રાજ્યના વિકાસ માટે કાર્યરત એવા વિવિધ ઉધોગો તથા સંસ્થાઓને તેમની સમાજલક્ષી ઉત્કૃષ્ટ કામગીરી માટે ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 1993થી એક્સલેન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. 17મા ફેડરેશન ઓફ ગુજરાત ઈન્ડસ્ટ્રીઝ એવોર્ડ ઓફ એક્સલન્સ અંતર્ગત તા. 14 મે2022ના રોજ “બેસ્ટ ઇનોવેટીવ વર્ક ઈન ધ ફીલ્ડ ઓફ એગ્રીકલ્ચર ઓર ફૂડ પ્રોસેસીંગ” કેટેગરીમાં આણંદ કૃષિ યુનિવર્સિટીને સર્ટિફિકેટ ઓફ મેરિટથી સન્માનિત કરવામાં આવેલ છે. જેમાં મહેસૂલ અને કાયદા અને ન્યાયમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયા તથા ડૉ. વાય. કે. ઝાલા (મદદનીશ પ્રાધ્યાપક)ને સર્ટિફિકેટ સમ્માન અર્પણ કરાયું છે.
મહત્વનું છે કે આ એવોર્ડ આણંદ કૃષિ યુનિવર્સિટીને “મિથાયલોટ્રોફીક બેક્ટીરીયલ કન્શોર્ટીયમ” ની ખેડૂત ઉપયોગી તાંત્રિકતા વિકસાવવા બદલ એનાયત થયેલ છે. આ એવોર્ડ નો સ્વીકાર કરતાં આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ, ડૉ. કે. બી. કથીરીયાએ જણાવેલ કે, ડાંગર તથા અન્ય પાકોમાંથી મિથેન વાયુનું મોટા પ્રમાણમાં ઉત્સર્જન થાય છે જેનું શમન કરવા એકમાત્ર જૈવિક ઉપાય એ મિથાયલોટ્રોફીક બેક્ટેરિયા છે, જે જમીનમાં વસવાટ કરે છે તથા મિથેન વાયુનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને તેનુ પ્રમાણ ઘટાડે છે. આવા મિથેન વિઘટક બેક્ટેરિયાના વિવિધ પાસાઓ પરના દસ વર્ષના સંશોધનમાંથી મિથાયલોટ્રોફીક બેક્ટીરીયલ કન્શોર્ટીયમ વિકસાવવામાં આવેલ છે, જેનો ઉપયોગ કરવાથી ડાંગરના ખેતરમાંથી મિથેન ગેસ ઉત્સર્જન ઘટાડવા 8% સુધી સાથે 20 % સુધી રાસાયણિક ખાતરનો વપરાશ ઘટાડી બેવડો ફાયદો મેળવી શકાય છે.
ભારત સરકાર દ્વારા સદર સંશોધનનો લાભ મોટા પ્રમાણમાં ખેડૂતો લઈ શકે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટીને મિથાઇલોટ્રોફ્સ અને આલ્ગલ બાયોફર્ટિલાઇઝર પ્રોડક્શન યુનિટની સ્થાપના તથા ગ્રીનહાઊસ ગેસનામોનિટરિંગની ફેસિલિટી વિકસાવવા માટે રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અંતર્ગત રૂ. 4.00 કરોડનો પ્રોજેક્ટ પણ તાજેતરમાં એનાયત થયેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.