• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Amul Dairy's 75th Annual General Meeting Held Online At 11 Locations On Saturday, Amul's Turnover Increased By Rs 724 Crore This Year

સાધારણ સભા:અમૂલ ડેરીની 75મી વાર્ષિક સાધારણ સભા શનિવારના રોજ 11 સ્થળે ઓનલાઇન યોજાઈ, ચાલુ વર્ષે અમૂલનું 724 કરોડનું ટર્ન ઓવર વધ્યું

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષના 7874 કરોડના ટર્ન ઓવર સામે ચાલુ વર્ષે 8598 કરોડનું ટર્ન ઓવર પહોંચ્યું
  • અમૂલના ઓડ સિમેન સ્ટેશનને આઈએસઓ અને એ ગ્રેડનું સર્ટિફિકેટ એનાયત કરાયું

અમૂલ ડેરીની 75 મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલી રીતે આજે શનિવારના રોજ યોજઈ હતી. ગત વર્ષે કોરોના કાળમાં પણ અમૂલે વાર્ષિક ટર્ન ઓવરમાં ઐતિહાસિક 13 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. ત્યારે ચાલુ વર્ષે પણ 724 કરોડની વૃદ્ધિ નોંધાવી છે. કોરોનાને ધ્યાનમાં રાખી યોજાયેલી આ સભામાં સભાસદો માટે તાલુકા કક્ષાએ વ્યવસ્થા ઊભી કરાઇ હતી.આ સાધારણ સભામાં રજુ કરાયેલા આંકડા મુજબ કોરોનામાં પણ દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે. ગયા વર્ષે 7874 કરોડના ટર્ન ઓવર સામે ચાલુ વર્ષે 8598 કરોડનું દૂધ ઉત્પાદન થયું છે. સતત વધી રહેલા દૂધ ઉત્પાદનના પગલે વિવિધ પ્લાન્ટના વિસ્તરણનું પણ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. હાલ ડેરીમાં સરકારી હસ્તક્ષેપને લઈ સત્તાવહીવટની ખેંચતાણમાં રોજિંદા વહીવટ અને નિર્ણયો લેવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યુ છે. જોકે, રાજ્યમાં આણંદ અમૂલ સત્તામંડળ પશુપાલકોને દૂધ ઉત્પાદનનો સર્વાધિક ભાવ આપવામાં આવે છે. ગ્રામ્ય કક્ષાએ ડેરી સંચાલકો અને સભાસદોમાં સંસ્થાની પ્રગતિ અને ટર્નઓવરને લઈ સંચાલક માટે સંતોષ વ્યક્ત કરાયો હતો.

આ સભાને રામસિંહ પરમારે સંબોધી

આણંદ સ્થિત અમૂલ ડેરીની 75મી વાર્ષિક સાધારણ સભા શનિવારના રોજ અલગ-અલગ 11 સ્થળે ઓનલાઇન યોજવામાં આવી હતી. આણંદ, ખંભાત, બોરસદ, રંગાઇપુરા, ઠાસરા, બાલાસિનોર, કપડવંજ, મહેમદાવાદ, ખેડા, નડિયાદ અને વિરપુરમાં યોજાયેલી આ સભાને રામસિંહ પરમારે સંબોધી હતી. શરૂઆતમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, ત્રિભુવનદાસ પટેલ અને ડો. વર્ગીસ કુરિયનને યાદ કરી તેમણે અમૂલ માટે આપેલા નિઃસ્વાર્થ યોગદાનને બિરદાવી આભાર માન્યો હતો.

કોરોના કાળમાં પણ દૂધ સંપાદનનું કાર્ય જાળવી રાખ્યું

આ પ્રસંગે સભા પ્રમુખ પદે રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં જ્યારે મોટાભાગના ધંધા, વ્યવસાય અને રોજગારી બંધ હતાં. તે સમયે અમૂલ ડેરીએ લગભગ 6 લાખ દૂધ ઉત્પાદકોના હિતને ધ્યાનમાં રાખીને દૂધ સંપાદનનું કાર્ય જાળવી રાખી દૂધ ઉત્પાદકોને તેમણે આપેલા દૂધનું પુરેપુરું વળતર ચુકવ્યું છે. કોરોનાની આવી પડેલી વિકટ પરિસ્થિતિનો સામનો કરી દેશમાં જ્યારે સંપૂર્ણ લોકડાઉન હતું ત્યારે અમૂલે દૂધ સંપાદન તેમજ દૂધ પ્રોસેસિંગનું કાર્ય અવરીત જાળવી રાખ્યું હતું.

