ફરિયાદ સમિતિની બેઠક:વિકાસલક્ષી કામોને સમયસર શરૂ કરીને પૂર્ણ કરવા બાબતે આણંદ કલેકટર ડી. એસ. ગઢવીની અધિકારીઓને તાકીદ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

આણંદ જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને આણંદના સરકીટ હાઉસ ખાતે આણંદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પરમાર અને ધારાસભ્ય નિરંજન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન કલેક્ટર ડી.એસ.ગઢવીએ સંકલનને લગતા પત્રકો અને માહિતી સમયસર અને સમયમર્યાદામાં મળી રહે તે જોવા પર ભાર મૂકી પડતર કેસોની સમીક્ષા કરી હતી.

ધારાસભ્ય અને જિલ્લા પંચાયત પ્રમુખે નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
આ બેઠકમાં ધારાસભ્ય નિરંજન પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પરમારે ઉપસ્થિત સર્વેને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવીએ રાજય-કેન્દ્ર સરકારની વિવિધ બજેટેડ જોગવાઇઓ હેઠળના વિકાસલક્ષી કામો સમયસર શરૂ થાય અને સમયમર્યાદામાં પૂર્ણ થાય તે જોવા સંબંધિત અધિકારીઓને સુચવ્યું હતું.

પ્રેઝન્ટેશનની સમીક્ષા કરાશે
કલેક્ટર ડી.એસ ગઢવીએ સંકલનના તમામ અધિકારીઓને પોતાના વિભાગ-કચેરીનું આગામી નાણાંકીય વર્ષ માટેનું વિઝન-પ્રોજકેટ, હાલ ચાલી રહેલા કામો, શરૂ કરવામાં આવનારા કામો સહિતની વિગતો દર્શાવતું પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું સૂચવી આગામી સમયમાં વિભાગ-કચેરીવાર આ પ્રેઝન્ટેશનની સમીક્ષા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

કલેક્ટરે અધિકારીઓને રચનાત્મક સૂચનો કરી માર્ગદર્શન પુર પાડ્યું
મહત્વનું છે કે, આ બેઠક દરમિયાન કલેક્ટરે લોકપ્રશ્નો, નાગરિક અધિકાર પત્ર, પેન્શન કેસો, નિવૃત્ત થયા હોય તેવા અધિકારી, કર્મચારીઓના પેન્શન કેસો, ખાતાકીય-પ્રાથમિક તપાસના કેસો, સરકારી લેણાંની વસૂલાત જેવી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓને રચનાત્મક સૂચનો કરી માર્ગદર્શન પુરૂં પાડયું હતું. આ ઉપરાંત તેઓએ જિલ્લા સંકલનના તમામ અધિકારીઓને તાબા હેઠળની કચેરીઓની અવાર-નવાર તપાસણી કરતા રહેવાનું સૂચન કરી કામગીરીમાં કોઇપણ પ્રકારની મુશ્કેલી હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો વિના સંકોચે પોતાનો સંપર્ક કરવા પણ કહ્યું હતું.

વિવિધ અગ્રણીઓ હાજર રહ્યાં
આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક પ્રવિણ કુમાર, નિવાસી અધિક કલેક્ટર કેતકી વ્યાસ, તમામ પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લાના તમામ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...