ઐતિહાસિક ટર્નઓવર:અમૂલ ડેરીનું ટર્નઓવર 10 હજાર કરોડથી વધુ નોંધાયું ,ગત વર્ષની તુલનાએ ધંધામાં 20 ટકાની વૃદ્ધિ નોંધાઈ

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમૂલ પ્રોડક્ટની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકીશું, વધુ ઉત્પાદન થકી વધુ આવક મેળવી સભાસદને વધુ વળતર આપી શકાય : રામસિંહ પરમાર
  • સંઘે બહારના રાજ્યમાં આણંદ પેટર્ન પદ્ધતિથી નવી દૂધ મંડળીઓ સ્થાપી 41.38 કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કર્યું છે ,દૂધ સંપાદનમાં 13 ટકા વૃદ્ધિ નોંધાઈ

આણંદ અમૂલ ડેરીમાં છેલ્લા બે વર્ષ જેટલા સમયથી કાનૂની પ્રક્રિયાને કારણે બોર્ડ બેઠક મળી શકી નહતી. જેનો તાજેતરમાં જ સુખદ અંત આવ્યો છે. જેથી બોર્ડ ફરીથી કાર્યરત થયું છે. હવે સંઘના વિકાસ તેમજ વિસ્તૃતિકરણના ભાવી આયોજન માટેની તમામ કાર્યવાહી સત્વરે હાથ ધરવામાં આવશે. આ અંગે અમૂલ ડેરીની 76મી વાર્ષિક સાધારણ સભા શુક્રવારના રોજ મળી હતી. જેમાં દૂધ, ચોકલેટ, ચીઝ, આઈસ્ક્રીમ સહિતના પ્લાન્ટ વિસ્તૃતિકરણ માટે નિર્ણયો લેવામાં આવ્યાં છે. અમૂલના ટર્નઓવર અને દૂધ સંપાદનમાં પણ નોંધપાત્ર વૃદ્ધિ નોંધાતા પશુપાલકો અને કર્મચારીઓમાં ઉત્સાહ જોવા મળતો હતો.

અમૂલ ડેરી વાર્ષિક સભામાં દૂધ ઉત્પાદકો હાજર રહી બધા એજન્ડાનો નિકાલ કર્યો
આણંદ અમૂલ ડેરીની વાર્ષિક સાધારણ સભા શુક્રવારના રોજ સરદાર પટેલ સભાગૃહ ખાતે યોજવામાં આવી હતી. જેમાં ડેરીના ચેરમેન રામસિંહ પરમારે ડેરીને મળેલી મોટી સફળતા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઇ, ત્રિભુવનદાસ પટેલ અને ડો. વર્ગીસ કુરિયનને યાદ કર્યાં હતાં. તેઓએ નિયામક મંડળના સાથી મિત્રો, દૂધ મંડળીઓમાંથી પધારેલા પ્રતિનિધિઓ તથા સંઘના અધિકારી અને કર્મચારી ભાઈ અને બહેનોનું સંઘની વાર્ષિક સાધારણ સભામાં હાજર રહ્યાં હતાં. આ સભામાં તમામ દૂધ મંડળીઓના દૂધ ઉત્પાદકો હાજર રહી બધા જ એજન્ડાનો સર્વાનુમત્તે નિકાલ કર્યો હતો.

એજન્ડામાં વિવિધ પ્લાન્ટોનું આયોજન હાથ ધરાશે
આ એજન્ડામાં આવનારા સમયમાં વિવિધ પ્લાન્ટોમાં નવું આયોજન હાથ ધરવામાં આવશે. જેમાં જમીનનું સંપાદન મોગર અને ખાત્રજ ખાતે, મોગર ખાતે સિવિલ કામ, પ્લાન્ટ અને મશીનરીની ખરીદી, ખાત્રજ ખાતે ચીઝ પ્લાન્ટનું વિસ્તૃતીકરણ, યુએચટી પ્લાન્ટ, યોગર્ટ, શ્રીખંડ માટેની મશીનરી, સિવિલ કામ, આણંદ ખાતે ઈટીપી પ્લાન્ટનું વિસ્તૃતિકરણ, આરઓ પ્લાન્ટ, ઓટો સેમ્પલર ટેન્કર, રેફ્રિજરેશન પ્લાન્ટ તેમજ જરૂરિયાત મુજબનું વિસ્તૃતિકરણ, પુનામાં પણ આઈસ્ક્રીમ તેમજ તેના માટેનું ગોડાઉન, મશીનરી અને સિવિલ કામ, પંજાબ ખાતે વિવિધ બનાવટોના પ્લાન્ટ્સનું વિસ્તૃતિકરણ જેવા અનેક કામોનું ભાવી આયોજન કરવામાં આવશે.

