આણંદના આંકલાવડી ગામે એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ ઝડપે જતા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ વૃદ્ધ બોટાદથી આવ્યાં હતા અને અમદાવાદ ખાતે તેમના નાના ભાઈને મળવા જવું હોવાથી ટોલનાકા પર ઉતરી ગયાં હતાં. બાદ અકસ્માતનો ભોગ બનયાં હતાં. આ અંગે વાસદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધ્યો હતો.
અમદાવાદના આકાશ ફ્લેટમાં રહેતા મનન ભરતભાઈ દવે ટુરીઝમ કન્સલટન્સીનો વેપાર કરે છે. તેમના પિતા ભરતભાઈ તેમની સાથે રહે છે. જ્યારે પિતાના મોટા ભાઇ વસંતભાઈ વાસુદેવભાઈ દવે (ઉ.વ.64)ના લગ્ન થયા ન હતાં અને તેઓ બોટાદના પાળીયાદ ગામે તેમના મિત્ર જલુભા મનુભા પરમાર સાથે રહેતા હતાં. દરમિયાનમાં આંકલાવાડી પાસે એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જતા વાહને વસંતભાઈ દવેને ટક્કર મારતા તેમનું સ્થળ પર જ મોત નિપજ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ભરતભાઈને જાણ કરી હતી. જેના પગલે મનન વાસદ ખાતે પહોંચ્યો હતો. જોકે, વસંતભાઈનો મૃતદેહ ઓળખાય તે સ્થિતિમાં નહતો.
આથી, તેમણે જલુભાને ફોન કરતા તેઓએ જણાવ્યું હતું કે, વસંતભાઈ તથા વિનુભાઈ કોળી પટેલ પાંચેક દિવસથી બોટાદથી ટ્રકમાં કેમિકલ ભરી મહારાષ્ટ્ર ગયા હતા અને ત્યાંથી તરબૂચ ભરી પરત બોટાદ આવી રહ્યાં હતાં. પરંતુ ઘટનાના દિવસે વસંતભાઈને કોઇ કારણસર ભરતભાઈને મળવા અમદાવાદ જવું હોવાથી તેઓ વડોદરા એક્સપ્રેસ હાઈવેના ટોલનાકા પાસે ઉતરી ગયાં હતાં. આમ, લાશ વસંતભાઈની હોવાનું ફલિત થયું હતું. આ અંગે વાસદ પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.