આણંદ જિલ્લામાં શ્રાવણ માસ લગભગ કોરો ગયા બાદ ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગરથી લઇ દાહોદ સુધીના 9 જિલ્લામાં સિઝનનો સૌથી વધુ 78.24 ટકા વરસાદ આણંદ જિલ્લામાં નોંધાયો છે. તાલુકાની વાત કરીએ તો અત્યાર સુધી છોટાઉદેપુર તાલુકામાં 121.43 ટકા વરસાદ બાદ સૌથી વધુ મેઘમહેર આણંદ શહેર - તાલુકામાં 105 ટકા થઇ છે. આ સિવાયના બધા તાલુકા એકંદરે 50 ટકાથી 90 ટકા સુધીની રેન્જમાં છે. આમ અન્ય જિલ્લાઓની સરખામણીમાં આણંદ જિલ્લો અને તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે.
આમ છતાં જિલ્લામાં 100 ટકા થવામાં હજુ 22 ટકાની ઘટ છે. ગત વર્ષે સમગ્ર ચોમાસા દરમિયાન 150 ટકા જેટલું પાણી પડ્યું હતું. દરમિયાન આણંદ જિલ્લામાં છેલ્લા છત્રીસ કલાક દરમિયાન ધોધમાર મેઘમહેર થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે સાંજે 6 વાગે પૂરા થતા 36 કલાક દરમિયાન આણંદ તાલુકામાં 51 મી.મી., ઉમરેઠમાં 84 મી.મી., ખંભાતમાં 77, સોજિત્રા 47, બોરસદ 41, તારાપુર 25, પેટલાદ 29, અને આંકલાવ તાલુકામાં સૌથી ઓછો 19 મી.મી.. વરસાદ પડ્યો હતો. હજુ આગામી 24 કલાક સુધી વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.