આવતા વર્ષે ટર્ન ઓવર 10 હજાર કરોડ કરવાનો લક્ષ્યાંક

રામસિંહે વધુમાં જણાવ્યું હતું કે, અમૂલમાં વર્ષ 2020-21 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું રહ્યું છે, તેમ છતાં સંઘનું ટર્ન ઓવર 8598 કરોડને પાર કરી ગયો છે, જેને વર્ષ 2021-2022 દરમિયાન રૂપિયા 10 હજાર કરોડ કરવાનો લક્ષ્યાંક છે. ચાલુ વર્ષે ગત વર્ષના રૂપિયા 811ની સરખામણીમાં રૂપિયા 835.51 જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યાં છીએ. આ ઉપરાંત સંઘે વર્ષ 2020-21 દરમિયાન સરેરાશ 36 લાખ કિલોગ્રામ પ્રતિદિન લેખે 131 કરોડ કિલોગ્રામ ગુણવત્તાસભર દૂધ સંપાદન કર્યું છે.

ચરોતરમાં કોરોના કાળ દરમિયાન અમૂલ ડેરી દ્વારા સંઘ સંકલીત દૂધ મંડળીઓ સુધી હાથ સાફ કરવા માટે સેનીટાઇઝર અને માસ્ક પણ સંઘ દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં. દરેક સભાસદો, ચેરમેન તેમજ કર્મચારીઓએ સંયમ પૂર્વક તેમજ ધીરજ ધરી અવિરત દૂધ મંડળીઓએ દૂધ સંપાદન ચાલુ રાખ્યું હતું.

અમૂલ દ્વારા 53.78 લાખથી વધુ સિમેન ડોઝનું બહારના રાજ્યોમાં વેચાણ કર્યું

અમૂલ ડેરી દ્વારા ડીજીટલાઇઝેશન અંતર્ગત કૃત્રિમ વિર્યદાન સેવાને અમૂલ કાર્યક્ષેત્રની 1200 દૂધ મંડળીઓને ડીજીટલાઇઝેશન અંતર્ગત આવરી લેવામાં આવી છે. આ ઉપરાંત ઓડ સ્થિત સિમેન સ્ટેશનને આઈએસઓ 9001-2015 અને એ ગ્રેડનું સર્ટિફીકેટ મળ્યું છે અને આ વર્ષે 53.78 લાખથી વધુ સિમેન ડોઝનું બહારના રાજ્યોમાં વેચાણ કર્યું છે. પશુપાલન વ્યવસાયને મદદરૂપ થવાના આશયથી આરડા દ્વારા વિવિધ યોજનાઓ જેવી કે એફઆઈપી, પેપ, સીઆરપી, એમપીપીનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન લીલા ઘાસચારાના બિયારણ, સેફ્ટી રબર મેટ તેમજ મીલ્કીંગ મશીન માટે સબસીડી આપવામાં આવી હતી. વર્ષ દરમિયાન અમૂલ દ્વારા સૌથી વધુ પશુદાણનું ઉત્પાદન અને વેચાણ કરવામાં આવ્યું છે, અમૂલ દાણ હવે મિનરલ મિક્ષર યુક્ત હોય છે, જેનાથી સારૂ દૂધ ઉત્પાદન મેળવી શકાય છે.

ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા ઇમ્પોર્ટેડ એચ.એફ. સાંઢ તેમજ મુર્રાહ ડોઝનું વિતરણ