2 વર્ષ બાદ બોર્ડ ફરીથી કાર્યરત
આ પ્રસંગે રામસિંહ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષ જેટલા સમયથી કાનૂની પ્રક્રિયાને કારણે આપણી બોર્ડ મીટીંગ થઈ શકેલ નથી, જેનો તાજેતરમાં જ સુખદ અંત આવ્યો છે અને આપ સૌ જાણો છો તેમ આપણું બોર્ડ ફરીથી કાર્યરત થઈ ગયેલ છે. હવે સંઘના વિકાસ તેમજ વિસ્તૃતીકરણના ભાવી આયોજન માટેની તમામ કાર્યવાહી સત્વરે હાથ ધરી શકાશે અને સંઘ કક્ષાએ વિસ્તૃતીકરણ કરીને ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકીશું. જેથી વધુ ઉત્પાદન થકી વધુ આવક મેળવી સભાસદને વળતર રૂપે આપી શકાય.

બેઠકમાં અમૂલ સાથે સંકળાયેલા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, દૂધ ઉત્પાદકોના હિતમાં નિર્ણયો કરી દૂધ ઉત્પાદકોને દૂધના વધુમાં વધુ ભાવ મળશે. અંતમાં સભાના ચેરમેન, નિયામક મંડળના સભ્ય તેમજ આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાની મંડળીઓમાંથી પધારેલા પ્રતિનિધિઓ, સંઘના અધિકારી તેમજ કર્મચારી ભાઈ - બહેનોનો આભાર માન્યો હતો.

ડેરીમાં 2021-22માં 10 હજાર કરોડનો વેપાર કર્યો
રામસિંહ પરમારે વાર્ષિક સાધારણ સભાના સંબોધનમાં જણાવ્યું હતું કે, વર્ષ 2021-22 આંતરરાષ્ટ્રીય ડેરી વેપાર માટે ખૂબ જ કપરું રહ્યું હતું. તેમ છતાં સંઘનો ટર્નઓવર રૂ.10,333 કરોડને પાર થઈ ગયું છે. જે સંઘના ઈતિહાસમાં સર્વાધિક છે. જે ગત વર્ષના રૂ.8,598 કરોડની તુલનામાં ધંધાની કુલ 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આપણા માટે ખૂબ જ સંતોષની વાત છે કે, ચાલુ વર્ષે ગત વર્ષના રૂ.835.51ની સરખામણીમાં રૂ.837.22 જેટલો પોષણક્ષમ દૂધનો ભાવ આપી શક્યા છીએ.

ડેરી દ્વારા વાર્ષિક દોઢસો કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કરાયું
આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લામાં દૂધ ઉત્પાદન અને સંપાદનમાં વર્ષો વર્ષ થયેલા પ્રગતિમાં સંઘે 2021-22 દરમિયાન સરેરાશ 29.81 લાખ કિલોગ્રામ પ્રતિદિન લેખે 108.79 કરોડ કિલોગ્રામ ગુણવત્તાસભર દૂધ સંપાદન કરેલું છે. જે ગત વર્ષની સરખામણીમાં 13 ટકાનો વધારો સૂચવે છે. વર્ષ દરમિયાન સંઘે કુલ 2829 દૂધ મંડળીઓ દ્વારા કુલ સરેરાશ 41.14 લાખ કિલોગ્રામ પ્રતિદિન લેખે વાર્ષિક દોઢ સો કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કર્યું છે. જે ગત વર્ષની સરખામણીમાં 14.50 ટકાનો વધારો સૂચવે છે. સંઘે બહારના રાજ્યમાં આણંદ પેટર્ન પદ્ધતિથી નવી દૂધ મંડળીઓ સ્થાપી 41.38 કરોડ કિલોગ્રામ દૂધ સંપાદન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...