કાર્યવાહી:આણંદમાં ઉપરા છાપરી ચોરી કરી પોલીસની ઉંઘરામ કરનારી ગેંગનો પર્દાફાશ, પોલીસને 26 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચરોતરમાં ચોરીની કાર લઇને ઘરફોડ કરવા જતાં ગેંગના બે શખ્સો પકડાયાં
  • શહેરના સો ફુટ રોડ પર શંકાસ્પદો ભાગતાં પોલીસે પીછો કરી પકડી પાડ્યાં, ઘાતક હથિયાર પણ કબજે કરાયાં

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ બાતમી આધારે સીકલીગર ગેંગની તપાસ હાથ ધરી હતી. જેમાં તે લાંભવેલ રોડ પર મળ્યાં હતાં. પરંતુ પોલીસને જોઇ ભાગતા પકડદાવની સ્થિતિ સર્જાઇ હતી. આખરે મોટી ખોડીયાર વાળા રોડ પરથી સીકલીગર ગેંગના બે સભ્યને પકડી પાડવામાં સફળતા મળી હતી. પ્રાથમિક તપાસમાં જ પોલીસને 26 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. હજુ પુછપરછ ચાલુ છે. આગામી દિવસોમાં વધુ કેટલીક ચોરીના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે. આ ગેંગ ઇકો ગાડીની ચોરી કરી આ જ કારમાં ઘરફોડ ચોરી કરતાં હતાં. બાદમાં તેને મહેમદાવાદ અથવા નડિયાદ નજીક બિનવારસી હાલતમાં છોડી દેતાં હતાં.

આણંદ-ખેડા જિલ્લામાં ઇકો ગાડીની ચોરી કરી તેનો ઉપયોગ ઘરફોડ ચોરીઓમાં કરી કારને બિનવારસી હાલતમાં મુકી દેવાની મોડસ ઓપરેન્ડીવાળી ઘરફોડ ચોરીઓના બનાવો બન્યાં હતાં. આ દિશામાં સ્થાનિક ગુના શોધક શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર કે.જી. ચૌધરી સહિતની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમિયાનમાં બાતમી મળી હતી કે, આ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સીકલીગર ગેંગના માણસો સંડોવાયેલા છે, આથી, પોલીસે ઇકો કાર ચોરી કર્યા પહેલા તથા કર્યા પછીના રૂટની ચોકસાઇ કરતાં મહેમદાવાદ, ભરૂચની ચીખલીગર ગેંગ સંડોવાયેલી હોવાનું જણાયું હતું.

મહત્વનું છે કે, આ ગેંગમાં અગાઉ અસંખ્ય ચોરીઓમાં પકડાયેલા કરતારસીંગ ઇશ્વરસીંગ ટાંક, લખન કરતારસીંગ ટાંક (બન્ને રહે. મહેમદાવાદ શીખવાડા), જોગીન્દર ઉર્ફે કબીર સંતોકસીંગ સીકલીગર (મુળ રહે. વડોદરા, હાલ ભરૂચ) અને તેના સાગરીતો સંડોવાયેલા છે. તેઓ મહેમદાવાદથી આણંદ તેઓના સંબંધીને ત્યાં આવનારા હોવાની બાતમી મળતાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એ. જાદવ સહિતની ટીમ લાંભવેલ રોડ પર વોચમાં હતાં.

આ દરમિયાન બે શંકાસ્પદ વ્યક્તિ લાંભવેલ ગામ તરફથી બાઇક પર આવતાં જોવા મળતાં તેમનો પીછો કરી આણંદ સો ફુટ રોડ પર મહાદેવના મંદિર નજીક ચાર રસ્તા ઉપર રોકવા પ્રયત્ન કર્યો હતો. જોકે, તેઓ રોકાયેલા નહીં અને મોટી ખોડીયારવાળા રોડ પર ભાગ્યાં હતાં.

