ઘરે પહોંચે તે પહેલાં જ મોત:પેટલાદના પંડોળી ગામે ખેતરમાં પાણી વાળી પરત ફરી રહેલા વૃદ્ધનું કારની ટક્કરે મોત

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધ રોડ ક્રોસ કરતાં હતા ત્યારે કારે ટક્કર મારી

પેટલાદ તાલુકાના રામજીપુરા ગામે રહેતા વૃદ્ધ ખેતરમાં પાણી વાળવા ગયા હતા. જ્યાંથી ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન પુરપાટ ઝડપે જતી કારે ટક્કર મારતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.

પેટલાદ તાલુકાના રામજીપુરા ગામે રહેતા મનુભાઈ ચંદુભાઇ ગોહેલના પિતા ચંદુભાઈ આશાભાઈ ગોહેલ (ઉ.વ.62) તેમના ભત્રીજા સાથે શનિવારે પંડોળી સીમ ખાતે આવેલા ખેતરમાં જારના પાકમાં પાણી વાળવા ગયાં હતાં. જ્યાંથી કામ પત્યા બાદ ખેતરમાં પરત ઘરે જવા નીકળ્યાં હતાં.

આ દરમિયાનમાં સાડા ત્રણેક વાગ્યાના સુમારે હોટલ દર્શન સામે તારાપુરથી ધર્મજ હાઈવેનો રોડ ક્રોસ કરતા હતા તે સમયે ત્યાંથી પુરપાટ ઝડપે આવેલી કારના ચાલકની બેદરકારીના કારણે ચંદુભાઈ હડફેટે ચડી ગયાં હતાં. કારની જોરદાર ટક્કર વાગતા ચંદુભાઈ રસ્તા પર જ પટકાયા હતા અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી.

ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ ચંદુભાઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં ડોકટર દ્વારા ચંદુભાઈને મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યાં હતાં. જોકે, આ ઘટના બાદ અકસ્માત સર્જનાર (GJ-3-EC-8032)કારનો ચાલક ફરાર થઇ ગયો હતો. આ અંગે પેટલાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...