ત્રણ જિલ્લાના પશુપાલકો માટે ખુશખબર:અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની ભેટ, દૂધના ભાવમાં પ્રતિકિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરાયો

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

આણંદ સ્થિત અમુલ ડેરીએ દિવાળી પૂર્વે પશુપાલક પરિવારોમાં ખુશીઓ વહેચી છે. અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કરતા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા સભાસદ પશુપાલકો માટે લાભદાયક સ્થિતિ નિર્માણ થઈ છે. ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ દ્વારા ખેડૂત પશુપાલકોના વ્યાપારિક હિતોને ધ્યાને લઇ ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ પશુદાણ અને ઘાસચારાના ભાવ ખૂબ મોંઘા થતા અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને હિતમાં મોટો નિર્ણય જાહેર કરાયો છે.

પશુઓના ખોરાક ખર્ચમાં વધારો થતા દૂધના ભાવમાં વધારો
આ અંગે અમૂલ ડેરી ચેરમેન રામસિંહ પરમારે જણાવ્યું હતું કે ગ્રામ્ય કક્ષાએ ખેતી ઉપરાંત પશુપાલન ખેડૂત પરિવારો માટે આજીવિકાનું મુખ્ય સાધન બની રહયુ છે.વધતા જતા પશુખાદ્ય-ખોરાકના વધતા ભાવો વચ્ચે પશુપાલન ઉધોગને ટકાવી રાખવો એ પણ પડકારરૂપ બની રહયુ છે.આ વર્ષે લમ્પી રોગથી પશુપાલકોને મુશ્કેલી ઉભી થયેલ છે તેમજ ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકના ખર્ચમાં અંદાજીત 20% જેટલો વધારો થયેલ છે. જેથી ઘાસચારા સાથે સાથે દાણના ભાવમાં પણ વધારો થવાથી પશુપાલકોને આર્થિક ભારણ વધેલ છે જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી આણંદ દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કરેલ છે.

1 નવેમ્બરથી પશુપાલકોને નવો ભાવ મળશે
જે પશુપાલકોના વ્યાપારિક હિતોને ધ્યાને લઇ અમૂલ ડેરી દૂધના ખરીદ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જે નિર્ણય અંતર્ગત ખેડૂતોને ભેંસના દૂધમાં અગાઉ ફેટ દીઠ રૂ.760 મળતાં હતાં જે વધીને રૂ.780 કરવામાં આવ્યો છે. જ્યારે ગાયના દૂધના 1 કિલો ફેટનો જૂનો ભાવ રૂ.340.90 હતો. જે નવો ભાવ વધીને 345.50 કરાયો છે. જે બીજા સંઘોની તુલનામાં સૌથી વધુ ભાવ છે.દિવાળી પૂર્વે કરવામાં આવેલ આ નવો ભાવ 1 નવેમ્બર 2022થી અમલમાં આવશે.

ત્રણ જિલ્લાના સાત લાખ પશુપાલકોને ફાયદો થશે
મહત્વનું છે કે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જીલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.નોંધનીય છે કે, પશુપાલન આર્થિક સમૃદ્ધિ અને સ્થિર આવકનો સૌથી મોટો સ્ત્રોત બની રહ્યું છે.અમૂલ ડેરીએ ગુજરાત પેટર્ન મુજબ મહારાષ્ટ્ર, બિહાર, કલકત્તા ,અસામ સહિતના રાજ્યમાં વેપાર વિસ્તાર્યો છે. હાલ ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ, અમૂલ ડેરી દૈનિક 50 લાખ લીટર દૂધની આવકનું વ્યવસ્થાપન કરે છે.

અન્ય સમાચારો પણ છે...