રેઢિયાળ ઢોર કે તંત્ર?:આણંદ રખડતાં ઢોરને હવાલે, રવિવારે બે વ્યક્તિને અડફેટે લીધા છતાં સોમવારે પણ કોઇ કાર્યવાહી નહીં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સાવધાન! ચોતરફ ઢોર છે - Divya Bhaskar
સાવધાન! ચોતરફ ઢોર છે
  • ઢોર પકડવાનો કોન્ટ્રાક્ટ મેળવનારી પાર્ટીને કામ શરૂ કરવા માત્ર નોટિસ
  • એજન્સી સરકારની પોલીસીના ફેરફારની રાહમાં હોવાનો ચીફ ઓફિસરનો લૂલો બચાવ, વાસ્તવમાં એજન્સીને ઢોર પકડવામાં પશુપાલકોનો ડર

આણંદ શહેરમાં કલ્પના સિનેમા તરફ જવાના રોડ સ્થિત જૂની આઈસ ફેક્ટરી પાસે રવિવારે પેટલાદના વૃદ્ધા અરખાબેન ઠાકોરને જ્યારે બાલુપુરા રોડ પર રહેતા વૃદ્ધ ચંદુભાઈ ઠાકોરને એક રખડતી ગાયે શિંગડે ભરાવ્યા હતા. જેમાં વૃદ્ધ ચંદુભાઈની હાલત ખૂબ ગંભીર છે અને તેમને અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જોકે, આ ઘટનાના 24 કલાક વીત્યા પછી પણ પાલિકા સત્તાધીશોના પેટનું પાણી હાલ્યું નથી.

આણંદ શહેરના બોરસદ ચોકડી, સાંઈબાબા મંદિર, સો ફૂટ રોડ વિસ્તારમાં સમગ્ર દિવસ દરમિયાન રખડતી ગાય સહિત અન્ય પશુઓ ફરતા જોવા મળ્યા હતા. પરંતુ પાલિકા દ્વારા તેને પકડવાની તસ્દી લેવામાં આવી નહોતી. રવિવારે ઘટના બન્યા બાદ ચાર પશુઓ પાંજરે પુર્યા બાદ તેમને બીજા દિવસે જ છોડી દેવાયા હતા.

સમગ્ર દિવસ દરમિયાન પાલિકા દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી તે મામલે પૂછતાં પાલિકા ચીફ ઓફિસર એસ. કે. ગરવાલે જણાવ્યું હતું કે, ઢોરને ડબ્બામાં પૂરવા માટે એક એજન્સી દ્વારા ટેન્ડર ભરવામાં આવ્યું છે અને તે ટેન્ડર પાસ પણ થઈ ગયું છે. જોકે, હજુ સુધી તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી. જે તે સમયે એજન્સીએ ડિપોઝીટ ભરી નહોતી એટલે વિલંબ થયો એ પછી એજન્સી દ્વારા સરકાર શું કાયદો બનાવી રહી છે અને આ અંગેની પોલિસીમાં કોઈ ફેરફાર આવે છે કે કેમ તેને લઈને નિર્ણય લેવામાં વિલંબ કરાઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જોકે, અવાર-નવાર બનતી ઘટનાને પગલે બે વાર તેમને નોટિસ આપવામાં આવી છે. હવે પુન: ત્રીજી નોટિસ તેમને આપીને કાર્યવાહી કરવા માટે કહેવામાં આવશે.

હવે ઢોર પકડાશે તે પશુમાલિકને રૂપિયા 2400નો દંડ ફટકારાશે, એમ ચીફ ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું.
તંત્ર એજન્સીનો લૂલો બચાવ કરી રહ્યું છે. વાસ્તવમાં એજન્સીને ઢોર પકડવામાં પશુપાલકોનો ડર લાગે છે. જેથી આણંદને ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા સૌપ્રથમ તો એજન્સીના સ્ટાફને સુરક્ષા પૂરી પાડવી પડે તેમ છે અન્યથા ઢોરના ફફડાટથી શહેર ફફડતું રહેશે.

રખડતાં ઢોરના કાને ટેગ મારવાની વાત પણ અભેરાઈ પર ચઢી ગઈ
શહેરમાં રખડતાં ઢોર કેટલાં છે તેની કોઇ જ માહિતી પાલિકા પાસે નથી. અગાઉ પાલિકા દ્વારા રખડતાં ઢોરની ગણતરી કરવા અને તેના માલિક કોણ છે તેની જાણકારી મળી રહે તે માટે કાને ટેગ મારવાની વાત કરી હતી. જોકે, આ વાતને બે વર્ષ થઈ ગયા પરંતુ આજદિન સુધી કોઇ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...