આણંદ પાસેના વાસદ બ્રિજ પાસે સોમવારે સાંજે ઓવરટેક કરતી ટ્રકે આગળ જતી કારને ટક્કર મારતાં કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર પાંચ મુસાફરો પૈકી બે મહિલાઓને ગંભીર ઈજા પહોંચી હતી. નોંધનીય બાબત એ છે કે, સુરતનો પરિવાર ભાવનગર ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતો હતો એ સમયે ઘટના બની હતી.
અંકલેશ્વર જીઆઇડીસીમાં 24 વર્ષીય પાર્થ ગોરધનભાઈ બેલડીયા રહે છે. સોમવારે બપોરે તેઓ સુરતમાં રહેતાં તેમના કાકી ભાવનાબેન દેવરાજભાઈ બેલડીયા, તેમની દીકરી વિશ્વાબેન, કાકા દેવરાજભાઈ અને બહેન શ્રદ્ધા ગોરધન બેલડીયાને સુરતથી કારમાં બેસાડી ભાવનગર કૌટુંબિક ભાઈના લગ્નમાં જવા નીકળ્યા હતા.
દરમિયાન, સોમવારે સાંજે પાંચ વાગ્યાની આસપાસ તેઓ વાસદ મહીસાગર બ્રિજ પસાર કરી વાસદ બ્રિજના છેડે આવ્યા હતા. દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રકે તેમને ઓવરટેક કરી હતી. એ વખતે જમણી સાઈડને ટક્કર વાગી હતી. જેના કારણે કાર ડિવાઈડર સાથે અથડાઈ પલટી ખાઈ ગઈ હતી.
બનાવને પગલે લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને તેમણે પાંચેયને કારમાંથી બહાર કાઢ્યા હતા. જેમાં ભાવનાબેન તથા વિશ્વાબેનને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યારે બાકીનાનો બચાવ થયો હતો. આ બનાવમાં વાસદ પોલીસે ગુનો નોંધી ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.