આણંદ શહેર નજીકના હાડગુડ ગામે રહેતી 17 વર્ષિય કિશોરીને વારંવાર મોબાઇલ જોવાની ટેવ હતી. જે અંગે માતાએ તેને ઠપકો આપી મોબાઇલ મુકી દેવાનું કહેતાં તેને લાગી આવ્યું હતું અને ઘરમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે આણંદ શહેર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઠપકો આપતા દીકરીને લાગી આવ્યું હતું
આણંદના હાડગુડ ગામમાં આવેલા અજમતપુરામાં રહેતા આલીશાબહેન નફીસભાઈ (ઉ.વ.17) રાત્રિના વારંવાર મોબાઇલ ફોન જોતી હતી. આથી, તેની માતાએ તેને ઠપકો આપ્યો હતો. શું વારંવાર મોબાઇલ ફોન જોયા કરે છે ? જેથી આલિશાને લાગી આવ્યું હતું અને ઘરે દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ બાબતે પરિવારજનોને જાણ થતાં તેઓ ચોંકી ગયાં હતાં. આ અંગે શહેર પોલીસને જાણ કરતાં તાત્કાલિક ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને ઉતારી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ અંગે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજની યુવા પેઢીને મોબાઇલનું વળગણ વધી ગયું છે. ખાસ કરીને લોકડાઉન દરમિયાન ઓનલાઇન એજ્યુકેશન બાદ ટીનએજરમાં મોબાઇલની લત વધી છે. આ સ્થિતિમાં હાડગુડનો કિસ્સો લાલબત્તો કિસ્સો સમાન બની ગયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.