આણંદ શહેરમાં પાલિકાએ બે મહીનાથી રખડતી ગાયો પકડવાનું બંધ કરી દેતા ઠેર ઠેર માર્ગો પર રખડતી ગાયો અને આખલાનો આંતક વધી ગયો છે. ત્યારે બે માસ પહેલા ગામડીવડ નજીક ગાયે એક આધેડને ઇજા પહોંચાડતાં સારવાર દરમિયાન મોત નિપજયું હતું.આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હોવા છતાં પાલિકાએ સબ સલામત હોવાનુ માની લેતા હજુય શહેરમાં રખડતા આખલાઓના આતંકનો ભોગ બની રહ્યા. રોયલ સીટી સહિત હિના સોસાયટીમાં રખડતા બે આખલાઓ તોફાન મચાવતાં એક બાળકને ગંભીર ઇજા પહોંચી હતી.જેના પગલે રખડતી ગાયો નહીં પકડતા તંત્ર સામે રોષ ફેલાયો છે.
આણંદ નગર પાલિકાએ ઢોર વિભાગમાં સ્ટાફનો અભાવ હોવાનું બહાનું બતાવી બે વર્ષથી રખડતી ગાયો પકડવાનું બંધ કરી દીધું છે. ત્યારે શહેરીજનોની ફરિયાદોના પગલે બે વખત કોન્ટ્રાકટ આપ્યો હોવા છતાં રખડતી ગાયો પકડવાની કામગીરી પોકળ સાબિત થઇ હતી. તાજેતરમાં ગામડીવડ નજીક એક આધેડને રખડતી ગાયે શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.સારવાર દરમિયાન મોત નિપજતાં તંત્ર સામે ફરિયાદ નોંધાવી હતી.
આમ છતાં પાલિકા તંત્રએ સુધરવાનું નામ નહીં લેતા ફરી એક વખત રખડતી ગાયો અને આખલાઓનો આંતક વધી ગયો છે. ત્યારે શહેરના રોયલ સીટી અને હિના પાર્ક સોસાયટી માં બે આખલા વચ્ચે યુધ્ધ ખેલાયું હતું. જેના લીધે સ્થાનિકોમાં નાસભાગ મચી ગઇ હતી. ે લોકોએ આખલાને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ યુધ્ધ દરમિયાન એક બાળક આખલાએ શિંગડું મારતાં શરીરે ગંભીર ઇજા થઇ હતી. સ્થાનિક વિસ્તારના રહિશો દ્વારા વડોદરા પ્રાદેશિક કમિશ્નર અને મુખ્યમંત્રીને ફરિયાદ કરવાની ચિમકી ઉચ્ચારી છે.
આણંદ શહેરમાં રખડતા ઢોરે છેલ્લા 6 મહિનામાં ત્રણ વ્યક્તિનો ભોગ લીધો
આણંદ શહેરમાં છેલ્લા છ માસમાં રખડતા ઢોરે ત્રણ વ્યક્તિનો ભોગ લીધો છે. જેમાં ગત 27 ફેબ્રુઆરીના રોજ ગુજરાતી ચોક પાસે પસાર થતાં નાપાડના ચુંદભાઇ કેસરીસિંહ રાઠોડ(ઉં.વ.50)નું મોત નિપજયું હતું. જ્યારે 22 એપ્રિલના રોજ રેલવે સ્ટેશન પાસે અજાણી ભીક્ષુક મહિલાને ગાયે શિંગડે ચઢાવતાં મોત નિપજયું હતું. આ ઉપરાંત 27 મેના રોજ ગામડી વડ પાસે ચંદુભાઇ દેસાઇભાઇ ઠાકોર (ઉં.વ.61)ને રખડતીં ગાયે શિંગડે ચઢાવ્યાં હતા. જેમાં તેમનું મોત નિપજયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.