પશુઓની દૂધ ઉત્પાદન વધારવાના હેતુથી વર્ષ દરમિયાન ઉચ્ચ આનુવંશિકતા ધરાવતા ઇમ્પોર્ટેડ એચ.એફ. સાંઢ તેમજ મુર્રાહ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે અને દૂધ મંડળીઓમાં ફક્ત પાડી કે વાછરડી જ જન્મે તેવા 34,326 સિમેન ડોઝનું વિતરણ કર્યું છે. મોગર ખાતે એનિમલ બ્રિડિંગ સેન્ટરની સ્થાપના કરી ભૃણપ્રત્યારોપણ તેમજ લીંગ નિર્ધારિત વિર્યનો ઉપયોગ કરી ઉચ્ચ વંશાવલી ધરાવતા પશુઓને તૈયાર કરવામાં આવશે. પશુપાલનના વ્યવસાયને નફાકારક રીતે ચલાવવા માટે આધુનિક વૈજ્ઞાનિક ઢબે પશુ સંવર્ધન કરવું જરૂરી છે. પશુ સંવર્ધન માટે પશુઓને સપ્લીમેન્ટ આપવું ખૂબ જ જરૂરી છે, જેને ધ્યાનમાં લઇ અમૂલ ડેરી દ્વારા આકર્ષક પેકમાં અમૂલ ફર્ટિ બુસ્ટ, અમૂલ ન્યુટ્રિકેલ અને ચાટણ ઇંટનું લોચિંગ કરવામાં આવ્યું હતું. જે આપણાં દરેક અમૂલ ફીડ (દાણ) પાર્લર તેમજ દૂધ મંડળીએ વેચાણ અર્થે મુકેલું છે. અમૂલ દ્વારા પશુઓની સારવાર માટે આયુર્વેદિક દવાઓના ઉત્પાદનનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓનલાઇન એ. આઈના માધ્યમથી દૂધ મંડળીઓમાં કૃત્રિમ વિર્યદાનની સેવા શરૂ કરાઇ

ઓનલાઇન એ.આઈના માધ્યમથી જિલ્લામાં 1200 દૂધ મંડળીઓમાં કૃત્રિમ વિર્યદાનની સેવાની શરૂઆત થઇ ગઇ છે અને તેના ઘણા સારા અભિપ્રાય મળ્યાં છે. ઓનલાઇન એ.આઈ થકી અમૂલને ઘણી માહિતી જેવી કે જિલ્લામાં ગાભણ પશુઓની સંખ્યા જાણી શકાશે. જેથી અમૂલ દૂધ ઉત્પાદન વિષે સચોટ માહિતી મેળવી શકીશું. આ પદ્ધતિના બીજા અનેક ફાયદા પશુપાલનના વિકાસ કાર્યો લેવામાં આવશે. અમૂલ પશુસેવા એપની શરૂઆત પણ કરવામાં આવી છે, જેનાથી સભાસદો સીધા પશુની બિમારીની તેમજ એઆઈની વિઝીટ પોતાની જાતે બુક કરાવી શકે છે અથવા કૃ.વી. કર્મચારી કે સેક્રેટરી મારફતે બુક કરાવી શકે છે. અમૂલ પશુસેવા એપ થકી કોલ બુકીંગ ઝડપી બન્યાં છે અને સભાસદને કોઇ મુશ્કેલી પડતી નથી.

મોગર અને ખાત્રજના પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું

ચોકલેટની હાલ વધતી જતી બજાર માંગને ધ્યાનમાં લઇ સંઘે મોગર ખાતે ચોકલેટની હાલની ઉત્પાદન ક્ષમતા 1200 મેટ્રીક ટન પ્રતિદિન જેને વધારી 1800 મેટ્રિક ટન પ્રતિદિન કરવાનું આયોજન હાથ ધરાયું છે. તેવી જ રીતે ખાત્રજ ખાતે ફેડરેશનની જરૂરિયાત પ્રમાણે ગૌઉડા સીઝ અને ચીઝ સોસની માંગને પહોંચી વળવા સીઝ પ્લાન્ટનું વિસ્તૃતિકરણ કરવાની જરૂરિયાત છે, જે માટે મેક્સીકન સાલસ, જેલેપીનો, ગ્રીન ચટણી અને પીઝા ચીઝ સોસ પેક કરવા માટે 25 બોટલ પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતું પેકીંગ મશીન સ્થાપવાનું આયોજન છે. આ સાથે ખાત્રજમાં 170 કિલો પ્રતિદિન ઉત્પાદન ક્ષમતા ધરાવતો ગૌઉડા ચીઝ પ્લાન્ટ, 1000 ચીઝ સ્લાઇસ પ્રતિ કલાક ઉત્પાદન ક્ષમતાવાળું ચીઝ સ્લાઇસ મશીન અને તેને પેક કરવા માટે પેકીંગ મશીન સ્થાપવા માટેની તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...