સજા:આણંદ કોર્ટે ગાના ગામના શખ્સને રૂ. 1.20 લાખના ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ ફરમાવી

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચુકાદા સમયે આરોપી મીતુલ પટેલ કોર્ટમાં હાજર ન રહેતા બિનજામીનલાયક વોરંટ ઈશ્યુ કરાયું

આણંદ નજીક આવેલા ગાના ગામે રહેતા શખ્સને આણંદ કોર્ટે રૂ. 1.20 લાખના ચેક રિટર્ન કેસમાં તકશીરવાર ઠેરવીને એક વર્ષની કેદની સજા ફરમાવી છે. આ ઉપરાંત આરોપી કોર્ટમાં હાજર ન રહેતા કોર્ટે બિનજામીનપાત્ર વોરંટ ઇશ્યુ કરતા ચકચાર મચી છે.

પ્રાપ્ત વિગતો મુજબ સારસામાં વૃંદા ફાયનાન્સની પેઢી ધરાવતા સુનીલભાઈ રમેશભાઈ પટેલને ત્યાં ગાના ગામે રહેતા મીતુલકુમાર શીવાભાઈ પટેલ અવાર-નવાર આવતા હોય પરિચય થયો હતો.જે દરમ્યાન મિતુલકુમારને સામાજીક કામ માટે પૈસાની જરૂરત પડતાં તેમણે સુનીલભાઈ પાસેથી 1.50 લાખ રૂપિયા લીધા હતા.

સમય વહી જતા મિતુલકુમાર એ લીધેલી રકમ પરત ન આપતા સુનીલભાઈએ રકમની માગણી કરી હતી. જે દરમ્યાન મિતુલ કુમારે 30 હજાર રૂપિયા રોકડા આપ્યા હતા અને બાકીના 1.20 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ખાતામાં ભરતા તે અપર્યાપ્ત બેલેન્સના કારણે પરત ફર્યો હતો. જે અંગે સુનિલભાઈ દ્વારા મિતુલકુમાર પટેલને વારંવાર કહેવા છતાં રકમ પરત આપવામાં તે ઠાગાથૈયા કરતો હતો. થી ન છૂટકે સુનિલભાઈ પટેલ દ્વારા મિતુલકુમાર વિરૂદ્ધ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ હતી.

આણંદની અદાલતમાં 138 મુજબ કેસ દાખલ કર્યો હતો. જેની સુનાવણી બીજા એડી. સીનીયર સીવિલ જજ અને એડી. ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ફરિયાદ પક્ષ તરફથી ઉપસ્થિત એડવોકેટ રાજેશભાઈ ચંદાણીની દલિલો તેમજ પુરાવાઓને ધ્યાનમાં રાખીને જજ સોનલબેન બી. મહેતાએ મીતુલકુમારને તકશીરવાર ઠેરવીને એક વર્ષની સાદી કેદની સજા અને દશ હજાર રૂપિયા દંડ, જો દંડ ના ભરે તો વધુ બે માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો.

મહત્વનું છે કે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવેલ ચૂકાદા સમયે મિતુલકુમાર કોર્ટમાં હાજર ના રહેતા સજાની અમલવારી માટે તેમના વિરૂધ્ધ કોર્ટે દ્વારા બિનજામીનપાત્ર વોરંટ પણ ઈસ્યુ કરવામાં આવ્યું હતુ.જે અંગે કોર્ટ પ્રાંગણમાં અને નગરમાં ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...