આણંદ શહેરના ઇસ્માઇલનગરની ખોજા સોસાયટીમાં રહેતી યુવતીએ દસેક વર્ષ પહેલા મુંબઇ ખાતે મોલમાં નોકરી દરમિયાન સ્થાનિક યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતાં. જોકે, લગ્ન બાદ આ યુવતીને પતિ ત્રાસ આપતો હતો અને થોડા દિવસ પહેલા નાણાં લઇ આવું છું કહી વતન ભાગી ગયો હતો, બાદમાં પરત આવ્યો નહતો. આ અંગે આખરે યુવતીએ મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો.
આણંદના ઇસ્માઇલનગરની ખોજા સોસાયટીમાં રહેતી મુનીરા કેશવભાઈ ગુરૂનાથ મ્હાડગુટ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી ગામની છે. તેના પિતા રજ્જબઅલી રમજાનઅલી વિરાણી લીમડી ખાતે રહે છે. 2008ની સાલમાં મુનીરા મુંબઇ ખાતે રહેતા તેના બહેન નીપાના ઘરે ચાર વર્ષ રહેવા ગયાં હતાં. આ સમયે તે મુંબઇમાં દહીસરના ઠાકોર મોલમાં નોકરી કરતાં હતાં. જ્યાં કેશવ સાથે મુલાકાત થઇ હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી અને બન્નેએ 2012માં રજીસ્ટર લગ્ન કરી લીધાં હતાં. આ લગ્નમાં તેમને 10 વર્ષની દીકરી પણ છે. લગ્ન બાદ બન્ને ભાડાના મકાનમાં રહેતાં હતાં. જ્યાં કેશવ અવાર નવાર મારઝુડ કરતો હતો. જોકે, મુનીરા સગર્ભા હોવાથી ત્રાસ મુંગા મોંઢે સહન કરતાં હતાં. પરંતુ કેશવનું વર્તન દિવસે દિવસે બગડતું હતું. તે દારૂ પી આવી મારઝુડ કરતો હતો. ઘરખર્ચના રૂપિયા પણ આપતો નહતો. દીકરીના જન્મ બાદ તેની સંભાળ પણ રાખતો નહતો. આ ઉપરાંત મુનીરાના દાગીના પણ વેંચી નાંખ્યાં હતાં. કંઇ પણ પુછે તો મારઝુડ કરતો હતો.
આખરે ભાંગી પડેલા મુનીરાએ સમજાવી બન્ને આણંદ ખાતે ધંધા અર્થે પાંચ વર્ષ પહેલા સ્થાયી થયાં હતાં. જોકે, કેશવના વર્તનમાં કોઇ ફર્ક પડતો નહતો. તે ભાડાના મકાનમાં મુનીરા અને દીકરીને મુંબઇ વરાડ તા. સિંધુ દુર્ગ મહારાષ્ટ્ર જતો રહ્યો હતો અને રૂપિયા પણ મોકલતો નહતો. બીજી તરફ ઘરે ઉઘરાણી આવતી હોય, દીકરી દિયાની સ્કૂલ ફીના રૂપિયા માંગતા ના પાડી દીધી હતી. દરરોજ ફોન પર ઝઘડા કરતો હતો. કંટાળી 18મી નવેમ્બર,22ના રોજ રાત્રિના વીડીયો કોલ કરીને ઉંઘની ગોળીઓ ખાઇ લીધી હતી. જોકે, સારવારના કારણે મુનીરા બચી ગયાં હતાં. આખરે આ અંગે કેશવ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.