આણંદની ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 12મો પદવીદાન સમારંભ 13 જાન્યુઆરીના રોજ શુક્રવારે ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસમાં યોજાયો હતો. આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે અમેરિકાસ્થિત સફળ ટેકનોપ્રિનિયોર અને ઉદ્યોગપતિ અશોક પટેલે દિક્ષાંત પ્રવચન આપ્યું હતું.
ચારુસેટ યુનિવર્સિટી નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સીલ (NAAC) દ્વારા “A+” ગ્રેડ તેમજ ગુજરાત સરકાર દ્વારા 'સેન્ટર ઓફ એક્સલન્સ' પ્રાપ્ત કરવા ઉપરાંત નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્ક (NIRF) દ્વારા ગુજરાતની શ્રેષ્ઠ ત્રણ પ્રાઈવેટ યુનિવર્સિટીઓમાં સમાવિષ્ટ છે.ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 12મો પદવીદાન સમારંભમાં કુલ 994 વિદ્યાર્થિનીઓ અને 1570 વિદ્યાર્થીઓ સહિત કુલ 2564 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી.
વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર 40 તેજસ્વી વિદ્યાર્થીઓને 45 ગોલ્ડમેડલ એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં 26 વિદ્યાર્થિનીઓ અને 17 વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. જ્યારે 13 વિદ્યાર્થિનીઓ અને 14 વિદ્યાર્થીઓ સહિત કુલ 27 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત થઈ હતી. ફેકલ્ટી ઓફ ફાર્મસીના 156,ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 214, ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સના 296,ફેકલ્ટી ઓફ સાયન્સના 314,ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનમાં કુલ 425,ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1159 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જેમાં ડિપ્લોમા 42,પોસ્ટ ગ્રેજયુએટ 568, અંડર ગ્રેજયુએટ 1927 અને પી. એચ.ડી.27 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો.દેવાંગ જોશીની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા થઇ હતી.ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર.વી. ઉપાધ્યાયે સૌપ્રથમ મંચસ્થ મહાનુભાવો તથા આમંત્રિત સર્વેને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો.ત્યાર બાદ, તેઓએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો અને ચારુસેટમાં વર્ષ દરમિયાનની શિક્ષણ, સંશોધન,અને નવીનકરણની પ્રવૃતિઓ વિષે માહિતી આપી હતી.ત્યારબાદ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ દ્વારા પદવીદાન સમારોહને ખુલ્લો મુકતા વિદ્યાર્થીઓને પદવીઓ અને ઓરિજિનલ ગોલ્ડમેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા.રજીસ્ટ્રાર ડો.દેવાંગ જોશીની આગેવાની હેઠળ પદવીધારક વિદ્યાર્થીઓ માટે 'ઓથ સેરેમની' યોજાઈ હતી. આ પ્રસંગે ગોલ્ડમેડલ મેળવનાર બે વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતા ચારૂસેટ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી.
મુખ્ય અતિથિ અશોક પટેલે દીક્ષાંત પ્રવચનમાં પોતાની “સક્સેસસ્ટોરી” ના પથદર્શક ચાર પાઠ શેર કર્યા હતા
1. તમારા પ્રોફેશનમાં એટલા કુશળ બનો કે તમે જે પણ કાર્ય હાથમાં લો તેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકો.
2. તમારામાં તરવરાટ અને જુસ્સો હોવો જરૂરી છે ભલે પછી એ કોઈ કલા, રમત-ગમત કે મનગમતા કાર્ય માટે પણ કેમ ન હોય. તમારું પેશન જ તમારી સફળતાની ચાવી છે. તેઓએ પોતાના અનુભવ વર્ણવતા જણાવ્યું કે નાનપણમાં તેમના કલા પ્રત્યેનો પ્રેમ અને પેશને તેઓને આગળ જતા તેમના અભ્યાસ અને પ્રોફેશનમાં સફળ થવામાં અત્યંત મહત્વનો ભાગ ભજવ્યો છે.
3. તમારા સહપાઠીઓ, મિત્રો અને તમારા માર્ગદર્શક સાથે મજબૂત સંબંધો રાખો. તમારા મુશ્કેલ સમયમાં તેઓ તમારી સાથે મજબુત પીઠબળ બની ઉભા રહેશે.
4. અન્યોના ઉદાહરણોમાંથી શીખ અને પ્રેરણા લઈ પોતાના ઘડતર માટે કટિબદ્ધ થાવ. તેઓએ પદવીધારકોને કોર્પોરેટ વર્લ્ડમાં સફળતામંત્ર આપતા જણાવ્યું હતું કે પડકારોને તક તરીકે લો અને કેલ્કયુલેટીવ જોખમો લેવાથી ક્યારેય પીછેહઠ ન કરો; તમારી ટીમના અન્ય સભ્યો સાથે રચનાત્મક રીતે કામ કરો અને તેઓ સાથે સહકાર સાધી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરો; પ્રગતિ માત્ર નાણાકીય લાભોને બદલે મનની સ્થિતિ વિશે હોય એ વધુ અસરકારક છે; ટૂંકાગાળાના લાભો માટે લાંબાગાળાના વિઝન પરથી ધ્યાન હટાવશો નહિ; તમારી ખામીઓને છુપાવવાના પ્રયાસ કરવાને બદલે તેને સુધારવા ધ્યાન કેન્દ્રિત કરો તેમ જણાવ્યું હતું.
અધ્યક્ષસ્થાનેથી સુરેન્દ્ર પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સફળ કારકિર્દી ઘડવા આહવાન કર્યું હતું. તેઓએ પદવીધારક વિદ્યાર્થીઓને સફળ ઉદ્યોગસાહસિક બની નવીનતમ પ્રોડક્ટ્સ અને સર્વિસીસ થકી ભારતની ઇકોનોમીને મજબુત બનાવવા પ્રેરણા આપી હતી. તેઓએ નવા ડિજિટલ યુગને અનુરૂપ સતત અપડેટ અને અપગ્રેડ થતા રહી સ્કિલ્સનું સિંચન કરવા જણાવ્યું હતું. કાર્યક્રમના સમાપનમાં રજિસ્ટ્રાર ડો. દેવાંગ જોશી દ્વારા આભારવિધિ થઈ હતી અને રાષ્ટ્રગાન રજૂ થયું હતું.
356 ગોલ્ડ મેડલ માટે 5.340 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે ચારૂસેટ યુનિવર્સિટીના સન 2012માં આયોજિત પ્રથમ પદવીદાન સમારંભથી તેજસ્વી વિદ્યાર્થીઓને 14 કેરેટના 15 ગ્રામ વજનના શુદ્ધ સુવર્ણ ચંદ્રક આપવાની પરંપરા રહી છે અત્યાર સુધીમાં કુલ 11 પદવીદાન સમારંભમાં 311 ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા. આગામી પદવીદાન સમારંભમાં 45 ગોલ્ડમેડલ સહિત કુલ 356 ગોલ્ડ મેડલ અર્થે 5.340 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે સિદ્ધિ અને ગૌરવસમાન બાબત છે. આ પ્રસંગે તેમના પત્ની રીટાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષસ્થાને ચારૂસેટ યુનિવર્સીટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.