આ દરમિયાન પોલીસ દ્વારા તેમનો પીછો કરતાં ટી સ્કવેર હોસ્પિટલથી આગળ પકડી પાડવામાં સફળતા મળી હતી. તેમની તલાસી લેતાં એક મોબાઇલ, કાળા થેલામાંથી લોખંડનું ખાતરીયું, પક્કડ, ડીસમીસ, લાકડાના હાથામાં ફીટ કરેલો ધારદાર છરો, લોખંડની ધારદાર કુકરી, કાળા કવર સાથી તથા બે કાળા કલરની નાની બેટરી તથા તેઓના ખિસ્સામાંથી ચાંદીના દાગીના, બાઇક કિંમત રૂ. 37 હજાર 220 મળી આવ્યાં હતાં.

આ અંગે પુછપરછ કરતાં તેઓ સંતોષકારક જવાબ આપી ન શકતાં તેમની અટકાયત કરી સઘન પૂછપરછ કરતાં તેઓ કરતારસીંગ ઇશ્વરસીંગ ટાંક (ઉ.વ.30, રહે. મહેમદાવાદ, શીખવાડા), લખનસીંગ કરતારસીંગ બાવરી (સીકલીગર) (ઉ.વ.25, રહે. મહેમદાવાદ શીખવાડા) હોવાનું જણાવ્યું હતું.

આ શખ્સોની આગવીઢબે પુછપરછ કરતાં તેઓએ 26 જેટલી ઘરફોડ ચોરી કબુલી હતી. આ શખ્સો રાત્રિના મોટર સાયકલ લઇને ઇકો ગાડીની ડુપ્લીકેટ ચાવીની મદદથી ચોરી કરી આ કારનો ઉપયોગ તે જ રાત્રે અથવા બીજા દિવસે રાત્રે ઘરફોડ ચોરી માટે કરતાં હતાં. ઘરફોડ ચોરી કર્યા બાદ ગાડી નડિયાદ, મહેમદાવાદ નજીક રોડ પર બિનવારસી હાલતમાં છોડી દેતાં હતાં. હાલ પોલીસે તેમના અન્ય સાગરીતોની ભાળ મેળવવા ચક્રોગતિમાન કર્યાં છે.

ચોરી કરેલી ઇકો કાર ઘરફોડ ચોરીમાં વાપરતા
આરોપીઓ રાત્રીના સમયે મોટરસાયકલ લઈને ઈકો ગાડીની ડુપ્લિકેટ ચાવીની મદદથી ચોરી કરી લેતા હતા. અને ચોરી કરેલી આ ઈકો ગાડીનો ઉપયોગ તે જ રાત્રે તેમજ બીજા દિવસે રાત્રે ઘરફોડ ચોરીઓ માટે કરતા હતા. અને ઘરફોડ ચોરી કર્યા બાદ ચોરી કરેલી ઈકો ગાડી નડિયાદ - મહેમદાવાદ નજીક રોડ ઉપર બિનવારસી હાલતમાં છોડી દેતા હતા. દરમિયાન કરતાર અને લખન ઝડપાઇ ગયા છે પરંતુ બાકીના પાંચ આરોપીઓ પકડાવવાના બાકી છે.

ઘરફોડ ચોરીઓની કબુલાત
આરોપીઓએ બે માસ અગાઉ ભાલેજ પોલીસ મથકના વણસોલ, ખંભાત શહેરમાં દસ દિવસ અગાઉ ઘરફોડ ચોરી, ચાર માસ દરમિયાન આણંદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઘરફોડ ચોરીઓ તેમજ પાંચ માસ પહેલા નડિયાદ શહેરમાં ઘરફોડ ચોરી કર્યાની કબુલાત કરી છે. તદુપરાંત આણંદ, કુંજરાવ, સારસા, કઠલાલ, નડિયાદ, પીજ, મહુધા, અલિન્દ્રા, ડભાણ વગેરે સ્થળેથી ઇકો કારની ચોરી કર્યાની પણ કબૂલાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...