આણંદ કૃષિ યુનિવર્સિટીના એગ્રોનોમી વિભાગ ખાતે કુલપતિ ડો. કે.બી. કથીરીયાના માર્ગદર્શન હેઠળ ખેડૂતો માટે પાંચ દિવસીય સજીવ ખેતી વિષયક તાલીમ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમ દરમિયાન આચાર્ય અને વિદ્યાશાખાધ્યક્ષ ડો.વાય. એમ. શુક્લાએ ખેડૂતોને સજીવ ખેતીની જરૂરિયાત વિશે જાણકારી આપી તાલીમના મુખ્ય ઉદ્દેશ્ય વિશે સમજણ આપી હતી. જ્યારે વિવિધ વિષય નિષ્ણાતો દ્વારા સજીવ ખેતીના વિવિધ આયામો જેવા કે પોષણ વ્યવસ્થા, પાક સંરક્ષણ, ક્ષેત્રિય વ્યવસ્થાપન, પ્રાકૃતિક ખેતી, ગૌ-આધારિત ખેતી, સર્ટિફિકેશન પદ્ધતિ, બજાર વ્યવસ્થા, સજીવ ખેતીમાં આવતી મુશ્કેલીઓ અને તેના સમાધાન વગેરે વિષયોને આવરી લેવાયા હતા. જેથી ખેડૂતોમાં સજીવ ખેતી તરફનો અભિગમ વધે તેમજ તેઓ રસાયણમુક્ત અનાજ, શાકભાજી, ફળ વગેરેનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન કરી વધુ આર્થિક વળતર મેળવી શકે.
આ કાર્યક્રમ દરમિયાન તાલિમાર્થીઓને આણંદની આસપાસના સજીવ ખેતી સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતોની તેમજ એગ્રોનોમી વિભાગ દ્વારા ફાર્મ ઉપર કરવામાં આવેલ સજીવ ખેતીના સંશોધનોની રૂબરૂ મુલાકાત લેવડાવી સજીવ ખેતી વિશે વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે અત્યારે સમગ્ર વિશ્વમાં તૃણ ધાન્ય વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે તાલીમાર્થીઓને તૃણ ધાન્ય વિશે પણ જાણકારી આપવામાં આવી હતી અને તેને સંલગ્ન વિશેષ વ્યાખ્યાન તથા તાલીમાર્થીઓ માટે તાલીમ સમયગાળા દરમિયાન રોજ તૃણ ધાન્યની એક વાનગીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આચાર્ય ડો. વાય. એમ. શુક્લા તથા એગ્રોનોમી વિભાગના પ્રાધ્યાપક ડૉ. વી. જે. પટેલના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર તથા કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં આંણદ સહિત વડોદરા, ખેડા અને મહેસાણા જિલ્લાના સજીવ ખેતીમાં રસ ધરાવતા ખેડૂત તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.