અમૂલના MD પદેથી આર.એસ.સોઢીની હકાલપટ્ટી કરવામાં આવી છે. બોર્ડની મિટિંગમાં તાત્કાલિક અસરથી તેઓને હટાવવામાં આવ્યા છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે જીસીએમએમએફના આર.એસ.સોઢીની અમૂલના MD પદેથી હકાલપટ્ટી કરવામાં આવતા હવે જયેન મહેતાની નવા MD તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આર.એસ.સોઢીએ શું કહ્યું?
આ અંગે આર.એસ.સોઢીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, હું છેલ્લાં 12 વર્ષથી MD હતો, જેમાં છેલ્લાં બે વર્ષથી એક્સટેન્શન પર હતો. પરંતુ હવે મેં એમ.ડી.પદેથી રાજીનામું આપી દીધું છે. MD તરીકેનો ચાર્જ સંભાળ્યો ત્યારે એટલે કે, જૂન 2010માં અમૂલનું ટર્ન ઓવર 8000 કરોડ હતું. જે હાલ વધીને 61000 હજાર કરોડ થઈ ગયું છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના વાઈસ ચેરમેને એક પત્ર લખી ચેરમેન આર.એસ. સોઢીને આ અંગે જાણ કરી હતી. પત્રમાં જણાવ્યા મુજબ અમૂલફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મિટિંગમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. આર.એસ. સોઢીને ફેડરેશનનની મેનેજિંગ ડિરેક્ટર તરીકેની સેવા તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનું ઠરાવેલ છે.
કોણ છે જયેન મહેતા?
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)માં ચીફ ઓપરેટિંગ ઓફિસર (સીઓઓ) તરીકે જયેન મેહતાની ફેબ્રુઆરી 2022માં નિમણૂંક થઈ હતી. MD પછી COOની પોસ્ટ બીજા નંબર પર આવે છે. જોકે, હવે આર.એસ. સોઢીના રાજીનામા પછી જયેન મહેતાને ઈન્ચાર્જ MD તરીકેનો ચાર્જ સોંપાયો છે. ઉલ્લેખનીય છે કે, જયેન મહેતા છેલ્લાં 32 વર્ષથી અમૂલ સાથે સંકળાયેલા છે. તેમણે એપ્રિલ-સપ્ટેમ્બર 2018 સુધી અમૂલ ડેરી, આણંદના ઈન્ચાર્જ એમડી તરીકે સેવા આપી છે. જયેન મેહતા સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગરના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. તેઓ ગોલ્ડ મેડલિસ્ટ રહી ચૂક્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.