આવેદનપત્ર:આણંદ જિલ્લા તલાટીઓએ પોતાના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને રજૂઆત કરી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમામ પડતર પ્રશ્નોનોનો સંતોષકારક ઉકેલ લાવવા માગણી કરા

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્ને લડતનું એલાન કર્યું છે. આ અગાઉ 2018માં તલાટી મંત્રીઓની હડતાલ સમયે હકારાત્મક ઉકેલ લાવવાની જે તે સમયે નાયબ મુખ્યમંત્રીએ બાહેંધરી આપી હતી. બાદમાં અનેક વખત રજૂઆત કરવા છતાં પડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ આવ્યો નથી. આથી, રાજ્યના પાયાના કર્મચારી એવા તલાટી કમ મંત્રીના તમામ પડતર પ્રશ્નોનો વહેલી તકે સંતોષકારક ઉકેલ લાવવામાં આવે તેવી માગણી ફરી ઉઠી છે અને આ અંગે આણંદ કલેક્ટરને આવેદનપત્ર આપી પ્રશ્ન નહીં ઉકેલાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મહામંડળ દ્વારા સતત રજુઆતો કરવા છતાં 3 વર્ષ થવા છતાં સરકારે બાંહેધરી આપી હતી. તે પૈકીના એક પણ પ્રશ્નનું નિરાકરણ થયું હતું. ખાસ કરીને 2004-05ની ભરતીના તલાટી મંત્રીને સળંગ નોકરી ગણવા માગણી કરી હતી. આ લાભ ન મળતાં 2007માં નિમણૂંક પામેલા તલાટી સિનિયર ગણાય છે. જેને કારણે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ તથા બઢતીમાં 2004-05ના તલાટી મંત્રીઓને અન્યાય થાય છે. જે મોટી વિસંગતતા ઉભી થઈ છે.

સૌથી મહત્વની બાબત એ છે કે, મહેસુલી કામગીરી માટે રેવન્યુ તલાટીની અલગ ભરતી કરી અને તેમની કામગીરીના અલગ જોબચાર્ટ નક્કી કરી ગ્રામ્ય વિસ્તારના સેજાપણ ફાળવવામાં આવ્યાં હતાં. જેને 10 વર્ષ થવા છતાં તેઓ સેજાની કામગીરી કરતાં નથી. હાલ પણ તમામ પ્રકારની મહેસુલી કામગીરી પંચાયત હસ્તકના તલાટી મંત્રીઓ પાસે જ કરાવવામાં આવે છે. જ્યારે રેવન્યુ તલાટીઓને મામલતદાર કચેરીમાં બેસી ફક્ત 135 ડીની નોટીસ બજવણીની કામગીરી જ સોંપવામાં આવેલી છે. જેથી જોબચાર્ટને લઇને અવાર નવાર વિસંગતતાઓ ઉભી થાય છે.

નોંધનીય બાબત છે કે, એક સમાન કેડર હોવા છતાં મહેસુલી તલાટીને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 4400 ગ્રેડ પે અને બીજું ઉચ્ચતર પગાર ધોરણ 5400 ગ્રેડ પે આપવામાં આવે છે. જ્યારે પંચાયત તલાટી મંત્રીઓને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે અને બીજુ ઉચ્ચતર પગાર ધોરણ 4200 ગ્રેડ પે આપવામાં આવ્યું છે. જે વિસંગતતાઓ અન્યાય કર્તા છે. આ ઉપરાંત બઢતીના પ્રશ્નો, સળંગ નોકરી ગણવા, હાજરી પુરવા, આંતર જિલ્લાફેર બદલી, પંચાયત વિભાગ સિવાયની કામગીરી સોંપવા, ફરજ મોકુફી સહિતના પ્રશ્નો અંગે રજુઆત કરવામાં આવી છે.

આ રજૂઆતનો ઝડપી ઉકેલ નહીં આવે તો 20મીને સોમવારે રાજ્યના તમામ તલાટીમંત્રીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે. 27મીને સોમવારે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ ફરજ પર હાજર રહી પેનડાઉન કાર્યક્રમ યોજાશે. 1લી ઓક્ટોબર,21ને શુક્રવારે રાજ્યના તમામ તલાટી મંત્રીઓ માસ સીએલ મુકી સ્થાનિક તાલુકા કચેરીએ બેનર સાથે દેખાવ કરશે અને ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે. 7મી ઓક્ટોબરના રોજ જિલ્લા તલાટી મંત્રી મંડળની આગેવાનીમાં જિલ્લા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે એક દિવસના ધરણાં કરશે.

તલાટીઓ દ્વારા આગામી દિવસો આંદોલન કરાશે
આજે તમામ તલાટી મંત્રીઓ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જોડાયેલા વ્હોટસઅપ ગૃપોમાંથી લેફટ થઈ ગયા હતા અને વ્હોટસ માધ્યમથી કોઈ પણ પ્રકારની માહિતી કે પ્રત્યુત્તર નહીં આપવાની જાહેરાત કરી હતી. આગામી 20મી સપ્ટેમ્બરનાં રોજ તમામ તલાટીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, આગામી 27મી સપ્ટેમ્બરનાં રોજ તમામ તલાટીઓ પેનડાઉન કરશે, ત્યારબાદ પહેલી ઓકટોબરનાં રોજ સામૂહિક સી.એલ પર ઉતરશે, આગામી 7મી ઓકટોબરનાં રોજ જિલ્લા પંચાયત ખાતે ધરણા કરશે,અને 12મી ઓકટોબરનાં રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે એક દિવસનાં ધરણા અને ત્યારબાદ ઓચક્કસ મુદ્દતનું ઉપવાસ આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...