10 યાર્ડ વિઝિબિલીટી:આણંદ-ખેડાના ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારે ગાઢ ધૂમ્મસનું આવરણ છવાયું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્સપ્રેસ-વે ઉપર વાહનો ધીમી ગતિએ હંકારવા પડ્યા

ચરોતરમાં બે દિવસથી વહેલી પરોઢીએ ગાઢ ધુમ્મસની ચાદર છવાઇ જાય છે. જેને કારણે વાહનચાલકોને પારાંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિઝિબિલિટી 10 યાર્ડની આસપાસ હોવાથી સવારે 5.45 કલાકે તો 20 મીટર દૂર વાહનચાલકોને કંઇ દેખાતુ ન હતું. જો કે 1 કલાકમાં વિઝિબિલિટી વધી ગઇ હતી. જેથી 300થી 500 મીટર દૂર જોઇ શકાતું હતું તેમ હાઇવે ઓથોરીટીના મનોજભાઇ કાટકરે જણાવ્યું હતું. જયારે હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર વિઝિબિલિટી યાર્ડમાં મપાય છે. બુધવારે સવારે 10 યાર્ડ વિઝિબિલિટી નોંધાઇ હતી.

ગાઢ ધુમ્મસના કારણે અમદાવાદ વડોદરા હાઇવે પર 20 કિમી સુધી વાહનચાલકોને ધીમી ગતિએ વાહન હંકારવાની સાથે ફોગ લાઇટો ચાલુ રાખીને પસાર થવાની ફરજ પડી હતી.અમદાવાદ વડોદરા એકસપ્રેસ વે પરથી બુધવારે સવારે પસાર થઇ રહેલા વાહનચાલકોને ગાઢ ધુમ્મસના કારણે માત્ર 30 કિમીની ઝડપે વાહન હંકારતા હોવાથી એકસપ્રેસ વે પર વાહનોની કતાર જામી હોય તેવા દ્શ્યો જોવા મળ્યાં હતાં.

આણંદ કૃષિ હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલમાં ભેજનું પ્રમાણ 90 ટકાની આસપાસ રહે છે. તેની સામે ગરમીનો પારો 33 ડિગ્રી આસપાસ રહેતા ભેજમાં ગરમીનું પ્રેશર વધતાં ભેજ વરાળ સ્વરૂપે ધુમ્મસ ફેરવાય છે.બુધવારે ગરમીનો પારો 33.05 ડિગ્રી અને લઘુતમ તાપમાન 25.02 ડિગ્રી નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...