેશ પટેલ સાથે 7મી સપ્ટેમ્બર,22ના રોજ બેઠક યોજાઇ હતી. જેમાં 15 દિવસમાં પ્રશ્નના નિરાકરણ લાવવાની બાહેંધરી આપવામાં આવી હતી. આમ છતાં ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે આશાબહેનો, આંગણવાડી કાર્યકર, કાયમી કર્મચારી તથા અન્ય જે લોકોએ હડતાળ આંદોલન કર્યા હોય તેમની માગણીઓ પર નિર્ણય લેવાયા હોય તો એનએચએમ કર્મચારીની પડતર માગણીઓ માટે ક્યા કારણોસર ઓરમાયું વર્તન રાખવામાં આવે છે ? સમગ્ર ગુજરાત એનએચએમ કર્મચારીની લાગણીને ધ્યાનમાં લઇ એનએચએમ યુનિયન દ્વારા 21મી ઓક્ટોબરના રોજ માસ સીએલ જાહેર કરવામાં આવી હતી. હવે પછી ગાંધી ચિંધ્યા માર્ગે આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...